લંડનઃ વિશ્વભરમાં માંસાહારનું પ્રમાણ ઘટી રહ્યું છે. યુકેમાં પણ લોકો માંસાહારને ત્યાગી શાકાહારી કે વેગન બનવા તરફ વળી રહ્યાં છે. ત્રીજા ભાગના બ્રિટિશરોએ માંસ ખાવાનું છોડી દીધું છે અથવા ખોરાકમાં માંસનો ઉપયોગ ઘટાડી દીધો હોવાનું વેઈટરોસના સર્વેમાં જાણવા મળ્યું છે. આઠમાંથી એક બ્રિટિશર હવે શાકાહારી અથવા વેગન બન્યા છે. પ્રાણીઓના કલ્યાણ, પર્યાવરણ અને આરોગ્યની ચિંતાએ બ્રિટિશરોની ખાવાની આદતોમાં ધરમૂળથી પરિવર્તન આવ્યું છે. પીણાંની બાબતમાં પણ ઓર્ગેનિક વાઈનની લોકપ્રિયતા વધી રહી છે, જેનું વેચાણ ગત વર્ષની સરખામણીએ ૫૩ ટકા વધ્યું હતું.
સુપરમાર્કેટ ચેઈન વેઈટરોસના વાર્ષિક ફૂડ અને ડ્રિન્ક રિપોર્ટમાં જણાવાયું છે કે ૨૧ ટકા લોકો ફ્લેક્સિટેરિયન હોવાનો દાવો કરે છે. તેમના ભોજનમાં મુખ્યત્વે શાકાહાર જ રહે છે અને કદી કદી પૂરક આહાર તરીકે માંસનો ઉપયોગ કરે છે. માંસ અને ડેરીપેદાશોનો ઉપયોગ ટાળવામાં આવે છે કારણકે પશુઓનું ફાર્મિંગ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધારતી પ્રક્રિયા છે. વેઈટરોસ રિપોર્ટ તમામ બ્રિટિશ સુપરમાર્કેટ ચેઈન્સમાં તેમજ ઓનલાઈન ખરીદારો તેમજ રીટેઈલ દુકાનોમાં ખરીદ કરતા ૨૦૦૦ લોકો પર સંશોધનોનાં આધારે તૈયાર કરાયો છે.
વેગન સોસાયટીના દાવા મુજબ આહારમાં ડેરીપેદાશો અને ઈંડા સહિત તમામ પ્રાણીજ પદાર્થોનો ઉપયોગ છોડનારા બ્રિટિશરોની સંખ્યા ચાર વર્ષમાં ચાર ગણી વધી છે એટલે કે ૧૫૦,૦૦૦થી વધી ૬૦૦,૦૦૦ સુધી પહોંચી છે. સર્વે હેઠળના ૬૦ ટકા વેગન અને ૪૦ ટકા શાકાહારીઓએ ગત પાંચ વર્ષમાં જ આહારશેલી બદલી હતી. ૧૮-૩૪ વયજૂથના લોકો વેગનિઝમ તરફ વળવાની શક્યતા વધુ દેખાઈ હતી. (૨૨૧)