મનને ખુશ રાખશો તો તન પણ સ્વસ્થ રહેશે

મેડિકલ ટુરિઝમ વિશેષ

Wednesday 23rd October 2024 03:50 EDT
 
 

શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે. જો તમે માનસિક સ્વસ્થ નહીં હોવ તો તેની નકારાત્મક અસર શરીર પર પડે છે, માટે મનને ખુશ રાખી તનને સ્વસ્થ રાખો.
• સ્વને રાખો સ્વસ્થઃ તમે શારીરિક રીતે ભલે ગમેતેટલા મજબૂત હશો, પરંતુ માનસિક રીતે અસ્વસ્થ હશો તો તેની અસર ધીમે ધીમે શરીર પર પડ્યા વગર નહીં રહે. તમારું મજબૂત શરીર પણ ધીરે ધીરે નબળું પડતું જશે. આથી જ મગજને સતત એક્ટિવ રાખો અને યાદશક્તિમાં વધારો થાય તેના સતત પ્રયત્નો કરતાં રહો. તમે કોઈ એક્ટિવીટી કરતાં રહો, ઘર કામમાં કાર્યરત રહો, સોશિયલ લાઈફ સાથે સંકળાયેલા રહો અને વાચનની ટેવ પણ પાડો. તેનાથી તમારું મગજ સ્વસ્થ રહેશે અને મગજ સ્વસ્થ રહેતાં ઘણી બીમારીઓથી પણ બચી શકશો.
• નિયત સમયે મેડકલ ટેસ્ટઃ નિયત સમયે વિવિધ મેડિકલ ટેસ્ટ કરાવતાં રહો, જેથી કોઈ ગંભીર બીમારી હોય તો વહેલી તકે તેની જાણ થાય અને સમયસર તેની સારવાર કરાવી શકો. આ ઉપરાંત તમારું કોલેસ્ટ્રોલ, બ્લડપ્રેશર અને ડાયાબિટીસનું રેગ્યુલર ચેકઅપ કરાવતા રહેવાથી તેને પણ કંટ્રોલમાં રાખી શકાય છે.
• યાદશક્તિ વધારતી કસરત કરવીઃ આપણે બધા જોઇએ છીએ કે ઉંમર વધવાની સાથે વડીલો વસ્તુઓ ભૂલવા લાગે છે. આ ભૂલવાની બીમારીથી બચવા માટે તમે પઝલ્સ સોલ્વિંગ, ચેસ, તેમજ મગજ કસાય તેવી રમતો રમી શકો છો. સતત કોઈને કોઈ કાર્યમાં જોડાયેલા રહો તેનાથી તમારું મગજ પણ કાર્યરત રહેશે અને મગજ કાર્યરત રહેતા તમારી યાદશક્તિમાં પણ વધારો થશે.
• સ્ટ્રેસથી બચોઃ માનસિક તણાવ (સ્ટ્રેસ) શરીર પર માઠી અસર કરે છે. સતત તણાવમાં રહેવાથી માથામાં સતત દુખાવો રહે છે અને દુખાવો રહેતા અસ્વસ્થતા અનુભવાય છે અને કોઈ કાર્યમાં મજા આવતી નથી. આથી તમે માનસિક રીતે તો ડિસ્ટર્બ રહો જ છો પણ સાથે સાથે શરીર પર પણ તેની નેગેટિવ અસર પડે છે. આથી તણાવથી બચવું જરૂરી છે. માનસિક સ્ટ્રેસ આપતી કોઇ બાબત હોય તો પરિવાર અને મિત્રો સાથે તેને શેર કરો, જેથી તમારા મનનો ભાર હળવો થઈ જશે અને તમારી સમસ્યાનો ઉકેલ પણ મળી રહેશે.
• સકારાત્મક અભિગમ કેળવોઃ ઘડપણમાં વડીલોનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે. તેમને નાની નાની વાતોમાં પણ ગુસ્સો આવી જાય છે. આવું ના થાય તે માટે શરીરની સાથે સાથે મનને પણ સ્વસ્થ રાખવું જરૂરી છે. આ માટે રોજ વહેલી સવારે સ્વચ્છ આબોહવા અને ચોખ્ખા સ્થાન પર બેસીને મેડિટેશન કરવું. શારીરિક ક્ષમતા અનુસાર, જેટલું પણ ચાલી તેટલું અવશ્ય ચાલો. શક્ય હોય તો નજીકના ગાર્ડનમાં ચાલવા જાવ. ખુલ્લી હવા તમારું દિલ તરબતર કરી દેશે. મનમાંથી નકારાત્મક્તા દૂર થશે અને સકારાત્મકતા વધશે. જીવન પ્રત્યેનો અભિગમ બદલાશે તો તમારો આત્મવિશ્વાસ પણ વધશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter