જો તમે માથાનાં અસહ્ય દુઃખાવા એટલે કે માઈગ્રેનથી પીડાતા હો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. હળદરનો નિયમિત ઉપયોગ કરીને તમે માઈગ્રેનથી મુક્તિ મેળવી શકો છો. ભારતીય ભોજનશૈલીમાં જુદી જુદી રસોઈ બનાવવામાં જેનો નિયમિત ઉપયોગ થાય છે તેવી હળદર આરોગ્ય માટે અને અનેક દર્દો દૂર કરવા માટે જાદુઈ દવા જેવું કામ કરે છે. સમગ્ર ભારત અને દક્ષિણ પૂર્વ એશિયામાં સેંકડો વર્ષથી રસોઈમાં ખોરાકનાં એક મહત્ત્વના ઘટક તરીકે હળદરનો ઉપયોગ થઇ રહ્યો છે.
આરોગ્યને સુધારવા માટે તેનાં અનેક લાભ હોવાનું લોકોને જાણવા મળતા હવે વિશ્વના અન્ય દેશોમાં પણ તેનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. હળદર હૃદયને લગતા રોગો તેમજ ચામડીને લગતા રોગો દૂર કરવામાં પણ અક્સીર ઈલાજ છે. હળદરમાં રહેલું કરક્યુમિન નામનું તત્ત્વ માથાનો દુઃખાવો દૂર કરવા અક્સીર છે. તે એન્ટિ ઓક્સિડન્ટ છે અને તેનાંથી પેટમાં બળતરા કે એસીડિટી પણ થતી નથી. માઈગ્રેનને મટાડવા માટે હળદર જાદુઈ દવા તરીકે ઉપયોગી છે કે કેમ તે અંગે અનેક સંશોધકોએ પ્રયોગો કર્યા છે જેમાં લોકોનાં મિશ્ર પ્રત્યાઘાતો જોવા મળ્યા છે.
હળદરમાં સારામાં સારા એન્ટિ ઓક્સિડન્ટનાં ગુણો
માઈગ્રેનને કારણે માથામાં અસહ્ય દુખાવો થાય છે. અમેરિકામાં માઈગ્રેનનાં અનેક દર્દીઓ છે. શા કારણે માઈગ્રેન થાય છે તેની લોકોને જાણ ન હોવાથી તેને મટાડવા માટે કઈ દવા લેવી તે વાતથી પણ લોકો અજાણ છે. જોકે રજિસ્ટર્ડ ડાયેટિશિયન અને ન્યૂટ્રિશનિસ્ટ વેનેસા રિસેટ્ટો કહે છે કે હળદર અને તેમાં રહેલું ઘટક કરક્યુમિન માથાનાં આ અસહ્ય દુખાવાને દૂર કરવા એટલે કે માઈગ્રેનને મટાડવા માટે અક્સીર ઈલાજ છે. તેનાંથી પેટમાં બળતરા કે એસીડિટી થતી નથી. તે સારામાં સારા એન્ટિ ઓક્સિડન્ટ ગુણ ધરાવે છે.
રિસેટ્ટોએ તેની અસરો અને ઉપયોગિતાને જાણવા માટે દરરોજ ૩ ટી સ્પૂન કે ચારથી છ મિલિગ્રામ હળદર લેવાનું શરૂ કર્યું હતું. માઈગ્રેન મટાડવામાં તે અક્સીર હોવાનું જણાયું હતું. જોકે માઈગ્રેનને મટાડવામાં હળદર કેટલી હદે અસરકારક છે કે કેમ તે અંગે મિશ્ર પ્રત્યાઘાતો જોવા મળ્યા હતા. તબીબી નિષ્ણાતોનું માનવું છે કે હળદર શરીર માટે લાભકારક છે તે સાચું, પરંતુ આ અંગે વધુ અભ્યાસ જરૂરી છે.