ગુજરાતમાં મકરસંક્રાન્તિનું કાઉન્ડડાઉન શરૂ થઇ ગયું છે. મકરસંક્રાન્તિમાં સૌથી વધુ મજા પતંગ ચગાવવાની હોય છે. સવારથી લઈને રાત સુધી અગાસી પર રહેવાનું, પતંગની પેચબાજી કરવાની, સામેવાળાનો પતંગ કપાય ત્યારે કાઇપો છે એમ જોરથી બૂમાબૂમ કરવાની... આ બધી જ મજા સર્વોપરી છે. મજા માનસિક હેલ્થ આપે છે એની સાથે-સાથે આ તહેવાર શારીરિક હેલ્થનું પણ ધ્યાન રાખે છે, કારણ કે આ તહેવારમાં લગભગ આખો દિવસ સૂર્યપ્રકાશમાં રહેવાનું અને ભરપૂર માત્રામાં વિટામિન-ડી લેવાનું, અગાસી પર ચોખ્ખી હવા શ્વાસમાં ભરવાનું, બિલ્ડિંગમાં ઉપર-નીચે આવ-જા કરીને પગથિયાં ચડી-ઊતરીને શરીરને કસરત આપવાનું, આ બધું જ હેલ્ધી છે. બ્રિટનમાં રહીને આ બધી મજા માણવાનું તો મુશ્કેલ છે, પરંતુ આપણે અહીં રહ્યે રહ્યે આ પર્વ સાથે જોડાયેલા પૌષ્ટિક ખોરાકની મજા માણીને સ્વાસ્થ્યને જરૂર સદાબહાર બનાવી શકીએ.
લીલા ચણા, તલની-શિંગની-દાળિયાની ચિક્કી, તલના-મમરાના-રાજગરાના લાડુ, તલનું કચરિયું, શેરડી, પોંક, ઊંધિયું, ખીચડો... ખરા અર્થમાં એક મકરસંક્રાન્તિ જ એવું પર્વ છે જેમાં ખાવામાં આવતો બધો જ ખોરાક ખૂબ હેલ્ધી છે અને શરીરને ભરપૂર પોષણ આપે છે. તલ સિવાયના બીજા ખોરાકમાંથી શરીરને શું પોષણ મળે છે એ જાણીએ નિષ્ણાત ડાયેટિશ્યન પાસેથી.
• ઊંધિયુંઃ ગુજરાતીઓમાં ખવાતું ઊંધિયું ન્યુટ્રિશનની દૃષ્ટિએ ખૂબ ઊંચું આવે છે; કારણ કે એની અંદર બિયાંવાળાં શાકભાજી, રીંગણાં, વાલોળ, ફ્લાવર, કંદ, લીલું લસણ, લીલી ડુંગળી, મેથી, ચણાનો લોટ, કોપરું નાખવામાં આવે છે. એ બધાં જ શાક સીઝનલ શાક છે જે ફક્ત શિયાળામાં જ મળે છે. એમાં ભરપૂર પોષક તત્વો હોય છે. આ એક સંપૂર્ણ ભોજન છે કારણ કે એમાંથી આપણને બધાં જ પોષક તત્વો ભરપૂર માત્રામાં મળી રહે છે. પરંતુ તકલીફ ત્યાં થાય છે જો આપણે એમાં ભરપૂર તેલ નાખીએ. બધા જ કંદને સીધા તેલમાં પકવવાને બદલે કુકરમાં બાફીને ઉપયોગમાં લઈ શકાય છે. આ સિવાય મેથીનાં મૂઠિયાં પણ તળવાને બદલે બેક કરી શકાય છે. આજકાલ લોકો ઘરે ઊંધિયું બનાવવાને બદલે બજારમાંથી રેડીમેડ ઊંધિયું લઈ આવે છે. બહારના ઊંધિયામાં ખૂબ તેલ હોય છે. આવું ઊંધિયું ખાવા કરતાં ઘરે બનાવવું વધુ હેલ્ધી ઓપ્શન છે.
• ખીચડોઃ કાઠિયાવાડી ગણાતી આ વાનગી પોષણની દૃષ્ટિએ ખૂબ જ હેલ્ધી છે, જેમાં છડેલી જુવાર વાપરવામાં આવે છે. ખીચડામાં સાત પ્રકારનાં ધાન પડે છે. કઠોળ અને અનાજનું આ એક એવું કોમ્બિનેશન છે જે આ વાનગીને શ્રેષ્ઠ વાનગી બનાવે છે. જોકે દરેક ઘરમાં એ અલગ-અલગ વરાઇટીમાં બને છે. સાતમાંથી કોઈ લોકો ચાર ધાન જ વાપરે છે તો કોઈ બીજાં બે ઉમેરીને નવ ધાન કરી નાખે. ઘણા લોકો એમાં શાકભાજી નાખે તો કેટલાક લોકો જાતજાતના મસાલા નાખીને એમાં વઘાર પણ કરે. ખીચડામાં સૌથી મહત્વનું ધાન છે સફેદ જુવાર. એની સાથે ઘઉં, ચોખા, મગ, મઠ, ચણા, કળથી પણ નાખવામાં આવે છે. આમ સાત ધાન થયાં. કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીનનું એ પર્ફેક્ટ મિશ્રણ છે, જેના લીધે એ સુપ્રીમ ક્વોલિટીનું પ્રોટીન બની જાય છે જે શાકાહારી લોકો માટે ઘણું જ સારું ગણાય. એ એક કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ છે, જે જલદી પચીને શરીરમાં શુગરનું નિર્માણ કરતું નથી. એનું પાચન ધીમે-ધીમે થાય છે, આથી પેટ ભરેલું લાગે છે. વળી, એમાં ફાઇબર્સ અને વિટામિન્સ પણ ભરપૂર માત્રામાં છે. શિયાળામાં જરૂરી વધારાનું કેલ્શિયમ અને આયર્ન પણ એમાંથી મળી રહે છે.
• પોંકઃ શિયાળાના ચાર મહિના જ મળતી લીલી જુવાર એટલે પોંક. પોંકમાં ઉત્તમ પ્રકારનું પ્રોટીન છે જે ઘણું જ સુપાચ્ય છે અને આયર્ન પણ ભરપૂર માત્રામાં છે. પોંક લીલો અને તાજો ખોરાક છે જે શરીરમાં જઈને સરળતાથી પચી જાય છે અને એનાં પોષક તત્વો પૂરેપૂરાં આપણને મળે છે. ઘણા લોકો જાતજાતની વાનગી બનાવીને પણ ખાય છે. જેમ કે, પોંક ઉત્તપા કે પોંક વડાં. જોકે પોંક એના ઓરિજિનલ સ્વરૂપમાં ખાવાથી બેસ્ટ ફાયદા મેળવી શકાય છે, એને પકવવાની જરૂર નથી. આ સિવાય પોંકને ફણગાવીને ખાવાથી પણ ખૂબ ફાયદો થઈ શકે છે. પોંક શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ વધારવાનું અને શરીરને ઠંડી સામે રક્ષણ આપવાનું કામ કરે છે. એમાં રહેલાં પોષક તત્વો એટલાં સુપાચ્ય છે કે ડાયાબિટીસ, હાર્ટ-ડિસીઝ, કોલેસ્ટરોલ, ઓબેસિટી કે અન્ય કોઈ પણ સમસ્યા ધરાવતા લોકો પણ એ ખાઈ શકે છે.
તલના અઢળક ફાયદા
આ ઉપરાંત મકરસંક્રાન્તિમાં પારંપરિક રીતે ખવાતું ભોજન પણ ખૂબ જ હેલ્ધી છે. મરાઠીમાં કહેવાય છે, તિળગુળ ઘ્યા આણિ ગોડ-ગોડ બોલા. એટલે કે તલ અને ગોળ ખાઓ અને મીઠું-મીઠું બોલો. મકરસંક્રાન્તિમાં તલના લાડુ ખાવાનું ચલણ ગુજરાતીઓમાં પણ એટલું જ છે. લાડુ જ નહીં, આપણે ત્યાં કાળા, સફેદ અને લાલ તલની ચિક્કી તથા તલનું કચરિયું ખાવાની રીત પણ પ્રચલિત છે. સંક્રાન્તિમાં ખવાતા તલ આપણને કઈ-કઈ રીતે ફાયદો કરે છે એ જાણીએ.
• તલમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે, જે શાકાહારી લોકો માટે ખૂબ જ ફાયદાકારક ગણાય છે. આ પ્રોટીન સુપાચ્ય હોય છે, કારણ કે તલમાં ફાઇબર્સ પણ ભરપૂર માત્રામાં હોય છે. આ ફાઇબર્સ વ્યક્તિના પાચનમાં પણ ફાયદો કરે છે.
• તલમાં રહેલું મેગ્નેશિયમ ડાયાબિટીસ, બ્લડ-પ્રેશર, કોલેસ્ટરોલ ધરાવતા અને હાર્ટના દરદીઓ માટે પણ અત્યંત ઉપયોગી સાબિત થાય છે.
• તલ ચામડી અને વાળ માટે પણ અત્યંત ઉપયોગી છે. એમાં રહેલું ઝિન્કનું વધુ પ્રમાણ ચામડીની સ્થિતિસ્થાપકતા વધારે છે. ડેમેજ થયેલા ટિશ્યુને રિપેર કરવામાં મદદ કરે છે. વાળની ચમક વધારે છે.
• તલ માનસિક હેલ્થ માટે પણ ઉપયોગી છે, કારણ કે એમાં રહેલાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ સ્ટ્રેસને દૂર કરવામાં મદદ કરે છે સાથે સાથે જ થિયામિન અને ટ્રિપ્ટોફેન નામનાં વિટામિન સેરોટોનિનનું ઉત્પાદન કરે છે; જે કોઈ પણ જાતનું પેઇન દૂર કરે છે, મૂડ સુધારે છે અને સારી ઊંઘ માટે મદદરૂપ સાબિત થાય છે.
• કેલ્શિયમ અને આયર્નથી ભરપૂર તલમાં ઘણા ગુણો રહેલા છે. ખાસ કરીને કાળા તલમાં ઘણું વધારે માત્રામાં આયર્ન રહેલું છે, જે લોહીની કમીને પૂરી કરે છે. જે વ્યક્તિને એનીમિયાનાં લક્ષણો હોય, થાક જલદી લાગતો હોય અને એ સ્ત્રીઓ, જેમને હિમોગ્લોબીનની કમી હોય તેમને એ ખૂબ ફાયદો કરે છે.
• તલમાં ખૂબ વધારે પ્રમાણમાં કોપર હોય છે. આ સિવાય કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઝિન્ક જેવાં ખનીજ તત્વો છે; જે આપણાં હાડકાંની મજબૂતીમાં ખૂબ ઉપયોગી બને છે. આર્થ્રાઇટિસમાં પણ એ ખૂબ ઉપયોગી થાય છે. એક મુઠ્ઠી તલમાં એક ગ્લાસ દૂધ કરતાં વધુ કેલ્શિયમ હોય છે, જેને લીધે એ બોન મિનરલ ડેન્સિટીમાં વધારો કરે છે.
• આ સિવાય દાંતની મજબૂતી માટે, આંખની હેલ્થ માટે, શ્વાસ સંબંધિત કોઈ તકલીફથી બચવા માટે પણ તલનો દવા તરીકે ઉપયોગ થાય છે.