છેલ્લા એક દાયકામાં બાળકોમાં અસ્થમાના કેસમાં વધારો થયો છે. ભારતમાં હાલમાં લગભગ 4 ટકા બાળકો અસ્થમાથી પીડિત છે. અસ્થમા એક પ્રકારની એલર્જી છે. આ એલર્જી પરાગ, ધૂળ, પ્રાણીઓની બારિક રુંવાટી, ગંધ, ધુમાડો, ખાદ્ય પદાર્થો વગેરેને કારણે થઈ શકે છે. આ એલર્જીને લીધે શ્વાસનળી સાંકડી થઈ જાય છે, જેના કારણે છાતી જકડાવાની અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ થાય છે. આ સમસ્યાના દર્દીને રાત્રે અથવા સવારે વધુ ખાંસી આવે છે.
દુનિયાભરમાં બાળકોમાં અસ્થમાના કેસો વધી રહ્યા છે તેના મુખ્ય પરિબળોમાં માતા-પિતાની સ્મોકિંગની કુટેવ, ફાસ્ટ ફૂડનું વધતું ચલણ અને બહારનું ખાવાનું છે. આનુવંશિક કારણો જોઇએ તો, દાદા-દાદી અથવા માતા-પિતાને અસ્થમા હોય તો પણ બાળકોમાં આ બીમારીની શક્યતા રહે છે. બાળકોના કિસ્સામાં સૌથી ચિંતાજનક બાબત એ છે કે, 80 ટકા કેસ શરૂઆતમાં પકડાતા નથી, જે પરિસ્થિતિને વધુ ગંભીર બનાવે છે.
બાળકોમાં અસ્થમાના કેસ કેમ વધી રહ્યા છે?
તેમનામાં હેલ્ધી બેક્ટેરિયાનું સંતુલન બગડી રહ્યું છે. હકીકતમાં, છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન બાળકોના આંતરડામાં જોવા મળતા સ્વસ્થ બેક્ટેરિયાનું સંતુલન બગડ્યું છે. આનું મોટું કારણ ખોરાક છે. પ્લાસ્ટિકની બોટલો અને ચિપ્સ, કોલ્ડ ડ્રિંક્સ, કૂકીઝ અને ફાસ્ટ ફૂડ જેવા કન્ટેનરમાં પેક કરાયેલ ખોરાક બાળકોના શરીરમાં માઇક્રો પ્લાસ્ટિક દાખલ કરે છે, જે તંદુરસ્ત બેક્ટેરિયાને નબળા પાડે છે. આ સિવાય ઘરની અંદરનું પ્રદૂષણ પણ એક મોટું કારણ છે. ઘરોમાં પૂરતા પ્રમાણમાં પ્રકાશ અને હવાનો અભાવ પણ પ્રદૂષણનું મોટું છે. ભારે રંગ, કાર્પેટ અને કોટનના પડદા ઘરમાં ધૂળના કણોને વધારે છે, જે બાળકોમાં એલર્જી અને પછી અસ્થમાનું કારણ બને છે.
સામાન્ય રીતે કઈ ઉંમરે થાય છે?
3-6 વર્ષની ઉંમરે લક્ષણ જોવા મળે છે. અસ્થમા સામાન્ય રીતે બાળપણમાં થાય છે. જે બાળકોમાં એલર્જીની સંભાવના હોય છે તેમનામાં ક્રમિક ધોરણે એલર્જીના લક્ષણો વિકસે છે. જેને ‘એલર્જી માર્ચ’ કહે છે. ખોરાકની એલર્જી સામાન્ય રીતે પ્રથમ દેખાય છે. ઉદાહરણ તરીકે, દૂધ પીવાથી બાળકમાં પેટમાં દુખાવો અથવા ખરજવું થઈ શકે છે. આવું બે વર્ષની ઉમર સુધી થાય છે. ત્યાર બાદ વહેતું અથવા બંધ નાક અને વધુ પડતી છીંક આવવા જેવા લક્ષણો દેખાય છે. આ બધું 3થી 6 વર્ષની ઉમરે થાય છે. લગભગ તે જ સમયે અથવા થોડા સમય પછી, અસ્થમાની સમસ્યા દેખાય છે.
માતા-પિતાની ટેવોની પણ અસર થાય છે?
ચોક્કસ... સ્મોકિંગ, ખરાબ ખાણીપીણી જોખમ વધારે છે. ગર્ભાવસ્થા દરમિયાન ફાસ્ટ ફૂડ ખાતી માતાઓના બાળકોને અસ્થમાનું જોખમ વધારે હોય છે. ગર્ભાવસ્થા દરમિયાન મહિલા દ્વારા ધૂમ્રપાન કરવાથી પણ બાળકમાં અસ્થમાનું જોખમ વધે છે. જો તમે લગ્ન પહેલા ધૂમ્રપાન કરતા હોવ તો પણ તમારા ભાવિ બાળકમાં અસ્થમા સહિત અનેક રોગોનું જોખમ વધી જાય છે. સંશોધન દર્શાવે છે કે, તે બાળકને નુકસાન પહોંચાડી શકે છે. આ જ રીતે જો પિતાને ધુમ્રપાનની આદત હોય તો તે પણ બાળક માટે જોખમી છે. પિતાની આ કુટેવથી બાળકોને અસ્થમા થવાનું જોખમ વધી જાય છે.
બાળકોમાં અસ્થમાનું જોખમ ઘટાડતા ત્રણ ઉપાય
દવાઓ એન્ટીબાયોટિક્ના ઉપયોગમાં સાવધાની
સામાન્ય વાઈરલ કે પેટ સંબંધિત સમસ્યામાં અત્યારે એન્ટીબાયોટિક દવાઓનો ઉપયોગ વધ્યો છે. આ દવાઓ બાળકના શરીરની કુદરતી રોગપ્રતિકાર શક્તિ (ઇમ્યુનિટી)ને નબળી પાડે છે. આથી તેના ઉપયોગમાં સાવધાની રાખો. કુદરતી અને ઘરેલુ ઉપાયો પણ અજમાવો. ડોક્ટરની સલાહ પર જ આવી દવાનો ઉપયોગ કરો.
બાળકોને તડકો અને ખેલકૂદ જરૂરી
બાળપણમાં બાળકોને તડકો જરૂરી છે. વિવિધ શોધમાં સ્પષ્ટ થયું છે કે, તડકાથી મળતું વિટામિન-ડી બાળકોમાં અસ્થમાની આશંકા ઘટાડે છે. આ સિવાય કુદરતી વાતાવરણમાં રહેવાથી તેમની ઈમ્યુનિટી પણ મજબૂત થાય છે, જે અસ્થમા સહિતની વિવિધ બીમારીઓથી બચાવે છે.
માતાનું દૂધ અસ્થમાની સૌથી અસરકારક ‘દવા’
અમેરિકાની પેન સ્ટેટ કોલેજ ઓફ મેડિસિનના એક રિસર્ચમાં જોવા મળ્યું છે કે, માતાના દૂધમાં કેટલાક એવા ફાયદાકારક સૂક્ષ્મ તત્વો રહેલા છે, જે બાળકનો ભોજનથી થતી કે ત્વચા સંબંધિત એલર્જીથી બચાવ કરે છે. આ એલર્જીના કારણે જ ભવિષ્યમાં બાળકોને અસ્થમાનું જોખમ વધતું હોય છે.