તેલ ભારતીય ભોજનશૈલીનો મહત્ત્વનો ભાગ છે, પરંતુ આપણા સ્વાસ્થ્યના જતન-સંવર્ધનમાં પણ તેનું એટલું જ યોગદાન છે. આથી જ તંદુરસ્તીનો મુદ્દો ચર્ચામાં આવે છે ત્યારે તેલના પ્રકાર અને તેલનો કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઇએ તેની ચર્ચા અવશ્ય થાય છે. સ્થૂળતા (ઓબેસિટી), કોલેસ્ટ્રોલ, હૃદયરોગ જેવી બીમારીઓ અને અન્ય આરોગ્યલક્ષી સમસ્યાઓ માટે તેને જવાબદાર માનવામાં આવે છે. આ સમયે સહુ કોઇને સવાલ થાય છે કે, કયું તેલ ખાવું જોઈએ અથવા કયું તેલ તંદુરસ્તી માટે ફાયદાકારક અને કયું ખરાબ? તેનું ઉચિત પ્રમાણ કેટલું? આજે જાણીએ તંદુરસ્તી માટે ક્યું તેલ વધુ ફાયદાકારક છે.
રિસર્ચમાં જાણવા મળ્યું કે, ભોજનમાં જુદા-જુદા તેલનો ઉપયોગ કરવાથી શરીરમાં ફેટ અને એન્ટીઓક્સિડન્ટનું સંતુલન સુધરે છે. હકીકતમાં દરેક તેલમાં કેટલાક ગુણ અને કેટલીક ખામી હોય છે. આથી જ તબીબી નિષ્ણાતો કહે છે કે તેને બદલતા રહેવાથી ખામીઓને દૂર કરી ગુણો વધારી શકાય છે.
ભોજનમાં તેલની જરૂર શા માટે?
તેલમાં ફેટનું પ્રમાણ વધુ હોય છે. તેમાં અનેક પ્રકારની ફેટ જેમકે સેચ્યુરેટેડ ફેડ, મોનોઅનસેચ્યુરેટેડ ફેટ અને પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ હોય છે. આ ઉપરાંત ખાદ્ય તેલોમાં અનેક એન્ટીઓક્સિડન્ટ જેમ કે ટોકોફેરોલ્સ, ઓરિઝાનોલ, કેરોટેનોઈડ્સ, ટોકોટ્રિનોલ, ફાઈટોસ્ટેરોલ અને માઈક્રોન્યૂટ્રિયન્ટ્સ પણ હોય છે. તેલમાંથી પ્રાપ્ત થતી ફેટનો શરીર ઊર્જા માટે ઉપયોગ કરે છે. તેમજ મેટાબોલિઝમ સુધારે છે.
તેલને કેટલા તાપમાને રાંધવું જોઇએ?
સ્મોકિંગ પોઈન્ટને આધારે તેલના બે વર્ગ છે. પ્રથમ પ્રકાર છે - હાઇસ્મોકિંગ પોઈન્ટ એટલે જેને 204 ડિગ્રી સેલ્સિયસ સુધી રાંધી શકાય છે. જેમાં કેનોલા, કોર્ન અને મગફળીનું તેલ સામેલ છે. બીજો પ્રકાર છે - લો સ્મોક પોઈન્ટ. જેને 107 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ કરી શકાય છે. જેમાં ફ્લેક્સ સીડ્સ, પમ્પકિન સીડ્સ, વોલનટ્સ ઓઈલ સામેલ છે, પરંતુ તેનો ઉપયોગ ભોજન રાંધવામાં થતો નથી.
વધુ તેલ શા માટે ન ખાવું જોઇએ?
મનુષ્યનું શરીર વધુ ફેટ પચાવી શકતું નથી. પરિણામે તેલમાંથી મળેલી ફેટ આપણા શરીરમાં જમા થવા લાગે છે, જેના કારણે હૃદય સંબંધિત બીમારીઓ અને બ્લડ પ્રેશરની સમસ્યા થવાનો ખતરો સર્જાય છે. હકીકતમાં અનસેચ્યુરેટેડ ફેટમાંથી નીકળેલું એસિડ સીધું લોહીમાં ભળી જઈને તેની ઊર્જાની જરૂરિયાતો વધારે છે, જ્યારે સેચ્યુરેટેડ ફેટવાળા તેલમાંથી નીકળેલું એસિડ સીધું લિવરમાં એકઠું થાય છે, જેના લીધે કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે.
ભોજન રાંધવા માટે કયું તેલ સારું છે?
કોઈ પણ પ્રકારના ઓઈલને રિફાઈન્ડ કરવા માટે 6થી 7 કેમિકલ્સનો ઉપયોગ કરાય છે. જ્યારે તેને ડબલ રિફાઈન્ડ કરાય છે તો કેમિક્લની સંખ્યા 12થી 13 થઈ જાય છે. આ કેમિકલ આરોગ્ય માટે અત્યંત નુકસાનકારક હોય છે. સનફ્લાવર, રાઈસ બ્રાન, ગ્રાઉન્ડનટ, સોયાબીન તેમજ કેટલાક ઓલિવ ઓઈલ પણ રિફાઈન્ડ હોય છે. જ્યારે તલ, સરસિયું, નારિયેળ અને જૈતુનનું તેલ કોલ્ડ પ્રેસ ટેક્નિકથી કાઢવામાં આવે છે. આ પદ્ધતિથી કાઢવામાં આવેલું તેલ રસોઇ માટે અને શરીર માટે પણ સારું ગણાય છે. જોકે તેનો ઉપયોગ જેટલો મર્યાદામાં થાય એટલું વધુ સારું.