બેઇજિંગઃ મહિલાઓમાં થતાં યુરિનરી ઇન્ફેક્શન અંગે તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે માંસાહાર કરતી મહિલાઓની સરખામણીએ શાકાહારી મહિલાઓને યુરિનરી ઇન્ફેક્શનનું જોખમ ઓછું રહે છે. સંશોધકો દ્વારા નવ હજારથી વધુ મહિલાઓના મેડિકલ રિપોર્ટનો અભ્યાસ કરાયો હતો, જેના આધારે આ તારણ રજૂ થયું છે. એક દાયકા સુધી ચાલેલા અભ્યાસમાં જાણવામાં મળ્યું છે કે, જે મહિલાઓ શાકાહારી હતી તેમને યુરિનરી ઇન્ફકેશન થવાની શક્યતાઓ ઓછી જણાઇ હતી. તેમને કિડનીમાં પણ ઓછું ઇન્ફેકશન થતું હતું. સંશોધકોએ જણાવ્યું હતું કે, તેમની ઉંમર, જાતિ, સ્મોકિંગની આદત અને શાકાહારી ભોજનને ધ્યાનમાં રાખીને અભ્યાસ કરાયો હતો. તેમાં જણાયું હતું કે માંસાહાર કરતાં શાકાહારને પ્રાધાન્ય આપનાર મહિલાઓને યુરિનરી ઈન્ફેકશનનું જોખમ 16 ટકા ઘટી ગયું હતું. પુરુષોમાં પણ આ તફાવત જોવા મળ્યો હતો. જોકે તેમની સરખામણીએ મહિલાઓમાં તેનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું. માંસ અને તેમાં પણ ખાસ કરીને ચિકન અને પોર્કમાં ઇ કોલાઇ બેક્ટેરિયા વધારે હોવાનું માનવામાં આવે છે અને તેના કારણે બ્લેડર ઇન્ફેકશનની શક્યતાઓ પણ ત્રણ ગણી વધી જતી હોય છે.
ઝુ ચી યુનિવર્સિટી ઓફ તાઈવાનના મુખ્ય સંશોધકો ડો. ચીન લોન લિને જણાવ્યું કે, જે મહિલાઓને વારંવાર યુરિનરી ઇન્ફેકશન થતું હોય તેમણે શાકાહાર અપનાવવા અંગે વિચારવું જોઈએ. વિશ્વમાં 50 ટકા મહિલાઓને અને દર દસમાંથી આઠ પુરુષોને યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન થતું હોય છે. આ ખૂબ જ સામાન્ય બાબત છે. માત્ર અમેરિકામાં જ દર વર્ષે 8.1 મિલિયન લોકો આ ઇન્ફેક્શન માટે ડોક્ટર પાસે જાય છે. બ્રિટનમાં દર વર્ષે 1.6 મિલિયન કેસ આ રોગના નોંધાય છે.