તાજેતરમાં અમેરિકાના રિસર્ચરોએ નોંધ્યું છે કે આલ્કોહોલને કારણે મોંમાં ડ્રાયનેસ આવી જાય છે. આ સમસ્યા માત્ર દારૂ પીવાથી જ થાય છે એવું નથી, પરંતુ મોં સાફ કરવા માટે વપરાતા માઉથવોશને વધુ લાગુ પડે છે. મોટા ભાગની બ્રાન્ડ્સનાં માઉથવોશમાં આલ્કોહોલ હોય છે ને સાથે વાઇટનિંગ એજન્ટ તરીકે પેરોકસાઇડ પણ ઉમેરવામાં આવે છે. આ ચીજોના વારંવારનાં ઉપયોગને કારણે મોંમાં આવેલી લાળગ્રંથીઓ સુકાઈ જાય છે અને લાળ બનવાનું ઘટી જાય છે.
આપણા દાંત અને જીભ સ્વચ્છ રહે તથા પાચનક્રિયા સારી રીતે ચાલતા રહે એ માટે મોંમાં પૂરતી લાળ બનતી રહે એ ખૂબ જરૂરી છે. સતત નવી લાળ ઝરતી રહેવાને કારણે મોંમા બેકટેરિયા અને ફંગસ વધતાં અટકે છે. જ્યારે પૂરતી લાળ ન બને ત્યારે મોં સૂકવા લાગે છે. મોટા ભાગે વૃદ્ધોને આ તકલીફ થાય છે અને આપણને લાગે છે એના કરતાં અનેકગણી અનકમ્ફર્ટેબલ હોય છે. મેડિકલ ભાષામાં એને કેસેરોસ્ટોમિયા કહે છે.
સાઇડ-ઇફેક્ટ્સની અસર
પેઇનકિલર્સ, એલર્જી, શરદી-કફ, ખીલ, બીપી, ડાયેરિયા, સાઇટોટિક ડિસઓર્ડર્સ, યુરિનરી ઇન્કોન્ટિનન્સ, અસ્થમા, પાર્કિન્સન્સ, ડ્રિપેશન, એન્ગ્ઝાયટી તેમજ મસલ્સને રિલેક્સ કરતી દવાઓની આડઅસરરૂપે મોં સુકાય છે અને લાળ બનવાનું પ્રમાણ કામચલાઉ ધોરણે ઘટી જઈ શકે છે.
આ ઉપરાંત એચઆઇવી, ડાયાબિટીસ, એનીમિયા, સિસ્ટીક ફાઇબ્રોસિસ, રૂમેટોઇડ આર્થ્રાઇટિસ, સ્ટ્રોક, હાઈ બ્લડપ્રેશર અને ગાલપચોળિયાં જેવા રોગોમાં પણ મોં સુકાવું એક લક્ષણ હોય છે. નાક કે માથા પર રેડિયેશન
થેરપી લીધી હોય કે કેન્સર માટે કેમોથેરપી લેવામાં આવે એનાથી પણ ડાયરેક્ટ લાળગ્રંથિઓને નુકસાન થાય છે.
ડ્રાય માઉથના લક્ષણો શું?
ગળું સુકાયા કરે. વારંવાર તરસ લાગે. મોંમાં સૂકું-સૂકું લાગે, ગલોફાં, જીભ અને પેઢાંમાં બળતરા લાગે. મોંની અંદરની ત્વચા અને જીભ લાલ, પાતળી અને સૂકી થઈ જાય. પૂરતા મોઇસ્ચરના અભાવ જીભને ફેરવવામાં તકલીફ પડે. બોલવામાં સ્પષ્ટ ઉચ્ચારણ ન આવે. મોંમાં સ્વાદ ન અનુભવાય. ખોરાક ચાવવા અને ગળવામાં છોલાય. નાક અને ગળું પણ સૂકું હોવાથી બળે અને છોલાય.
પરિણામ શું આવે?
બેક્ટેરિયાનો ગ્રોથ વધવા લાગે એટલે મોંમાંથી વાસ આવે. એને કારણે પેઢાના રોગો, અવાળું ફુલવું, દાંતમાં સડો, પાયોરિયા જેવાં ઇન્ફેકશનો સહેલાઈથી થઈ જાય.
ટ્રીટમેન્ટના વિકલ્પ
સૌથી પહેલાં તો કોઈ રોગ માટે દવા ચાલુ હોય તો ડોક્ટરને કન્સલ્ટ કરો અન જો શક્ય હોય તો દવામાં ચેન્જ કરાવી શકો છો.
જો કોઈ રોગ કે ટ્રીટમેન્ટની આડઅસરને કારણે ડ્રાયનેસ આવી હોય તો મોંમા શુગર-ફ્રી ગમ રાખવી. એનાથી લાળગ્રંથીઓ ઉત્તેજીત થાય છે અને બેકટેરિયા નીકળી જાય છે. એક ચ્યુઇંગમ એક-દોઢ કલાકથી વધુ ન ચગળવી.
મોંમાં મોઇસ્ચરાઇઝર વધારે એવા માઉથવોશ કે સોલ્યુશનથી મોં સાફ કરવાનું રાખવું. અંદર ગલોફા પર લગાવવાની જેલથી પણ લાફ વધુ છૂટે છે અને ડ્રાયનેસ ઘટે છે.
ડોક્ટરે પ્રિસ્કાઇબ કરેલું ઓરલ ડ્રગ્સ લેવાથી પણ ફાયદો થાય છે. કોઈ જ ઉકેલ ન મળતો હોય અને ડ્રાયનેસ તેમ જ બળતરાનો કારણે ખૂબ જ પીડા થતી હોય એવા સંજોગોમાં ઇન્ટ્રા ઓરલ ઇલેક્ટ્રિકલ સ્ટિમ્યુલેશન આપવામાં આવે છે.