માત્ર તમાકુથી જ નહીં, સ્થૂળતા અને ચેપથી પણ મોંના કેન્સરનું જોખમ

Wednesday 26th April 2023 08:54 EDT
 
 

પુરુષોમાં થતા કેન્સરમાં સૌથી સામાન્ય છે મોંનું કેન્સર. ભારતની વાત કરીએ તો, દેશમાં દર વર્ષે મોંઢાના કેન્સરના લગભગ એકાદ લાખ નવા કેસ નોંધાય છે. એક પ્રચલિત માન્યતા એવી છે કે મોંઢાના કેન્સરનું પ્રાથમિક કારણ તમાકુ અને શરાબ છે, પરંતુ આ સિવાય બીજા અનેક કારણ છે, જેને મોંઢાના કેન્સર માટે જવાબદાર મનાય છે. દરેક કેન્સરની જેમ કેન્સરના આ પ્રકારમાં પણ કેટલાક આગોતરા સંકેત જોવા મળતા હોય છે. જેમ કે, મોંઢાના અંદર સફેદ કે લાલ ડાઘ, દાંત પડવા લાગવા, અવાજમાં અચાનક ફેરફાર થવો, ખાવા કે ગળવામાં મુશ્કેલી, ગળાના પાછળના ભાગે દુઃખાવો જે કાન સુધી જતો હોય, ડોકમાં સોજો અને ચહેરા પર સોજો વગેરે તેનાં કેટલાક સામાન્ય લક્ષણો છે. મોંઢાના કેન્સરના કેસમાં ચિંતાજનક બાબત એ છે કે, અડધા કેસમાં પીડિતોનાં મોત થઈ જાય છે. તેનું મુખ્ય કારણ એ છે કે, 60થી 70 ટકા કેસમાં એડવાન્સ સ્ટેજમાં કેન્સરની ખબર પડે છે. એપ્રિલ મહિનો મોંઢાના કેન્સરની જાગૃતિના મહિના તરીકે મનાવાય છે ત્યારે આ રોગ થવાના તમાકુ સિવાય પાંચ મુખ્ય કારણ ક્યા છે અને સંભવિત ખતરાથી બચાવ કઇ રીતે થઇ શકે તે અંગે પ્રાથમિક માહિતી.
1) વધુ વજનઃ વ્યક્તિના વધુ પડતા વજનને કારણે કોશિકાઓ અને રક્તકોશિકાઓનો વધારાનો ગ્રોથ થવા લાગે છે. આ સિવાય વિશેષ પ્રકારના હોર્મોનનું જોખમ પણ વધે છે.
બચાવઃ સ્વાભાવિક છે કે આનો સૌથી અસરકારક ઉપાય છે તમારા વજનને નિયંત્રણમાં રાખો. વજન વધુ હોય તો તેને ઘટાડો. વજનને નિયંત્રણમાં રાખવા માટે નાસ્તામાં વધુ પ્રોટીન લો, કેમ કે પ્રોટીનના પચવાની પ્રક્રિયા ધીમી હોય છે. સાથે જ તે ભૂખ વધારતા હોર્મોન્સને પણ ધીમા પાડે છે. આ સિવાય ખુદને સક્રિય રાખો. સપ્તાહમાં એક વાર વજન જરૂર ચેક કરો. એ તમને વજન ઘટાડવા માટે પ્રેરિત કરે છે.
2) એચપીવી સંક્રમણઃ હ્યુમન પેપિલોમા વાઈરસ (એચપીવી) શરીરના વિવિધ અંગોમાં પેપિલોમા (મસો) પેદા કરે છે. એચપીવી-16 તેનો મુખ્ય પ્રકાર છે.
બચાવઃ 11થી 12 વર્ષની ઉંમરના તમામ કિશોરોએ આની રસી લેવી જોઈએ. જો નથી લીધી તો 49 વર્ષની ઉંમર સુધી પણ રસી લઈ શકો છો.
૩) યુવી રેડિયેશનઃ લાંબા સમય સુધી તડકામાં રહેવાથી અલ્ટ્રાવાયોલેટ રેડિએશન કોશિકાઓને નુકસાન પહોંચાડે છે. ત્વચા આ નુકસાનગ્રસ્ત કોશિકાઓના ડીએનએમાં પરિવર્તન લાવે છે. તેનાથી કેન્સર થવાનું જોખમ વધી જાય છે.
બચાવઃ બચાવવા માટે સનસ્ક્રીનનો ઉપયોગ કરો. વધુ લાંબા સમય સુધી તડકામાં રહેવાથી બચો.
4) પોષણની ઊણપઃ ભોજનમાં પોષણની ઊણપથી કેન્સરથી બચાવનારા વિશેષ પ્રકારના મિનરલ્સનું શરીરમાં પ્રમાણ ઘટી જાય છે. તેનાથી મોંઢાના કેન્સરનું જોખમ વધી જાય છે.
બચાવઃ દરરોજના ભોજનમાં પાંચ વિવિધ પ્રકારના ફળ અને શાકભાજી સામેલ કરો. ભોજનમાં ફાઈબરનું પ્રમાણ પુરતું રાખો. ડેરી અને ડેરી પ્રોડક્ટ્સને સામેલ કરો.
5) માઉથવોશઃ વધુ આલ્કોહોલ ધરાવતા માઉથવોશથી પણ મોંઢાના કેન્સરનું જોખમ વધે છે. તેમાં રહેલું આલ્કોહોલ ગળાના કેન્સર માટે જવાબદાર છે.
બચાવઃ ખાસ કરીને સ્પ્રે કરવામાં આવતા માઉથવોશથી બચો. તેના બદલે વરિયાળી કે તેના જેવી અન્ય વસ્તુઓનો ઉપયોગ ફાયદાકારક છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter