લંડનઃ ઈંગ્લેન્ડમાં ભારે શરાબપાન આગામી પાંચ વર્ષમાં ૬૩,૦૦૦નો ભોગ લેશે તેવી ચેતવણી આપતા મેડિકલ વ્યવસાયના વરિષ્ઠ સભ્યો અને હેલ્થ ચેરિટીઝે આલ્કોહોલ માટે લઘુતમ યુનિટ પ્રાઈસિંગ દાખલ કરવા સરકારને અનુરોધ કર્યો છે. નવા સંશોધનમાં આલ્કોહોલના કારણે લિવરના રોગનું પ્રમાણ વધેલું જણાયું છે. સસ્તી કિંમતનો આલ્કોહોલ મોટુ દૂષણ છે જેનાથી ને આગામી પાંચ વર્ષમાં ૧૬.૭૪ બિલિયન પાઉન્ડનો બોજો સહન કરવો પડશે.
ફાઉન્ડેશન ફોર લિવર રિસર્ચ માટે શેફિલ્ડ યુનિવર્સિટીના આલ્કોહોલ રિસર્ચ ગ્રૂપના વિશ્લેષણમાં આગાહી કરાઈ છે કે ૨૦૧૭થી ૨૦૨૨ના ગાળામાં લિવર કેન્સરના કારણે દૈનિક પાંચ અથવા ૩૨,૪૭૫ મોત અને આલ્કોહોલિક લિવર રોગોના કારણે વધુ ૨૨,૫૧૯ મોત સહિત આલ્કોહોલના દુરુપયોગથી કુલ ૬૨,૯૦૫નો ભોગ લેવાશે.
બ્રિટનમાં લિવરના રોગોથી મોતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. માત્ર ઈંગ્લેન્ડમાં વર્ષે ૧૨,૦૦૦ મોત થાય છે. આ રોગો સાથે સંકળાયેલા મોતમાં ૧૯૭૦ પછી ૪૦૦ ટકાનો વધારો થયો છે. એક અંદાજ મુજબ તેનાથી દર વર્ષે વર્કિંગ લાઈફના ૬૨,૦૦૦ વર્ષ ગુમાવવા પડે છે.
ઈન્સ્ટિટ્યૂટ ઓફ આલ્કોહોલ સ્ટડીઝના ડાયરેક્ટર કેથેરાઈન બ્રાઉને આલ્કોહોલ સંબંધિત નુકસાન મર્યાદિત કરવામાં સરકારની ઉદાસીનતાને જવાબદાર ગણાવી હતી.