બર્લિનઃ આપણા જૂના જમાના લોકોને તો ખબર જ છે, પરંતુ હવે વિજ્ઞાને પણ મંજૂરીની મહોર લગાવી છે. આપણે ત્યાં જાણીતી ઉક્તિ છે કે સવારનો નાસ્તો રાજા જેવો, બપોરનું ભોજન મધ્યમ વર્ગ જેવું અને રાત્રિનું ભોજન ગરીબ જેવું લેવાથી સ્વાસ્થ્ય સદાબહાર સારું રહે છે. આ વાતને જર્મનીની લુબેક યુનિવર્સિટીના સંશોધકોએ સમર્થન આપ્યું છે.
સંશોધકોના મતે મોટા પ્રમાણમાં સાંજનું ભોજન કરવાને બદલે સવારે ભરપેટ નાસ્તો કરવાથી દિવસ દરમિયાન શરીરની કેલેરી વધુ બળે છે. કેલેરી વધુ બળવાને કારણે વજન પણ સપ્રમાણ રહે છે અને સાથે સાથે લોહીમાં ખાંડનું પ્રમાણ પણ જળવાયેલું રહે છે. તેમના અભ્યાસમાં જણાયું છે કે દિવસ દરમિયાન મેટાબોલિઝમની ક્રિયા વધુ સતેજ હોય છે, તેને કારણે સવારનો નાસ્તો વધુ કરાયો તો પણ તે દિવસ દરમિયાન સારી રીતે પચી જાય છે. વિજ્ઞાનની ભાષામાં જેને ડાયેટ ઈન્ડ્યુસ થર્મોજેનેસિસ (ડીઆઈટી) કહે છે.
ડીઆઈટી શરીરને ગરમ રાખવા અને ખોરાકને પચાવવા માટે શરીરમાં જેટલી કેલેરી વપરાય છે તેનો અંદાજ આપે છે. આ ગરમીનું પ્રમાણ રાત્રિના ભોજન કરતાં સવારે નાસ્તાના સમયે બમણું હોય છે. બીજી તરફ ઓછી કેલેરીનો નાસ્તો કરો તો તેના કારણે ભૂખ
વધે છે, ખાસ કરીને ગળપણ માટેની ભૂખ વધે છે. આ અભ્યાસના તારણ ‘જર્નલ ઓફ ક્લિનિકલ એન્ડોક્રિનોલોજી એન્ડ મેટાબોલિઝમ’માં પ્રકાશિત થાય છે.