અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીના એક સ્ટડીના ડેટા પરથી વિજ્ઞાનીઓએ તારણ કાઢ્યું છે કે જે લોકો અઠવાડિયામાં કમસે કમ અઢી કલાક એટલે કે ૧૫૦ મિનિટ કસરત કરે છે તેમનું માનસિક સ્વાસ્થ્ય સારું છે અને સ્મૃતિભ્રંશ એટલે કે ભૂલી જવાની બીમારી થતી નથી. જે લોકો કસરત કરવાના આળસુ છે એમના માટે હળવી કસરત શરીરને સ્વસ્થ રાખવાનો શ્રેષ્ઠ ઉપાય બની શકે એમ છે.
શરીર એક એવું મશીન છે જે ૨૪ કલાક કાર્યરત રહે છે. જ્યારે વ્યક્તિ ઊંઘતો હોય ત્યારે પણ એનું મગજ જાગૃત અવસ્થામાં હોય છે અને શ્વાસોશ્વાસ, રુધિરાભિસરણ અને ચયાપચયની ક્રિયા સહિતની ઘણી સિસ્ટમ કાર્યરત હોય છે. આથી શરીરને જાગૃત અવસ્થામાં કસરતની જરૂર છે કારણ કે કસરત કરવાથી માણસને ઊંઘ સારી આવે છે. સારી ઊંઘ ધરાવતા વ્યક્તિનું માનસિક સંતુલન સારું રહે છે.
કસરતથી આખા શરીરમાં નવી ઊર્જાનો સંચાર થાય છે. આ સિવાય કાર્ડિયો વેસ્ક્યુલર જેવી કસરતથી હાર્ટ મજબૂત બને છે. નિયમિત રીતે કસરત કરનારા લોકોમાં હાર્ટના રોગો થતા નથી અને પક્ષઘાતનો હુમલો આવવાનું રિસ્ક પણ ઘણું ઘટી જાય છે. આ સિવાય ડાયાબિટિસનું રિસ્ક પણ ઘટે છે. અઠવાડિયામાં ૧૫૦ મિનિટ કસરત કરવા માટે ટાઈમટેબલ બનાવવાની જરૂર છે. વીકમાં બે વાર ૨૦ મિનિટ હળવો વ્યાયમ કરવો જોઈએ. ૩૦ મિનિટ માટે કોઈ રમત રમવી જોઈએ.
કસરત કરો, ત્રણ વર્ષ વધુ જીવો
બ્રિટનમાં થયેલા એક અન્ય સ્ટડીમાં જાણવા મળ્યું છે કે રોજ માત્ર ૧૩ મિનિટ માટે કસરત કરવામાં આવે તો પણ આયુષ્યમાં ત્રણ વર્ષનો વધારો થાય છે. આ સ્ટડી માટે આશરે ૧,૪૦,૦૦૦ લોકોની રોજની કસરતના ડેટા પર રિસર્ચ થયું હતું. આમ રોજ ૧૩ મિનિટની કસરત પણ ફાયદાકારક સાબિત થાય છે. આમ થોડાક સમય માટે દોડવું કે જોગિંગ કરવાથી પણ ફાયદો થાય છે. જે લોકો રોજી ૨૫ મિનિટ માટે કસરત કરે છે એમના આયુષ્યમાં ૪ વર્ષનો વધારો થાય છે.
અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું હતું કે જે લોકો કંઈ પ્રવૃત્તિ કરતા નથી અને કસરતથી દૂર રહે છે એવા લોકો પૈકી ૭૦,૦૦૦ લોકોના દર વર્ષે મૃત્યુ થાય છે. આથી નિષ્ણાતો લોકોને સ્વસ્થ રહેવા માટે એક્ટિવ થવા જણાવે છે. ૧૯થી ૬૪ વર્ષના લોકોએ સ્વસ્થ રહેવા માટે નિયમિત કસરત કરવી જ જોઇએ.