લંડનઃ સામાન્યપણે કહેવાય છે કે આહારમાં વિપુલ પ્રમાણમાં શાકભાજીનો ઉપયોગ લાંબા અને સ્વસ્થ જીવનની ચાવી છે પરંતુ, ઓક્સફર્ડના સંશોધકો કહે છે કે ફક્ત શાકાહારી વસ્તુઓ ખાવાથી હૃદયરોગોના જોખમથી બચવામાં કોઈ મદદ નહિ મળે.જોકે, અન્ય નિષ્ણાતો ભારપૂર્વક એમ પણ કહે છે કે બ્રિટિશરોએ શાકભાજી ખાવાનું છોડવું ન જોઈએ.
ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ 400,000 બ્રિટિશ લોકોનો તેમનવી હૃદયની સમસ્યાઓ મુદ્દે અભ્યાસ કર્યો હતો. આ લોકોને 12 વર્ષ સુધી દેખરેખ હેઠળ રખાયા હતા. આ સમયગાળા દરમિયાન, અભ્યાસ હેઠળના 400,000 બ્રિટિશરોમાંથી 18,000 લોકોને હાર્ટ એટેક અથવા સ્ટ્રોક જેવી હૃદય સંબંધિત મોટી સમસ્યાઓ સામે આવી હતી.
અભ્યાસમાં ભાગ લેનારને તેઓ દરરોજ કેટલાં પ્રમાણમાં શાકભાજી ખાય છે તેવો પ્રશ્ન કરાયો હતો અને તેમની તુલના હૃદયરોગના દર સાથે કરવામાં આવી હતી. કાચા શાકભાજી નહિવત્ ખાનારા લોકોની સરખામણીએ એકંદરે સૌથી વધુ કાચી શાકભાજી ખાનારા જૂથના લોકોને હૃદયરોગ થવાની સંભાવના 15 ટકા ઓછી હતી. રાંધેલા શાકભાજી બાબતે કોઈ તફાવત ન હતો પરંતુ, સંપત્તિ અને લાઈફસ્ટાઈલ સહિત અન્ય પરિબળો ધ્યાનમાં લેવાય ત્યારે કાચા મશાકભાજી ખાવાનો લાભ અદૃશ્ય થઈ જતો હતો.
તેમના સંશોધનના તારણો જણાવે છે કે ફક્ત શાકભાજી ખાવાથી હૃદયની સમસ્યાઓનું જોખમ ઓછું થતું નથી. બ્રોકોલી, ગાજર અને વટાણા જેવા ઘણા બધા ખોરાક લેવાથી ‘કાર્ડિયોવાસ્કુલર રોગો થવા સામે રક્ષણાત્મક અસર થતી નથી’. જર્નલ ‘ફ્રન્ટીયર્સ ઑફ ન્યુટ્રિશન’ના એક રિપોર્ટ મુજબ શાકભાજી ખાવા અને હૃદયની તંદુરસ્તી વચ્ચે કોઈ સંબંધ હોય તો તે એટલો જ છે કે પુષ્કળ શાકભાજી ખાનારા લોકો તેમના જીવનનાં અન્ય પાસાઓમાં પણ વધુ સ્વસ્થ રહે છે.
આ સંશોધનમાં યુકેના સરેરાશ 56 વર્ષના 399,586 વયસ્કોના NHS ડેટાની ચકાસણી કરવામાં આવી હતી જેમાં, વ્યક્તિદીઠ શાકભાજી લેવાનું કુલ પ્રમાણ આખા ભરેલા પાંચ ટેબલસ્પૂન જેટલું હતું.
આમ છતાં, સંશોધનના સહલેખક ડો. બેન લેસીએ કહ્યું હતું કે,‘સંતુલિત આહાર લેવા સાથે તંદુરસ્ત વજન જાળવવું એ સારાં સ્વાસ્થ્યની જાળવણી તેમજ કેન્સર સહિત મોટા રોગોનું જોખમ ઘટાડવાનો મહત્વપૂર્ણ ભાગ છે.’