ભોજનને હંમેશા આનંદ સાથે જમો, મોડી રાતે જમવાનું ટાળો

Monday 03rd March 2025 09:18 EST
 
 

શરીર પર જોવા મળતા સોજા માટે અનેકવિધ કારણો જવાબદાર હોય છે, પણ આનું એક મહત્ત્વનું કારણ નકારાત્મક ભાવના પણ છે. લાંબા ગાળે આ જ કારણ નાનીમોટી બીમારી નોંતરે છે. ફંક્શનલ મેડિકલ એક્સપર્ટ અને હોલિવૂડ સેલિબ્રિટી એડવાઈઝર ડો. વિલ કોલના અનુસાર ગર્ભાવસ્થા દરમિયાન આપણા આંતરડા અને મગજ બન્ને ભ્રૂણમાં એક જ પેશીમાંથી બને છે અને તે ગટ-બ્રેન એક્સિસના માધ્યમથી આજીવન જોડાયેલા રહે છે. સાદા શબ્દોમાં સમજીએ તો, આપણે જે કંઈ પણ ચીજવસ્તુઓ ખાઈએ છીએ, તેની અસર આપણા માનસિક આરોગ્ય પર સીધી થાય છે. આ પ્રકારના વિચારો, ભાવનાઓ અને સંવેદનાઓની સીધી અસર આપણા આંતરડા પર થાય છે. અને આંતરડામાં સૌથી મહત્ત્વની ભૂમિકા ગટ માઈક્રોબિયમની છે. આપણું શરીર તેના વગર ભોજન પચાવવા, હોર્મોન્સ પરિવર્તન અને ઈમ્યુન સિસ્ટમના સંચાલન જેવા કામ કરી શકતું નથી. અને એ તો આપણે સહુ જાણીએ છીએ કે ભોજન જેટલું મહત્ત્વનું છે એટલું જ જરૂરી છે તેનું યોગ્ય રીતે પાચન થવાનું. જો ભોજનનું પાચન યોગ્ય રીતે નહીં થાય તો શરીરને પોષણ પણ મળશે નહીં. તો આવો આજે આપણે જાણીએ ભોજન કઈ રીતે જમવું જોઇએ.
નિષ્ણાતો કહે છે કે ઈટિંગ હેબિટ્સ અને જીવનશૈલી અંગે દૃષ્ટિકોણમાં પરિવર્તન કરીને બ્રેન-ગટ એક્સિસને મજબૂત કરી શકાય છે. જે મન કરે તે જમો, પરંતુ ભોજનને જેમ ઔષધ કહેવામાં આવ્યું છે તેવી જ રીતે તેને મેડિટેશન પણ માનો. જે જમો તેનો સ્વાદ લો, તેને અનુભવો.
ખુશીના હોર્મોન સેરોટોનિનના લગભગ 95 ટકા અને આનંદના હોર્મોન તરીકે ઓળખાતું ડોપામાઈન લગભગ 50 ટકા જેટલું આંતરડામાં જ બને છે. આથી ભોજનના સમયે નકારાત્મક ભાવનાઓ તેમના પ્રમાણ પર અસર કરે છે. શરીરને કોઈ પણ જંક ફૂડ કરતાં વધુ નુકસાન નકારાત્મક ભાવનાથી થાય છે. આથી જ ભોજનના સમયે મનમાં કોઈ પણ પ્રકારનો અફસોસ કે નકારાત્મકતાની ભાવના ન હોવી જોઈએ. કેમ કે તેનો સીધો સંબંધ ક્રોનિક સ્ટ્રેસ સાથે છે. આ સ્ટ્રેસ આપણી નર્વસ અને ઈમ્યુન સિસ્ટમને પ્રભાવિત કરે છે, જેનાથી ક્રોનિક ઈન્ફ્લેમેશન થાય છે.
મોડી રાત્રે જમવાથી શું થાય છે?
કહેવાય છે કે તંદુરસ્ત રહેવા માટે દિવસનું મોટાભાગનું ભોજન સવારે અને બપોર સુધીમાં કરી લેવું જોઈએ, જ્યારે રાત્રે ઓછું જમવું જોઈએ, પરંતુ આવું કેમ? બર્મિંગહામની અલબામા યુનિવર્સિટીમાં ન્યુટ્રિશનનાં એસોસિએટ પ્રોફેસર કર્ટની પીટરસનના મતે જે લોકો રાત્રે ભોજન કરે છે, તેમનું વજન બીજાની સરખામણીએ વધી જાય છે, સાથે જ તેમને ભૂખ પણ વધુ લાગે છે. જર્નલ ન્યૂટ્રિશનમાં પ્રકાશિત રિસર્ચના તારણ અનુસાર, જે લોકો રાતનું ભોજન વહેલા કરી લે છે તેમનું બ્લડ-ગ્લૂકોઝ સારું રહે છે, બ્લડ-પ્રેશર નિયંત્રિત રહે છે. જર્નલ એપિડેમિયોલોજી એન્ડ હેલ્થના અનુસાર, મોડી રાત્રે જમવાથી ટ્રાઈગ્લિસરાઈડનું કન્સન્ટ્રેશન વધે છે, જેનાથી હૃદય સંબંધિત જોખમ વધે છે.
મોડી રાત્રે જમવાથી કેલરી બર્ન કરતા અને ફેટ પ્રત્યે પ્રતિક્રિયા કરતાં જીન્સ બહુ ઓછા સક્રિય હોય છે. જે મસ્તિષ્કને ફેટ એકત્રિત કરવાના મેસેજ મોકલે છે, જેના કારણે સ્થૂળતા વધે છે. આ ઉપરાંત, ‘થર્મિક ઈફેક્ટ’ને કારણે પણ બહુ ઓછી કેલરી બર્ન થાય છે. આ કેલરીનું એ પ્રમાણ છે, જે ભોજનને પચાવવા, અવશોષિત કરવા અને મેટાબોલાઈઝ કરવામાં વપરાય છે. રાત્રે થર્મિક ઈફેક્ટ ઓછી પ્રભાવી હોય છે.
આવું કેમ થાય છે? કારણ છે શરીરની સર્કેડિયમ રિધમ કે બાયોલોજિકલ ક્લોક. કર્ટની પીટરસનના અનુસાર આપણું શરીર કેટલાક નિશ્ચિત કામને ચોક્કસ સમયમાં કરવા માટે બનેલું છે. અસંખ્ય વર્ષ અગાઉ જ્યારે મનુષ્ય પ્રકાશ અને જીવિત રહેવા માટે સૂર્ય પર આધારિત હતો ત્યારે તેની સક્રિયતા દિવસમાં સૌથી વધુ હતી, જ્યારે રાત્રે તે નિષ્ક્રિય રહેતો હતો. લાંબા સમયથી આ પ્રકારે બનેલું શરીર આજે પણ સૂર્યના પ્રકાશને આધારે જ સક્રિય થાય છે.
હંમેશા યાદ રાખો કે બે ભોજન વચ્ચે 12 કલાકનું અંતર જરૂરી છે. શરીરને એ નક્કી કરવા માટે સમય જોઈતો હોય છે કે આપણે ક્યારે ખાઈશું અને ક્યારે નહીં.
આહાર વિશેષજ્ઞ અને લેખક કેરોલિન વિલિયમ્સના અનુસાર મનુષ્ય શરીર હોર્મોનલી અને મેટાબોલિક રીતે કંઈક એવું બનેલું છે કે, તેને રાતના અને સવારના ભોજન વચ્ચે ઓછામાં ઓછું 12 કલાકનું અંતર જોઈએ જ. જ્યારે લોકો પાસે સ્નેક્સ ફૂડ અને 24 કલાક ભોજનની ઉપલબ્ધતા ન હતી ત્યારે લોકો આ પદ્ધતિ મુજબ જ રહેતા હતા. અને કદાચ આ જ કારણસર તેઓ વધુ તંદુરસ્ત - સ્વસ્થ હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter