ભારે કસરતથી સ્ત્રીઓની ભૂખ ઘટી શકે
ભારે વર્કઆઉટ કરવામાં આવે ત્યારે ભૂખમાં ઘટાડો થઈ શકે છે અને અને સ્ત્રીઓમાં આનું પ્રમાણ વધારે રહે છે. આપણા શરીરમાં ભૂખ અને ભોજનની ઈચ્છા પર નિયંત્રણ રાખવાનું કામ ઘ્રેલિન (Ghrelin) હોર્મોન કરે છે. આ હોર્મોન વધુ પ્રમાણમાં ઝરતું હોય ત્યારે ભૂખ પર કાબુ રહેતો નથી અને વજન ઘટાડવામાં ભારે મુશ્કેલી સર્જાય છે. આ સિવાય અકરાંતિયાપણા સહિતની કંડિશન્સ પણ તેના ઊંચા પ્રમાણ સાથે સંકળાયેલી છે. અગાઉના સંશોધનોએ સૂચવ્યું હતું કે કસરત કરવાથી ઘ્રેલિન હોર્મોનનું પ્રમાણ ઘટી શકે છે. હવે શાર્લોટ્સવિલેસ્થિત યુનિવર્સિટી ઓફ વર્જિનિઆના સંશોધકો અનુસાર મધ્યમ કે હળવા પ્રકારની કસરતોના બદલે ભારે કસરતો કરવામાં આવે તેનાથી ઘ્રેલિન હોર્મોનનું પ્રમાણ વધુ ઘટે છે. સામાન્ય રીતે જોવા મળે છે કે વ્યક્તિ ડાયેટિંગ પર હોય ત્યારે ઘ્રેલિનનું પ્રમાણ ઊંચે જાય છે કારણકે શરીર ભૂખે મરવા સામે રક્ષણ મેળવવા સજ્જ રહે છે. ‘જર્નલ ઓફ એન્ડોક્રાઈન સોસાયટી’માં પ્રસિદ્ધ અભ્યાસ એમ પણ સૂચવે છે કે સ્ત્રીઓમાં ભારે કસરતો કરવાથી ઘ્રેલિન હોર્મોનના સ્રાવમાં વધુ ઘટાડો જોવા મળ્યો છે. ઘ્રેલિનના બે પ્રકાર હોય છે – એકીલેટેડ (AG) અને ડીએકીલેટેડ (DAG). શરીરમાં DAGનું પ્રમાણ આશરે 80 ટકા જેટલું હોય છે અને તે ગ્લુકોઝ મેટાબોલિઝમ અને ગેસ્ટ્રિક સિસ્ટમની ગતિવિધિ સહિત વિવિધ જૈવિક પ્રક્રિયાઓમાં સક્રિય હોય છે જ્યારે, AG ભૂખ પર નિયંત્રણ ઉપરાંત, ઊર્જાની સમતુલા જાળવવા, ઈન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધારવા સહિત સંખ્યાબંધ શારીરિક પ્રક્રિયાઓ માટે જવાબદાર હોય છે.
•••
સગર્ભાવસ્થામાં ખાંડનો ઓછો ઉપયોગ બાળકો માટે લાભદાયી
સ્ત્રીઓ સગર્ભાવસ્થામાં અને પ્રસૂતિ પછી પણ ખાંડનો ઓછો ઉપયોગ કરે તેમના બાળકો જીવનભર વધુ સ્વસ્થ રહે છે તેમ સાયન્સ જર્નલમાં પ્રકાશિત અભ્યાસ જણાવે છે. ખાંડના ઓછાં ઉપયોગથી બાળકોને ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર અને અન્ય ગંભીર બીમારીઓનું જોખમ ઓછામાં ઓછાં 35 ટકા જેટલું ઘટે છે. સગર્ભાવસ્થામાં અને પ્રસૂતિ પછી આહારમાં 30 ગ્રામથી પણ ઓછી ખાંડ લેવાની સલાહ સંશોધકોએ 5 મિલિયનથી વધુ લોકોની જેનેટિક અને મેડિકલ જાણકારી ધરાવતી યુકે બાયોબેન્કના ડેટાના અભ્યાસ પછી આપી છે. અભ્યાસમાં 60,183 લોકોના સ્વાસ્થ્યનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. સ્ત્રીઓ સગર્ભાવસ્થામાં વધુ ખાંડનો ઉપયોગ કરતી હોય તેમના બાળકોને જન્મજાત સમસ્યાઓ, સ્થૂળતા અને અન્ય ગંભીર બીમારીઓનું જોખમ વધી શકે છે.