ભારતીયોનું પ્રિય મુખશુદ્ધિકર ઔષધ નાગરવેલ

Monday 30th March 2020 07:55 EDT
 
 

આજે પણ ભારતીયો નાગરવેલનાં પાનનાં ઘણા શોખીન છે. મુખશુદ્ધિકર હોવાથી આપણે ત્યાં લગભગ બધા જ પ્રદેશોમાં ભોજન પછી નાગરવેલનાં પાનમાં બીજાં મુખવાસ દ્રવ્યો મૂકીને ખાવાની પરંપરા છે. આયુર્વેદ પ્રમાણે આ પરંપરા હિતકારક પણ છે, પરંતુ અહીં એ વાતનું ધ્યાન રાખવું કે નાગરવેલનાં પાનમાં મૂકાતાં બીજાં મુખવાસ દ્રવ્યો પણ સ્વાસ્થ્યની દૃષ્ટિએ હિતકારી હોવાં જરૂરી છે. અન્યથા તે નુકસાનકારક બની શકે છે. તો આવો આ વખતે આયુર્વેદીય મતે આ નાગરવેલના ઔષધીય ગુણકર્મો અને ઉપયોગ વિશે જાણીએ.

ગુણધર્મોઃ ગળોની જેમ નાગરવેલ પણ ૧૫થી ૨૦ ફૂટ લાંબી અને બહુવર્ષાયુ વેલ - લતા છે. આપણે ત્યાં તે બિહાર, બંગાળ, બનારસ, માળવા, ઓરિસા વગેરે ગરમ અને ભેજવાળા પ્રદેશોમાં ખૂબ થાય છે. આયુર્વેદ પ્રમાણે નાગરવેલ તીખી અને કડવી, ગરમ, તીક્ષ્ણ, રુચિકર, અગ્નિદીપક, અવાજને સુધારનાર અને મુખ શુદ્ધિકર છે. નાગરવેલનું નવું કે અર્ધપક્વ પાન ત્રિદોષકર, બળતરા કરનાર, રક્તદુષ્ટિકર, અરુચિકર અને ઊલટી કરાવનાર છે. પાકું પાન રુચિકર, ત્રિદોષનાશક, કામોત્તેજક, બળપ્રદ, ભૂખ લગાડનાર, પાચક, મુખશુદ્ધિકર અને હૃદયોત્તેજક છે. તે મુખના રોગો, શરદી, ઉધરસ, દમ, અવાજ બેસી જવો, પેટનો દુખાવો, કૃમિ વગેરેને દૂર કરનાર છે. નવાં કે અર્ધપકવ પાન કરતાં પાકું પાન ગુણમાં ઉત્તમ ગણાય છે.
રાસાયણિક વિશ્લેષણ જોઇએ તો, નાગરવેલનાં પાનમાં બે ટકા જેટલું ટેનિન મળી આવે છે. પાનમાં એક તીક્ષ્ણ અને સુગંધિત ઉડનશીલ તેલ પણ હોય છે. જેમાં ફેનોલ અને ટર્પિન નામનાં તત્ત્વો રહેલાં હોય છે.

ઉપયોગોઃ નાગરવેલનું પાન તીખું, ગરમ અને તીક્ષ્ણ હોવાથી શરદી, ઉધરસ, સળેખમ વગેરે કફના રોગોમાં ઉત્તમ પરિણામ આપે છે. તેમાં રહેલું ઉડનશીલ તેલ શ્વાસનળીના સોજાને મટાડે છે. શરદી, ખાંસી, દમ વગેરેમાં નાગરવેલનાં ત્રણથી ચાર પાનનો રસ કાઢી, તેને સહેજ ગરમ કરવો. ઠંડો પડે એ પછી તેમાં થોડું મધ મેળવીને પી જવો. આ રીતે સવાર-સાંજ મધ મેળવીને નાગરવેલનાં પાનનો રસ પીવાથી કફના બધા જ રોગમાં લાભ મળે છે.
નાગરવેલનાં પાનમાં ‘ચવિકોલ’ નામનું એક તત્ત્વ રહેલું હોય છે. જેને કારણે પાન તીખું લાગે છે. પાનની આ તીખાશ જંતુનાશક છે. ઉપરાંત પાનમાં રહેલું સુગંધિત તેલ મુખશુદ્ધિકર અને દાંતનો સડો અટકાવનાર છે. તેથી પાન ખાવાથી મુખ અને દાંતને ઘણો ફાયદો થાય છે. મુખમાંથી દુર્ગંધ આવતી હોય કે દાંતમાં સડો થયો હોય તો નાગરવેલનાં પાનમાં એલચી, જાવંત્રી, લવિંગ, કપૂર વગેરે નાંખીને ખાવું. મુખની દુર્ગંધ દૂર થશે અને દાંત સડતા અટકશે.
શ્વાસ-દમની તકલીફમાં નાગરવેલના પાકા પાનમાં એલચી ૧ નંગ, કાળા મરીના બે દાણા, તુલસીનાં ત્રણ પાન, આદું અને લીલી હળદરના થોડા ટુકડા મૂકી ઉપર એક ચમચી મધ નાંખીને ધીમે ધીમે ચાવીને એ પાન ખાઈ જવું. આ ઉપચારથી કફ છૂટો પડતા દમમાં ઘણી રાહત અનુભવાશે. શરદી, કફ અને શ્વાસ-દમ માટેનો આ એક સરળ છતાં અસરદાર ઘરગથ્થુ ઉપચાર છે.
નાગરવેલનાં પાન હૃદયોત્તેજક છે. હૃદયની નબળાઈ હોય તેમણે નાગરવેલનાં પાનના ચાર ચમચી જેટલા રસમાં થોડી સાકર ઉમેરીને રોજ સવારે પીવો. હૃદયની નબળાઈ દૂર થઈ તે સ્વસ્થ બનશે. નાગરવેલનાં પાન કંઠ - અવાજને પણ સુધારનાર છે. અવાજ બેસી ગયો હોય તો નાગરવેલનાં પાનમાં એક નાનો જેઠીમધનો ટુકડો મૂકીને ધીમે ધીમે ચાવીને એ પાન ખાઈ જવું. દિવસમાં બેથી ત્રણ વાર આ રીતે કરવું. એક-બે દિવસમાં જ અવાજ ખૂલી જશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter