માઇગ્રેન એક ન્યુરોલોજિકલ સમસ્યા છે. માઇગ્રેન થવા પર માથાના એક ભાગમાં ખૂબ વધારે દુખાવો રહે છે. માઇગ્રેનનો દુખાવો દવા ખાવાથી નથી મટી શકતો, અને આ દુખાવો 5-6 કલાક સુધી રહે છે. વધારે ભીડવાળી જગ્યા પર રહેતા હો તો માઇગ્રેનનો દુખાવો વધી શકે છે. આંખો સામે કાળા ધબ્બા દેખાવા, સ્કિનમાં કંઈક વાગતું હોય તેવો અનુભવ, હાથ-પગમાં ઝણઝણાટી, ચીડિયાપણું, આંખો નીચે ડાર્ક સર્કલ, શરીરમાં નબળાઈ વગેરે તેના લક્ષણો છે.
જો તમને માઇગ્રેન હોય તો ચીઝ, મોઝેરેલા વગેરેના સેવનથી બચો. એક રિસર્ચનું તારણ છે કે ડાયેટ કોક અને અન્ય કેલેરી-ફ્રી ડ્રિંક્સમાં મળતા એસ્પાર્ટેમ જેવા આર્ટિફિશિયલ સ્વીટનર્સ માઇગ્રેનનું જોખમ વધારે છે. ચોકલેટ પણ માઇગ્રેન વધારતી હોવાથી તેનું સેવન ઓછું કરવું જરૂરી છે. વધારે પડતું કોફીનું સેવન પણ માઇગ્રેન વધારે છે. આથી માઇગ્રેન હોય તો દિવસમાં બેથી વધારે વખત કોફી ન પીવી જોઇએ. ચિકન, ડેરી પ્રોડક્ટ, ડ્રાયફ્રૂટ્સ, ડુંગળી-લસણ, પોટેટો ચિપ્સથી માઇગ્રેન વધી શકે છે.
માઇગ્રેનની તકલીફ હળવી કરવા મેડિટેશન સારો ઉપાય છે. માઇગ્રેનની સમસ્યાથી બચવા માટે હેલ્ધી ડાયેટ લો અને લાંબો સમય ભૂખ્યા ન રહો કારણ કે ભૂખ્યા રહેવાથી સમસ્યા વધી જાય છે. કેફીનનું વધારે સેવન પણ માઇગ્રેનનું જોખમ વધારે છે. તેથી ચા, કોફી અને કેફીનયુક્ત વસ્તુનું સેવન ઓછું કરો.