માથાનો દુઃખાવોઃ દર્દ કોમન, કારણ અનેક

Wednesday 31st March 2021 05:09 EDT
 
 

ઓ...હ દર્દથી માથું ફાટફાટ થાય છે, એવું આપણે ઘણી વાર ઘણા બધાના મોઢે સાંભળ્યું હશે. તમે યાદ કરો, તમારા વર્તુળમાં ભાગ્યે જ એવી કોઈ વ્યક્તિ હશે જેનું ક્યારેક માથું દુખ્યું ન હોય. માથાનો દુઃખાવો કોમન છે. આપણામાંથી મોટા ભાગના લોકોને કોઈ કોઈ વાર માથું દુખ્યું જ હશે. જ્યારે અમુક લોકો તો આખો દિવસ માથું દુખવાની ફરિયાદ લઈને બેઠા હોય છે. માથું દુખવાના ઘણા પ્રકાર હોય છે. નજીવા દુઃખાવાથી લઈને દિવસો સુધી માથાનો દુઃખાવો ન જાય તેવું પણ બને છે. આવું શાના કારણે બને છે?
માથું દુઃખવાનું સાચું કારણ જાણી તેને દૂર કરવાનો પ્રયત્ન લગભગ બધા જ કરતા હોય છે, પણ જેઓ વારંવાર આ પીડાનો ભોગ બને છે તેમના માટે તો આ સમસ્યા ખરેખર માથાનો દુઃખાવો પુરવાર થાય છે. વધુ પડતાં સ્ટ્રેસ, ટેન્શન, આલ્કોહોલ કે તમાકુનું સેવન, ચરબીયુક્ત માંસાહારી પદાર્થોનું વધુ પડતું સેવન, ચોકલેટ્સ કે સ્મોકિંગના કારણે માથું દુઃખી શકે છે. આથી જ દરેક વ્યક્તિએ માથું દુઃખવાનું કારણ જાણી લેવું જોઈએ.
દુઃખાવો કોઈ કોઈ વાર જ થાય છે કે વારંવાર? તમે ભરનીંદરમાં હો અને અચાનક ફોન કે ડોરબેલની રિંગ વાગતાં, બાળકનો સ્કૂલ-રિપોર્ટ જોઈને કે સ્કૂલમાં હાજરી આપવા જવાના વિચારમાત્રથી, મિટિંગ દરમિયાન લાંબી-લાંબી દલીલો કરીને, સિગારેટના ધૂમાડાથી ગૂંગળાયેલા રૂમમાં લાંબા સમય સુધી બેસવાથી... આવા બધા કારણોથી કોઈ કોઈ વાર માથું દુઃખવાની ફરિયાદ ઉઠે છે, પણ તેને દૂર કરવી એટલે મુશ્કેલ નથી. પેઈનકિલર ગોળી લઈને, ખુલ્લી હવામાં લટાર મારો અને મનને શાંત વાતાવરણ મળતાં આવો દુઃખાવો ગાયબ થઈ જાય છે.

કારણ જાણવું છે? ડાયરી બનાવો
જો કલાકો સુધી પુસ્તકો વાંચ્યા કરવાથી કે ટીવી જોયા કરવાથી પણ માથુ દુઃખે છે? તો આ માટે આંખના ડોક્ટરનો સંપર્ક કરવો. જો તમારું બાળક બ્લેક બોર્ડ પરના અક્ષરો બરાબર વાંચી શકતું ન હોય તો જાણી લો કે તેને ચશ્માની જરૂર છે. આ બધા તો સામાન્ય કારણ થયા, પણ એવા દુઃખાવાનું શું કે જે કલાકો કે દિવસો સુધી ગાયબ થતો જ નથી? તો એ માટે તમે એક ડાયરી બનાવો. તેમાં માથું દુખે ત્યારે સમય નોંધો. સવારે, બપોરે કે સાંજે ક્યારે માથું દુઃખે છે? જમ્યા પછી દુઃખાવો ઉપડે છે? તો તમે ખોરાકમાં શું શું લીધેલું તેની યાદી તૈયાર કરો માથું દુઃખે તે દરમિયાન તમે કઈ ક્રિયા કરી રહ્યા છો તે જાણવાથી તેનું સાચું કારણ તરત જ સામે આવશે, ત્યારબાદ દુઃખાવો ક્યારે અચાનક જ આલોપ થઈ જાય છે તે પણ જાણો. આ બધું
નોંધી રાખો.
અમુક અઠવાડિયા પછી ડાયરી પર એક નજર નાખી જુઓ. કદાચ તમને મિટીંગ અટેન્ડ કરવી ન ગમતી હોય અને પરાણે અટેન્ડ કરતા હો તો મિટિંગ દરમિયાન માથું દુઃખી શકે છે. તમને જે કામ કરવાની રુચિ નથી થતી તે કરવું પડતું હોય તો, બાળકો કે પિતાના ઘરે મોડા આવવાની ચિંતામાં દુઃખાવો થતો હોય, પત્ર દ્વારા કોઈ સ્વજનના અશુભ સમાચાર સાંભળીને માથું દુઃખવા લાગે - આવા ઘણાં બધા કારણો તમને ધ્યાનમાં આવશે. આથી તમે તેનો ઈલાજ પણ શોધી શકશો.

દુઃખાવાના ચાર પ્રકાર
માથું દુખવાના અન્ય ચાર પ્રકાર છે.
• ટેન્શન હેડેક • સાયનસ હેડેક • ક્લસ્ટર હેડેક • માઈગ્રેન ટેન્શન હેડેક

હવે દુઃખાવાના આ ચારેય પ્રકાર વિશે થોડુંક વિગતવાર જાણીએ...
ટેન્શન હેડેકઃ જો કોઇ વાતે ટેન્શન, ચિંતાને કારણે માથું દુખતું હશે તો માથાની બંને બાજુએ દુઃખાવો થશે. નીંદર કરવા છતાં દુઃખાવામાં ફરક પડે નહિ. દિવસ ચઢે તેની સાથે સાથે માથામાં સણકા બોલવા લાગે અને માથું દાબવાથી દુઃખાવો ઓર વધે તો સમજવું કે ટેન્શનને લીધે દુઃખાવો થયો છે. સ્ટ્રેસ, વધુ લાગણીશીલ સ્વભાવ, માનસિક દૃઢતા ઓછી, આર્થરાઈટીસ વગેરેને કારણે આવો દુઃખાવો થઇ શકે છે. આવા સમયે પેઈનકિલર લેવા છતાં ફરક ન પડે તો મસલ્સને રિલેક્સ રાખવાનો પ્રયત્ન કરવો. આવી વ્યક્તિને વધુ પડતી લાગણીશીલ સ્થિતિ કે નિર્ણાયક ઘડીનો સામનો કરવો ભારે પડતો હોય છે. આથી આ પ્રકારના કામ ત્યજવા જોઈએ.
સાયનસ હેડેકઃ માથું દુઃખવાના આ પ્રકારમાં ભ્રુકુટિ ઉપર ખૂબ જ દુઃખાવો થાય છે. ધીરે ધીરે આંખની નીચે સુધી વિસ્તરે છે. અને ત્યારબાદ આખું માથું અને ગાલને જકડી લે છે. સાયનસ નહિવત્ પ્રમાણમાં હોય તો દુઃખાવો બધે પ્રસરતો નથી. સાયનસનો દુઃખાવો સામાન્ય રીતે દિવસ ચડતાં શરૂ થાય છે. જેમ જેમ સૂર્ય ચઢે છે તેમ તેમ દુઃખાવો વધતો જાય છે. જ્યાં દુઃખાવો થતો હોય તે ભાગને દબાવવાથી દુઃખાવામાં ફરક પડે છે. નાક સુધી દુઃખાવો પ્રસરે તો નાકમાંથી પાણી ઝરવા લાગે છે. સાયનસનો દુઃખાવો સીઝનલ પણ હોઈ શકે. વરસાદની ઋતુમાં કે ગરમીમાં સાયનસના દુઃખાવાનું પ્રમાણ વધારે રહે છે. વિઘ્નરૂપ ચીજવસ્તુઓ, ઈન્ફેક્શન કચરો કે અમુક વસ્તુની એલર્જી સાયનસમાં મુખ્ય ભાગ ભજવે છે. તેની સારવાર સાયનસનો પ્રકાર જાણીને કરવી.
ક્લસ્ટર હેડેકઃ આ પ્રકારના દુઃખાવામાં આંખની પાછળ દુઃખાવો થાય છે. સામાન્ય રીતે એક બાજુ દુઃખાવો થાય છે. અને ક્યારેક સાઈડ બદલીને બીજી બાજુ પણ દુઃખાવો થાય છે. આવો દુઃખાવો સીઝનલ હોય છે અને તેનો સમય પણ એક જ હોય છે. એકદમ સાજા સારા હો અને અચાનક જ દુઃખાવો શરૂ થઈ જાય. બળતરા થવા માંડે કે જાણે સોંય ભોકાતી હોય તેવું લાગે. આવો દુઃખાવો ૩૦-૪૫ મિનિટ સુધી રહે છે અને તેને કારણે આંખો સૂજી જાય છે તેમજ તેના પર ભાર જણાય છે. આંખમાંથી પાણી પડવા માંડે છે. ક્યારેક ક્યારેક કેટલાંક અઠવાડિયા સુધી આમને આમ દરદ રહે છે અને પછી અચાનક દુઃખાવો મટી જાય છે. ક્લસ્ટર હેડેકનું કારણ તાણ-આંચકી હોઈ શકે. ઉપરાંત આલ્કોહોલ, તમાકુના વધુ પડતા સેવન કે અમુક પ્રકારના ભારે ખોરાકથી પણ દુઃખાવો ઉપડે છે. આવા કેસમાં સામાન્ય દવા કામ આવતી નથી. આ માટે ડોક્ટરની ટ્રીટમેન્ટ લેવી વધુ હિતાવહ રહે. પહેલી વાર જ્યારે આવો દુઃખાવો ઉપડે ત્યારે જ ડોક્ટરને કન્સલ્ટ કરવાથી ઘણો ફરક પડે છે. આવી વ્યક્તિએ આથો ચડાવેલા ખોરાક, ચાઈનીઝ ફૂડ, ઠંડા પીણાં વધુ ત્વરિત બંધ કરી દેવું જોઈએ.
માઈગ્રેન ટેન્શન હેડેકઃ માઈગ્રેનને આધાશીશી પણ કહેવાય છે. આમાં સામાન્યપણે માથાની એક જ બાજુ દુઃખાવો ઉપડે છે. હૃદયના ધબકારા વધી જવાથી, વધુ પડતા શોરબકોર કે તીવ્ર સુગંધને કારણે આ દરદ ઉપડે છે. નાક તરત જ ગળવા માંડે છે. આવા દર્દીને આંખ સામે જાણે કેટલીયે લાઈટ્સ ઝબકારા મારતી હોય તેવું લાગે છે. તે જાણે કોઈ તીવ્ર સુગંધ લઈ રહ્યો હોય તેવું લાગે છે. હકીકતમાં આવું કંઈ જ હોતું નથી.
આ દરદ અમુક કલાકોથી લઈને અમુક દિવસો સુધી ચાલુ રહે છે. સામાન્ય રીતે સ્ત્રીઓ તેમના મેન્સીસ પિરિયડ દરમિયાન આવા દુઃખાવાથી ત્રસ્ત રહેતી હોય છે. ક્યારેક કોઈ પણ જાતનું ટેન્શન ન હોય અને તમે ક્યાંક વીકએન્ડ પસાર કરવાનું વિચારતા હો ત્યારે અચાનક માઈગ્રેનનો દુઃખાવો ઉપડે છે. માઈગ્રેનના દુઃખાવાના કારણો ક્લસ્ટર દુઃખાવાને મળતા આવે છે. થોડોક દુઃખાવો હોય તો આરામ કરવાથી, શાંતિમય વાતાવરણમાં રહેવાથી કે સામાન્ય દવા લેવાથી દૂર કરી શકાય, પણ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે તમારા જીપીનું માર્ગદર્શન મેળવવાનું.
માથાના જે ભાગમાં દુઃખાવો થતો હોય તે ભાગમાં મસાજ કરવાથી પણ દરદ થોડુંક ઓછું થઈ શકે છે. જોકે ક્યારેક એવું પણ બનતું હોય છે કે સણકા મારતા દુઃખાવા પાછળ કોઈ મોટી બીમારી કારણભૂત હોય આવા કેસમાં તમારે કે તમારા કુટુંબીજનોએ વહેલામાં વહેલી તકે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter