દુનિયામાં આશરે 100 કરોડથી વધુ લોકો એટલે કે વિશ્વની કુલ વસ્તીના દર 7માંથી એક વ્યક્તિ માઈગ્રેનથી પીડિત છે. મહિલાઓને પુરુષોની તુલનામાં માઈગ્રેનની સમસ્યા ત્રણ ગણી વધુ થાય છે. માઈગ્રેનથી પીડિત 10 વ્યક્તિમાંથી 8 મહિલાઓ છે. મહિલાઓમાં એસ્ટ્રોજન હોર્મોનમાં થતા પરિવર્તનને કારણે તેમને માઈગ્રેનનો દુ:ખાવો વધુ થાય છે. ચિંતાની વાત એ છે કે, આ બીમારીનો ભોગ બનનારા 10માંથી 9 વ્યક્તિની દિનચર્યા ખરાબ રીતે પ્રભાવિત થાય છે. તેઓ બિલકુલ કામ કરી શકતા નથી. અનેક લોકોમાં માઈગ્રેનનો દુ:ખાવો શરૂ થવાના એકથી બે દિવસ પહેલા કબજિયાત, ડોકમાં દુ:ખાવો, મૂડમાં વારંવાર પરિવર્તન, વારંવાર યુરીન, બગાસા આવવા ઉપરાંત આંખ સામે અંધારા છવાઈ જવા, બોલવામાં સમસ્યા અને હાથ-પગમાં સોય ખૂંચતી હોય તેવા લક્ષણો જોવા મળે છે. આ લક્ષણોને ઓળખીને દુ:ખાવામાંથી બચવાના ઉપાય કરી શકાય છે.
માઈગ્રેન શું છે?
માઇગ્રેશન ન્યૂરોલોજિકલ સમસ્યા છે. આ એવી બીમારી છે જે મગજ અથવા નર્વને પ્રભાવિત કરે છે. માથામાં અનેક પ્રકારના દુ:ખાવા ઉપરાંત ઉલટી, નાકમાંથી પાણી વહેવું, પ્રકાશ કે અવાજથી મુશ્કેલી થવા લાગે છે. માઈગ્રેનની અસર ક્રોનિક હોય છે એટલે કે એક વખત પીડિત થયા બાદ આ સમસ્યા વર્ષો સુધી રહે છે.
શું કારણ છે?
ખરાબ રૂટીન અને ઓછી ઊંઘ સમસ્યા મુખ્ય કારણ ગણાય છે, પણ જુદી-જુદી વ્યક્તિઓ માટે માઈગ્રેનના કારણ અલગ અલગ હોઈ શકે છે. જોકે અનેક સામાન્ય કારણો પણ માઇગ્રેન માટે જવાબદાર હોય છે, જેને ટ્રિગર કહે છે. ચમકદાર પ્રકાશ, હવામાનમાં ફેરફાર, નિત્યક્રમમાં પરિવર્તન, ભોજનના સમયમાં ફેરફાર, ડિહાઈડ્રેશન, તીવ્ર ગંધ અને હોર્મોનલ પરિવર્તનથી પણ માઈગ્રેન થાય છે.
તેના કેટલા પ્રકાર છે?
માઇગ્રેન બે પ્રકારના હોય છે. પહેલો પ્રકાર છે ઓરાની સાથે માઈગ્રેન. જેમાં ચહેરા પર સ્પોટ કે ધ્રુજારી થાય છે. આ દુ:ખાવો 20 મિનિટથી 1 કલાક સુધી રહે છે. જ્યારે બીજો પ્રકાર છે ઓરા વગરનો માઈગ્રેન. તેના ચાર તબક્કા હોય છે. જેમાં માથાના એક ભાગમાં તીવ્ર દુ:ખાવો. નાકમાંથી પાણી વહેવું, ઉલટી અને ડોક અકડાઈ જવા જેવી સમસ્યા થતી હોય છે. આ દુ:ખાવો અનેક દિવસો સુધી રહે છે.
દુ:ખાવામાં આ ઉપાય અસરકારક
લાઈફસ્ટાઈલમાં પરિવર્તન ઉપરાંત કેટલાક હાથવગા ઉપાયો અજમાવીને તમે ઈગ્રેનના દુ:ખાવામાં ઝડપથી રાહત મેળવી શકો છો. જેમ કે,
તાત્કાલિક રાહત માટે...
• આંખો બંધ કરીને ઠંડા પાણીથી શાવર લો.
• 10 મિનિટ સુધી ઠંડા પાણીથી સ્પન્જિંગ કરો. દર 30 મિનિટે રીપિટ કરો.
• વાતો કરો, દબાયેલી લાગણીઓને બહાર કાઢો.
• માઈગ્રેનને ટ્રિગર કરતી વસ્તુઓ જેમ કે તીવ્ર પ્રકાશ, અવાજ વગેરેથી પોતાની જાતને દૂર રાખો.
લાંબા સમય સુધી રાહત માટે...
• રિધમિક બ્રિધિંગ: એકથી પાંચ સુધી ગણતાં ગણતાં શ્વાસ લો. આ પછી એકથી 5 સુધી ગણતાં ગણતાં શ્વાસ છોડો. શ્વાસ છોડતા સમયે શરીરને અનુભવાતા આરામ પર ધ્યાન આપો. દુ:ખાવો ઝડપથી ઘટશે.
• વિઝ્યુલાઈઝ બ્રિધિંગ: કોઈ શાંત જગ્યાએ પર આંખો બંધ ખરીને બેસી જાઓ. હવે શ્વાસ લેતાં રહીને કલ્પના કરો કે તમારું શરીર રિલેક્સ થઈ રહ્યું છે અને તણાવ દૂર થઈ રહ્યો છે. ઊંડો શ્વાસ લો, પરંતુ વધુ ભાર ન લગાવો. શ્વાસ લેતા સમયે તેને નાકમાં થઈને ફેફસાં અને પછી છાતી અને પેટ સુધી જતા અનુભવો. હવે આ જ રીતે શ્વાસને બહાર કાઢતા અનુભવ કરો.