મનદુરસ્તી માટે જરૂરી છે હૃદયની તંદુરસ્તી

Wednesday 13th December 2023 05:39 EST
 
 

શરીરને ચુસ્ત-દુરસ્ત રાખવા માટે તેને સારી રીતે કાર્યરત રાખવા માટે હૃદય અને મગજ બંનેનું તંદુરસ્ત હોવું જરૂરી છે. હૃદય જ્યારે યોગ્ય પ્રમાણમાં ઓક્સિજન અને ગ્લૂકોઝયુક્ત રક્ત મગજમાં પમ્પ કરે છે ત્યારે તેને કામ કરવા માટે ઈંધણ પ્રાપ્ત થાય છે. જો મગજ આ ઈંધણનો સંગ્રહ કરી શકતું નથી તો તેની વિપરિત અસર શરીર પર જોવા મળે છે. મતલબ કે મગજમાં લોહીને પમ્પ કરવાની પ્રક્રિયા સતત અને યોગ્ય રીતે ચાલે તો જ શરીર સારી રીતે કામ કરી શકે છે. હૃદયને તંદુરસ્ત રાખતી જીવનશૈલી વધતી ઉંમરે મગજને પણ તંદુરસ્ત રાખે છે. એવામાં વધતી ઉમરે મગજને તંદુરસ્ત અને તેજ રાખવા માટે હૃદય અને તેનું મિકેનિઝમ સારું હોવું જરૂરી છે. ફિનલેન્ડમાં કરાયેલા એક અભ્યાસમાં જોવા મળ્યું કે, પ્રૌઢાવસ્થામાં તંદુરસ્ત હૃદયવાળાને આગળ જતાં ડિમેન્શિયા થવાનું જોખમ 40 ટકા ઓછું જોવા મળ્યું. આ ઉપરાંત, ડાયાબિટીસ એક એવી બીમારી છે, જે હૃદય અને મગજ બંનેને પ્રભાવિત કરે છે. હકીકતમાં વધુ ગ્લૂકોઝ મગજના વિવિધ ભાગમાં કનેક્ટીવિટીને પ્રભાવિત કરી શકે છે. જ્યારે તે રક્તવાહિનીને પણ ડેમેજ કરે છે, જેના કારણે હાર્ટ એટેકનું જોખમ વધે છે.

હૃદય અને મગજની તંદુરસ્તી સુધારતી ત્રણ બાબત

• ડાયેટ: ભોજનમાં આખું અનાજ, નટ્સ, ફળ, શાકભાજી, દાળો, ઓમેગા-૩ ફેટી એસિડવાળા ઉત્પાદન જેમ કે અખરોટ, અળસી (ફ્લેક્સ સીડ્સ) વગેરે સામેલ કરો. તેમાં મળતા તત્વ એન્ટીઓક્સિડન્ટ વગેરે હાર્ટએટેક અને અલ્ઝાઈમર બંનેનું જોખમ ઘટાડે છે.
• વર્કઆઉટઃ કસરત મગજમાં રક્તપ્રવાહ વધારે છે, જેનાથી મગજની માંસપેશીઓ મજબૂત રહે છે. આથી રનિંગ, સાઈકલિંગ અને રમત વગેરેને જીવનશૈલીમાં જરૂર સામેલ કરો.
• રિલેક્સેશનઃ બીપી નિયંત્રિત રહેવાથી હૃદયરોગથી થતા મૃત્યુનું જોખમ ઘટે છે. ડાયાબિટીસમાં સુધારો થાય છે. ડીપ બ્રિધિંગ અથવા મેડિટેશનથી હૃદય અને મગજ બંને રિલેક્સ થાય છે.

હૃદય યોગ્ય રીતે કાર્યરત ન હોય તો મગજ પર કેવી અસર થાય?

સ્ટ્રોકનું જોખમ વધે છે
હૃદયની ધમનીઓ જ્યારે ટાઈટ થઈ જાય છે તો રક્તપ્રવાહિત કરવામાં હૃદયને વધુ તાકાત લગાવવી પડે છે. આ વધારાનું પ્રેશર જ હાઈ બીપી છે. ૨ક્ત સપ્લાય કરતી કોઈ ધમની જ્યારે સંપૂર્ણપણે ચોક થઈ જાય છે તો લોહી પસાર થઈ શક્યું નથી અને મગજની કોશિકાઓમાં ઊર્જાની ઉણપ પેદા થાય છે. બ્લડની આ ઉણપને કારણે ન્યુરોન્સ ધીમે-ધીમે નાશ પામવા લાગે છે. સ્ટ્રોકની સમસ્યા પેદા થાય છે.
માનસિક ક્ષમતા ઘટે છે
જે મિનિટે મગજમાં પુરતું લોહી પહોંચતું નથી એ જ સમયે મગજનું સંતુલન બગડી જાય છે, પરંતુ જો મહિનાઓ કે વર્ષો સુધી ઓછા પ્રમાણમાં યોગ્ય જ લોહીનો પુરવઠો મગજમાં પહોંચતો રહે છે તો તેનો કેટલોક હિસ્સો કાયમ માટે નુક્સાન પામે છે. નુકસાન પામેલા ભાગને આધારે અસર પણ અલગ-અલગ હોય છે. જેમ કે, કેલ્ક્યુલેશનની ક્ષમતા ઘટવી. કપરા સંજોગોમાં નિર્ણય ન લઈ શકવો વગેરે.
માંસપેશીનું નિયંત્રણ ઘટે
માંસપેશીઓને નિયંત્રિત ન કરવી શકવું, ધ્રુજારી, માંસપેશી કડક થવી વગેરેને પાર્કિન્સનના લક્ષણ કહેવાય છે. જેના અનેક કારણ હોઈ શકે છે, પરંતુ કેટલાક કિસ્સામાં માંસપેશીને કો-ઓર્ડિનેશનને નિયંત્રિત કરતી, પોશ્ચર કે હરવા-ફરવાની ક્ષમતાને નિયંત્રિત કરતા મગજના ભાગમાં લોહીનો પુરતો પુરવઠો ન થવાને કારણે પણ આ સમસ્યા થઈ શકે છે.

ત્રણ મુખ્ય ભાવનાત્મક પ્રતિક્રિયાની હૃદય પર અસર

• તણાવ
સતત રહેતી એંગ્ઝાયટી અને તણાવ પણ ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. તણાવ હૃદયની ધમનીઓના રક્તપ્રવાહને અવરોધી શકે છે, જેનાથી હૃદય સંબંધિત સમસ્યાઓ થાય છે. આ સિવાય તણાવથી સોજો (ટિશ્યૂમાં સોજાની સાથે દુઃખાવો) થાય છે, જેનાથી ધમનીઓ ચોક થઈ શકે છે. હૃદય સંબંધિત ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.
• ડિપ્રેશન
ડિપ્રેશનના અનેક કારણ હોઈ શકે છે, પરંતુ વિવિધ શોધ બતાવે છે કે ન્યૂરોલોજિકલ રાસાયણિક અસંતુલન અને મગજના મૂડને રેગ્યુલેટ કરવાની ક્ષમતામાં ગરબડ થવાને કારણે વ્યક્તિને ડિપ્રેશનની સમસ્યા થાય છે. ડિપ્રેશન મગજમાં લોહીના પ્રવાહને પ્રભાવિત કરે છે. સાથે જ મગજમાં સોજો વધારે છે.
• આઘાત
અનેકવાર અચાનક આવતું મોટું દુઃખ કે આઘાતથી હૃદય તુટી જાય છે. વૈજ્ઞાનિક ભાષામાં તેને ‘તાકોત્સુબો કાર્ડોમાયોપેથી’ કહે છે. શરીરમાં અચાનક વધતા નકારાત્મક હોર્મોન્સને કારણે હૃદયની માંસપેશીઓ નબળી પડે છે. હૃદયની લોહીને પમ્પ કરવાની ક્ષમતા ઘટે છે અને વ્યક્તિનો શ્વાસ ફૂલાવા લાગે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter