ટોક્યોઃ મગફળી ખાવાથી એશિયાઇ લોકોમાં હૃદયરોગનું જોખમ ઘટે છે તેવો દાવો જાપાનની ઓસાકા યૂનિર્વિસટીના સંશોધનકારોએ પોતાના તાજેતરના રિસર્ચમાં કર્યો છે. અભ્યાસ અનુસાર જાપાનમાં રહેતા જે એશિયાઇ મહિલાઓ અને પુરુષોએ રોજની સરેરાશ ૪-૫ મગફળી ખાધી હતી તેમનામાં સ્ટ્રોક અને હૃદયની બીમારીઓનું જોખમ ઘટી ગયું હતું.
‘સ્ટ્રોક’ જર્નલમાં પ્રકાશિત સંશોધન અનુસાર જે લોકો મગફળી ખાય છે તેમનામાં આવી બીમારીઓના કેટલા કેસીસ સામે આવે છે તેને મોનિટર કરવામાં આવ્યું હતું. સંશોધક સતોયો કેહરા કહે છે કે જે એશિયાઇ લોકો વધારે મગફળી ખાય છે તેમનામાં સ્ટ્રોકનું જોખમ ઘટે છે. તે કહે છે કે અમારો અભ્યાસ બતાવે છે કે મગફળીને ડાયેટમાં સામેલ કરવી ફાયદાકારક છે.
આ અભ્યાસ બે તબક્કામાં હાથ ધરાયો હતો. પ્રથમ અભ્યાસ ૧૯૯૫માં અને બીજો અભ્યાસ ૧૯૯૮થી ૧૯૯૯ દરમિયાન કરાયો હતો. અભ્યાસમાં ૭૪,૦૦૦ એશિયાઇ સ્ત્રી-પુરુષોને સામેલ કરાયા હતાં, જેમની વય સરેરાશ ૪૫થી ૭૪ વચ્ચે હતી. તેમને પૂછવામાં આવ્યું હતું કે તેઓ સપ્તાહ દરમિયાન કેટલી મગફળી ખાય છે. આ લોકો ઉપર તે પછીના ૧૫ વર્ષ સુધી મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. અમેરિકન હાર્ટ એસોસિયેશન પણ કહે છે કે એક સપ્તાહમાં પાંચ વાર બે ટેબલ સ્પૂન મોળી મગફળી ખાવી જોઈએ. સતોયો કહે છે કે મગફળીમાં એવી ઘણી ચીજો છે કે જે સીધી રીતે હૃદય માટે ફાયદાકારક છે. જેમ કે મોનોઅનસેચુરેટેડ ફેટી એસિડ, પોલિઅનસેચુરેટેડ ફેટી એસિડ્સ, મિનરલ્સ વિટામિન્સ અને ફાઇબર છે. તે હાઇ બ્લડ પ્રેશર અને બેડ કોલસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે.