કાયમ એવું કહેવાય છે કે, મહિલાઓને રસ્તા યાદ રહેતા નથી કે નકશો અપાય તો પણ તે સમજી શકતી નથી. હવે રિસર્ચ આ વાતને ખોટી સાબિત કરી રહી છે. પ્રતિષ્ઠિત સાયન્સ જર્નલ ‘મેમરી એન્ડ કોગ્નિશન’ના રિસર્ચ અનુસાર યાદશક્તિ બાબતે મહિલાઓ પુરુષો કરતાં અનેકગણી આગળ છે. તે ચહેરાઓ યાદ રાખે છે. કામ યાદ રાખે છે. અને રસ્તાઓ પણ ઝડપથી યાદ કરી લે છે. આ બાબત ચકાસવા તેમણે સ્ટડીને અનેક ભાગમાં વહેંચ્યો હતો. આ દરમિયાન મહિલાઓ અને પુરુષોને બે સમૂહમાં મશરૂમ એકઠા કરવા માટે મેક્સિકોના એક ગામમાં મોકલાયા હતા. જંગલોમાં ઘેરાયેલા એ વિસ્તારને સેટેલાઇટ પોઝિશન આપી દેવાઇ. જેથી દરેકની એક્ટિવિટી જોઇ શકાય. આ ઉપરાંત ભાગ લેનાર દરેક વ્યક્તિના ધબકારા પણ મોનિટર કરાયા. જેમાં જોવા મળ્યું કે, મહિલાઓ વધુ મશરૂમ એકઠા કરીને સમયથી પહેલા પાછી ફરી, જ્યારે પુરુષોની ૭૦ ટકા એનર્જી વપરાઇ અને તેઓ રસ્તા પણ ભૂલી ગયા. દિશા પૂછવામાં આવે તો મહિલા અને પુરુષો બંને અલગ-અલગ રીતે રસ્તો બતાવે છે.
મહિલાઓ સામાન્ય રીતે કુદરતી વસ્તુઓને લેન્ડમાર્ક તરીકે જુએ છે. જેમ કે પર્વત, નદી-નાળા, પુરુષો દુકાનો, બેન્ક કે પોલીસ સ્ટેશન જેવા સ્થળોને જોડતા રસ્તા યાદ રાખે છે. જો રસ્તામાં કોઇ કુદરતી દ્દશ્ય ન હોય તો મહિલાઓ લેન્ડમાર્કેને બદલે અનુમાન પર વિશ્વાસ મુકે છે.