નવી દિલ્હીઃ વિશ્વમાં પહેલી વખત જીન એડિટિંગવાળા કોઈ સૂવરની કિડનીનું માનવીમાં સૌપ્રથમ વખત પ્રત્યારોપણ કરાયું છે. અમેરિકાની મેસેચ્યુસેટ્સ હોસ્પિટલના ડોક્ટરોએ આ સિદ્ધિ મેળવી છે. ગત 16 તારીખે બોસ્ટન શહેરમાં ડોક્ટરોએ 62 વર્ષના રિચાર્ડ સ્લાયમેન નામની વ્યક્તિમાં સૂવરની કિડનીનું સફળ પ્રત્યારોપણ કર્યું. આ તબીબી સિદ્ધિથી કિડનીના દર્દીઓ માટે આશાનું કિરણ દેખાયું છે. આજના વિશ્વમાં લોકોની કિડની ઝડપથી ખરાબ થઈ રહી છે અને કિડની મેચિંગ વગર ટ્રાન્સપ્લાન્ટ શક્ય નથી. આ સંજોગોમાં પ્રયોગશાળામાં જીન થેરપીની મદદથી બનાવાયેલા સૂવરની કિડનીનું માનવીમાં પ્રત્યારોપણ સફળ રહ્યું તો તે મોટો ચમત્કાર નીવડશે. માત્ર અમેરિકામાં જ એક લાખ લોકો કિડની પ્રત્યારોપણ માટે લાઇન લગાવીને ઉભેલા છે. તેમના માટે આ સમાચાર એક ચમત્કાર જેવા છે.
રિચાર્ડ સ્લાયમેન લાંબા સમયથી ડાયાબિટીસથી પીડાતા હોવા ઉપરાંત અન્ય શારીરિક સમસ્યાઓના કારણે તેમની કિડની ખરાબ થઈ ગઈ હતી. લગભગ સાત વર્ષ સુધી ડાયાલિસિસ પર રહ્યા પછી 2018માં તેમને એક વ્યક્તિની કિડનીનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું. જોકે પાંચ વર્ષ પછી આ કિડની પણ ફેઇલ થઇ ગઇ હતી.
રિચાર્ડને સૂવરની જે કિડનીનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે તેને મેસેચ્યુસેટ્સના ઇજેનેસિસ ઓફ કેબ્રિજ સેન્ટરમાં વિકસાવવામાં આવી છે. ડોક્ટરોએ તેમાંથી સૂવરના તે જનીનને કાઢી નાખ્યો હતો જેનાથી માનવશરીરને નુકસાન જઈ શકે છે. તેના લીધે કિડનીની ક્ષમતામાં વધારો થયો. ઇજેનેસિસ કંપનીએ સૂવરના તે વાઇરસને પણ ડિએક્ટિવેટ કરી નાખ્યો હતો જે વ્યક્તિને ઇન્ફેકશન કરી શકતો હતો. આ પ્રકારના જિનેટિક એન્જિનિયરિંગ પછી કિડનીમાં સૂવરની લાક્ષણિકતા અત્યંત ઓછી છે. આ પહેલા જિનેટિકલી વિકસાવાયેલી કિડનીનું વાંદરામાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું, અને વાંદરો તેની સાથે 176 દિવસ જીવ્યો હતો. બીજા કેસમાં વાંદરો બે વર્ષ જીવ્યો હતો. આ સંજોગોમાં આ પ્રત્યારોપણને કિડનીના દર્દીઓ માટે વરદાનરૂપ માનવામાં આવે છે. આ પ્રયોગ સફળ રહેશે તો કિડની પ્રત્યારોપણના દર્દીઓ માટે ડાયાલિસિસમુક્ત જીવનની નવી જ સંભાવનાના દ્વારા ખૂલશે.