મેડ્રિડઃ મેન્ટલ હેલ્થને તરોતાજા રાખવાના ઇરાદે સ્પેનમાં ‘ક્રાઇંગ રૂમ’ બનાવવામાં આવ્યો, અહીં તમે ખૂલીને રોઈ શકો છો કે રાડો પણ પાડી શકો છો. સ્પેનમાં તણાવ અને ડિપ્રેશન જેવી સમસ્યાઓ દૂર કરવા માટે ‘ક્રાઇંગ રૂમ’ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. મેડ્રિડમાં બનેલા આ ક્રાઇંગ રૂમમાં માનસિકરૂપે પરેશાન હોય તેવી કોઇ પણ વ્યક્તિ ખૂલીને રોઇ શકે છે કે બૂમો પાડી શકે છે. આ સાથે અહીં તે કોઇ પણ પ્રકારના ખચકાટ વગર મદદ પણ માંગી શકે છે. આવી વ્યક્તિની મદદ માટે રૂમમાં મનોચિકિત્સક પણ હાજર હોય છે.
સ્પેનમાં આ ક્રાઇંગ રૂમ શરૂ કરવાનું મુખ્ય કારણ આત્મહત્યા છે. અહીં વર્ષ ૨૦૧૯માં સ્પેનમાં ૩૬૭૧ લોકોએ આત્મહત્યા કરી હતી. કુદરતી કારણો બાદ આત્મહત્યાથી અહીં સૌથી વધુ લોકો મોતને ભેટે છે. સ્પેનમાં દરેક ૧૦માંથી એક ટીનએજર માનસિક સમસ્યાથી જ્યારે ૫.૮ ટકા વસતી એંગ્ઝાયટીથી પીડાઇ રહી છે.
સેન્ટ્રલ મેડ્રિડમાં એક ઇમારતમાં બનેલા આ ક્રાઇંગ રૂમમાં કોઇ પણ જઇ શકે છે. આને બનાવવાનું લક્ષ્ય લોકોને મેન્ટલ હેલ્થને લઇને જાગૃત કરવાનું છે. ક્રાઇંગ રૂમમાં ઘૂસતાની સાથે અહીં તમને ઘણી વસ્તુઓ જોવા મળશે. જેમ કે રૂમના એક ખૂણામાં લોકોના નામ લખ્યાં છે કે જેમની સાથે તમે કોઇ પણ પ્રકારના ખચકાટ વગર વાત કરી તમારી ઉદાસી દૂર કરી શકો છો. આ સિવાય અહીં મનોરોગ નિષ્ણાતોના નંબર પણ આપવામાં આવેલા છે જેથી તમે તેની સાથે વાત કરીને મેન્ટલ હેલ્થ પર સલાહ લઇ શકો. આ માટે અહીં એક અલાયદો ફોન પણ રાખવામાં આવ્યો છે. અહીં રૂમની દીવાલો પર ચોંટાડવામાં આવેલા પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, ‘મને તમારી ચિંતા છે.’ સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાન્ચેઝે મેન્ટલ હેલ્થ કેમ્પેઇનની શરૂઆત કરી હતી. તેમનું માનવું હતું કે માનસિક રોગ એક ટેબુ નહીં. પરંતુ સાર્વજનિક સમસ્યા છે.