મગજમાં ટ્યુમર્સ અને કેન્સરનો પ્રકાર ઓળખવા AIનો ઉપયોગ
આરોગ્ય વિજ્ઞાનના ક્ષેત્રમાં AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ વધી રહ્યો છે. ડોક્ટરો ટુંક સમયમાં જ MRI ઈમેજીસમાં બ્રેઈન ટ્યુમર્સનું નિશ્ચિત સ્થાન જાણવા AIનો ઉપયોગ કરતા થઈ જશે. અત્યાર સુધી બ્રેઈન ટ્યુમર્સનાં 150થી વધુ પ્રકાર ઓળખી લેવાયાં છે અને બધાં ટ્યુમર્સ બ્રેઈન કેન્સરમાં પરિણમતા નથી છતાં, તેમના સ્થાન મગજમાં હોવાના કારણે તેઓ જોખમી બની શકે છે. કેન્સરજન્ય ન હોય તેવી ગાંઠ મગજના મહત્ત્વના વિસ્તારોમાં આવેલી હોય તો જીવલેણ બની શકે છે અને ઘણા કેસીસમાં આવી ગાંઠ પણ કેન્સરજન્ય બની શકે છે. મગજમાં ગાંઠ જેવી ખરાબી શોધવા MRI ઈમેજીસ લેવાય છે ત્યારે કઈ ઈમેજીસ સ્વસ્થ મગજની છે અને કઈ ઈમેજીસ કેન્સરથી અસરગ્રસ્ત છે તે ઓળખવા વિજ્ઞાનીઓએ AIના એક પ્રકાર મશીન લર્નિંગ અલ્ગોરિધમ્સ તરીકે પણ ઓળખાતા ન્યુરલ નેટવર્ક્સ તૈયાર કર્યા છે. ‘બાયોલોજી મેથડ્સ એન્ડ પ્રોટોકલ્સ’ જર્નલમાં પ્રકાશિત અભ્યાસ મુજબ આ મોડેલ્સ કેન્સરથી અસરગ્રસ્ત એરિયા તેમજ કયા પ્રકારનું કેન્સર છે તેને ઓળખવાનો નિર્ણય લઈ શકે છે. તેઓ તંદુરસ્ત બ્રેઈન ઈમેજીસને પારખી શકે છે. એક મોડેલ બ્રેઈન કેન્સરને 86 ટકા ચોકસાઈ સાથે શોધી શકે છે જ્યારે બીજું મોડેલ 83 ટકા ચોકસાઈ ધરાવે છે. AI ન્યુરલ નેટવર્ક્સ ના ઉપયોગ થકી ડોક્ટર્સ તેમના પોતાના નિર્ણયોની ચોકસાઈ જાણી શકશે. યુનિવર્સિટી ઓફ મિશિગન હેલ્થના અભ્યાસ અનુસાર AI માત્ર 90 સેકન્ડ્સમાં કેન્સરજન્ય બ્રેઈન ટ્યુમર્સના જિનેટિક્સની આગાહી કરવા સક્ષમ છે.
•••
અપૂરતી ઊંઘ અને હાઈ બ્લડ પ્રેશરની ખરાબ અસર
જીવનમાં ઊંઘનું પણ ખાસ મહત્ત્વ છે. સંશોધનો જણાવે છે કે છ કલાકથી ઓછી અથવા અપૂરતી નિદ્રાથી યાદશક્તિ જેવી મગજની કામગીરી પર અસર, સ્મૃતિભ્રંશ અને ઊંચા બ્લડ પ્રેશરનું જોખમ વધે છે. ‘જર્નલ ઓફ ધ અમેરિકન હાર્ટ એસોસિયેશન’માં પ્રકાશિત નવા અભ્યાસ અનુસાર અપૂરતી નિદ્રા અને હાઈ બ્લડ પ્રેશર સાથે મળીને જ્ઞાનેન્દ્રિયોની પ્લાનિંગ, તર્કશક્તિ અને નિર્ણયપ્રક્રિયા સહિતની નબળી કામગીરી અને મગજની વય વધારવાનું જોખમ ઉભું કરે છે. જોકે, એક હકીકત એવી પણ છે કે જે લોકો અપૂરતી ઊંઘ લે છે પરંતુ, તેમનું બ્લડ પ્રેશર નોર્મલ રહે છે તેમનામાં સ્મરણશક્તિની કામગીરીમાં ઓછપ અથવા બ્રેઈન ઈન્જરી દર્શાવતા માર્કર્સનું વધુપડતું પ્રમાણ જોવાં મળતું નથી. આમ છતાં, લોહીના ઊંચા દબાણની સમસ્યા ધરાવતા લોકોએ પૂરતી ઊંઘની કાળજી લેવાનું હિતાવહ ગણાય. હાઈ બ્લડ પ્રેશરના લીધે મગજની નાની રક્તવાહિનીઓને નુકસાન પહોંચે છે જે બ્રેઈન ટિસ્યુઝના નુકસાનમાં પરિણમે છે. બ્રેઈન ટિસ્યુઝમાં રહેલાં ચેતાતંતુઓ થકી ચેતાકોષોમાં માહિતીનું ટ્રાન્સમિશન થાય છે.