મહિલાઓની સરેરાશ વય પુરુષોથી વધુ હોય છે જે વાત તો સાબિત થઇ ચૂકી છે, પરંતુ હવે તે સારું આરોગ્ય પ્રાપ્ત કરવા પણ પ્રયત્નશીલ છે. પરિવારજનોની ફિટનેસની સાથે તે પોતાની ફિઝિકલ હેલ્થ પર પણ ધ્યાન આપી રહી છે. આ કામમાં યોગ તેમની મદદ કરી રહ્યું છે. ભારતમાં યોગ કરતી મહિલાઓની સંખ્યા પુરુષોની તુલનામાં વધુ જોવા મળી રહી છે. એસોચેમના સર્વેમાં આ જાણવા મળ્યું છે. દેશમાં મોટાભાગના શહેરી વિસ્તારોમાં યોગ કરતા પુરુષોની તુલાનામાં મહિલાઓની સંખ્યા ૨૦ ટકા વધારે છે.
એસોચેમના સર્વેનો નિષ્કર્ષ જણાવે છે, દેશમાં યોગની લોકપ્રિયતા વધી રહી છે. ખાસ કરીને કોવિડ પછી યોગ કરનાર લોકોની સંખ્યામાં મોટો વધારો થયો છે. આ સર્વે દેશના ૧૦ શહેર - અમદાવાદ, બેંગલૂરુ, ચેન્નઇ, દિલ્હી-એનસીઆર, હૈદરાબાદ, ઇન્દોર, જયપુર, કોલકાતા, લખનઉ, અને મુંબઇમાં કરાયો હતો. તેમાં એ નિષ્કર્ષ નીકળ્યો કે, મહિલાઓ જિમને બદલે યોગ કરવાને પ્રાથમિક આપી રહી છે અને શીખી લીધા પછી યોગને રોજિંદા કાર્યોમાં સામેલ કરી રહી છે.
મુરાદાબાદમાં નમસ્તે યોગા સ્ટુડિયોના યોગાચાર્ય મહેન્દ્ર ચૌહાણે જણાવ્યુ કે, અમારે ત્યાં મહિલા અને પુરુષ બંને આવે છે, પરંતુ મહિલાઓની સંખ્યા વધુ છે. સવારે મોટા ભાગની નોકરિયાત મહિલાઓ ફિટનેસ માટે યોગ કરવા દરરોજ સમયસર આવી જાય છે. રજા પાડતી નથી. જ્યારે મોટા ભાગના પુરુષો સપ્તાહમાં બે દિવસ ગુલ્લી મારી જ દે છે.