લંડનઃ યુકેમાં મંકીપોક્સના ચેપનો વાવર ફેલાઈ રહ્યો છે ત્યારે લોકો પોતાની વેક્સિન સરળતાથી અને સમયસર મેળવી શકે તે માટે NHS દ્વારા ઓનલાઈન સાઈટ ફાઈન્ડર લોન્ચ કરાયું છે. યુકેમાં મંકીપોક્સનો પહેલો કેસ બહાર આવ્યા પછી NHS દ્વારા અત્યાર સુધીમાં આશરે 50 હજાર લોકોને વેક્સિન આપી દેવાઇ છે. યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સી (UKHSA) અને યુકે કોન્સેન્સસ ગ્રૂપના અંદાજ મુજબ ઈંગ્લેન્ડમાં આશરે 95,000 લોકો વેક્સિન લેવાને પાત્ર છે પરંતુ, માત્ર અડધા લોકોએ જ હેલ્થ સર્વિસીસનો સંપર્ક સાધ્યો છે. ઓનલાઈન સેવાથી જેઓ ઓનલાઈન સંપર્ક કરી શકે છે તેઓ પોતાની એપોઈન્ટમેન્ટ કેવી રીતે મેળવવી તેની અને નજીકના સ્થળની માહિતી મેળવી શકશે.
UKHSAના જણાવ્યા મુજબ ગે અને બાયસેક્સ્યુઅલ લોકો, ચોક્કસ ફ્રન્ટલાઈન સ્ટાફ તેમજ સંક્રમિત વ્યક્તિ સાથે સતત સંપર્ક ધરાવતા લોકોને મંકીપોક્સના ચેપનું સૌથી વધુ જોખમ છે. મંકીપોક્સ વેક્સિન સાઈટ ફાઈન્ટરમાં 100થી વધુ સાઈટ્સ અપાઈ છે અને વેક્સિન લેવાને પાત્ર લોકો પોતાની નજીકના સ્થળની માહિતી www.nhs.uk/find-a-monkeypox-vaccination પરથી મેળવી શકશે. જેમને મંકીપોક્સના લક્ષણો જણાય તેમણે અન્યો સાથે હળવામળવાનું બંધ કરી દેવું જોઈએ અને તેમના સ્થાનિક સેક્સ્યુઅલ હેલ્થ ક્લિનિકનો સંપર્ક અથવા 111ને કોલ કરવો જોઈએ. આવી વ્યક્તિએ A&E અથવા તેમના GP ની મુલાકાત લેવાનું ટાળવું જોઈએ જેથી અન્યોને ચેપ લાગવાથી બચાવી શકાય.