લંડનઃ યુકેમાં હતાશાવિરોધી કે એન્ટિ-એંગ્ઝાઈટી ડ્રગ્સના ઉપયોગમાં ભારે ઉછાળો આવ્યો છે જેમાં, મહિલાઓ અને યુવા વયસ્કો દ્વારા તેનો વધુ ઉપયોગ કરાય છે. યુકેમાં 2003થી 2018ના ગાળામાં સારસંભાળ હેઠળના આશરે 2.6 મિલિયન પુખ્ત લોકોના વિશ્લેષણના આધારે આ તારણો કાઢવામાં આવ્યા છે. સંશોધન જણાવે છે કે એંગ્ઝાઈટીનું નિદાન તેમજ તેના લક્ષણોના નિવારણ તરીકે એન્ટિડિપ્રેશન્ટ્સ સહિત મેડિકેશન પ્રીસ્ક્રાઈબ કરાયેલા પુખ્ત લોકોમાં પુરુષોની સરખામણીએ સ્ત્રીઓની સંખ્યા બમણી હોવાની શક્યતા છે.
NHSના ભંડોળ થકી અભ્યાસના તારણો બ્રિટિશ જર્નલ ઓફ જનરલ પ્રેક્ટિસમાં પ્રકાશિત કરાયા છે. અભ્યાસના આલેખક અને યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટલની મેડિકલ સ્કૂલના એકેડેમિક ડો. શાર્લોટ આર્ચરના જણાવ્યા મુજબ યુકેમાં 2003થી 2018ના ગાળામાં 176 જીપી પ્રેક્ટિસીસમાં રજિસ્ટર્ડ આશરે 2.6 મિલિયન પુખ્ત લોકોને અપાયેલી સારસંભાળ અને એન્ઝિયોલાયટિક્સ (એન્ટિ-એંગ્ઝાઈટી ઔષધો)ના 546,154 પ્રીસ્ક્રિપ્શન્સના ડેટાનું વિશ્લેષણ કરાયું હતું. 2003થી 2008ના ગાળામાં એન્ટિ-એંગ્ઝાઈટી ડ્રગ્સના ઉપયોગ સ્થિર હતો પરંતુ, 2008ની નાણાકીય કટોકટી પછી મુશ્કેલીઓ વધવા સાથે તેનો ઉપયોગ પણ વધ્યો હતો.
એન્ટિડિપ્રેશન્ટ્સનો ઉપયોગ કરતા દર એક પુરુષની સરખામણીએ 2.26 સ્ત્રીઓ એન્ટિડિપ્રેશન્ટ્સ, બેન્ઝોડીઆઝેપાઈન્સ તરીકે ઓળખાતી વેલિયમ જેવી દવાઓ માટે 2.22 સ્ત્રીઓ, બીટા બ્લોકર્સ માટે 2.33 સ્ત્રીઓ અને એન્ટિકન્વલ્ન્ઝન્ટ્સ માટે 2.19 સ્ત્રીઓ દ્વારા ઉપયોગ કરાતો હતો.