ન્યૂ યોર્ક: બ્રેઇન ઈન્ટરફેસ ટેક્નોલોજી કંપની ન્યૂરાલિન્કના સીઈઓ એલન મસ્કે દાવો કર્યો છે કે તેમની કંપની આવતા વર્ષથી માનવજાતમાં બ્રેઇન ચિપનું પરીક્ષણ શરૂ કરશે. તાજેતરમાં યોજાયેલી વોલ સ્ટ્રીટ જર્નલની ‘સીઈઓ કાઉન્સિલ સમિટ’માં તેમણે આ જાહેરાત કરી હતી.
મસ્કે કહ્યું હતું કે, વાનરો પર ચિપનું પરીક્ષણ સફળ રહ્યું છે અને તે સંપૂર્ણ સુરક્ષિત છે. હવે માણસો પર પરીક્ષણ શરૂ કરવા અમે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની મંજૂરીની રાહ જોઇ રહ્યા છીએ. આ મંજૂરી મળતાં જ સૌથી પહેલા ટેટ્રાપ્લાઝિક ક્વાડ્રિપ્લેજિક્સ જેવા કરોડરજ્જુના હાડકામાં ગંભીર ઈજા ધરાવતા લોકોને આ ચિપ અપાશે. હકીકતમાં ન્યૂરાલિન્કે એવું ન્યૂરલ ઈમ્પ્લાન્ટ વિકસિત કર્યું છે, જે કોઈ બહારના હાર્ડવેર વિના મગજની અંદર ચાલતી ગતિવિધિને વાયરલેસથી પ્રસારિત કરી શકે છે.
મસ્કે કહ્યું છે કે, મને લાગે છે કે, અમારી પાસે એવા વ્યક્તિઓને તાકાત આપવાની તક છે, જે ચાલી નથી શકતા કે પછી પોતાના હાથથી કામ કરી શકતા નથી. ગયા એપ્રિલમાં ન્યૂરાલિન્કે એક વાનરમાં પોતાની બ્રેઈન ચિપ લગાવી હતી. તેના આધારે વાનર પોતાના મગજનો ઉપયોગ કરીને આરામથી પોંગ નામની એક વીડિયો ગેમ રમી શક્યો હતો. તેના મગજમાં લાગેલા આ ડિવાઈસે રમતી વખતે ન્યૂરોન્સ ફાયરિંગની માહિતી આપી, જેનાથી તે શીખી શક્યો કે રમતમાં કેવી રીતે ચાલ ચાલવાની છે. મસ્કે કહ્યું કે, ચિપ લગાવ્યા છતાં વાનર સામાન્ય જણાતો હતો અને ટેલિપથિક રીતે એક વીડિયો ગેમ રમતો હતો.