માનવ લોહીમાં માઈક્રોપ્લાસ્ટિક્સ હૃદય માટે જોખમ

હેલ્થ બુલેટિન

Sunday 23rd June 2024 09:33 EDT
 
 

માનવ લોહીમાં માઈક્રોપ્લાસ્ટિક્સ હૃદય માટે જોખમ
વિશ્વભરમાં પ્લાસ્ટિક્સનો ઉપયોગ સતત વધી રહ્યો છે ત્યારે માનવીના આરોગ્ય પર તેની અસર થવી સ્વાભાવિક છે. માનવ લોહીમાં મળી આવતાં માઈક્રોપ્લાસ્ટિક્સ હૃદય માટે જોખમી ગણાય છે ત્યારે સંશોધકો કાર્ડિઓવાસ્કુલર સિસ્ટમ પર તેની કેવી અસર થાય છે તે સમજી રહ્યા છે. એક અભ્યાસના પરિણામોમાં રક્તદાન કરનારાઓના લોહીમાં પોલીમરના પ્રકારોને ઓળખી કઢાયા હતા. રક્તપ્રવાહમાં માઈક્રોપ્લાસ્ટિક્સ માનવશરીરમાં ફરતાં રહે છે અને કાર્ડિઓવાસ્કુલર સિસ્ટમ માટે જોખમો ઉભા કરે છે. એન્વિરોન્મેન્ટલ ઈન્ટરનેશનલમાં પ્રકાશિત તાજેતરના અબ્યાસમાં સંશોધકોએ 20 તંદુરસ્ત માનવીના સંપૂર્ણ લોહીનું પરીક્ષણ કર્યું હતું. આમાંમથી 18 પાર્ટિસિપેન્ટ્સના લોહીમાં વિવિધ 24 પ્રકારના પોલીમર્સ (કેમિકલ એડિટિવ્ઝ) હોવાનું જણાયું હતું. જોકે, આઠ સેમ્પલમાં મળેલાં મોટા ભાગના પોલિથિલીન, એથિલીન-પ્રોપીલીન- ડાઈન અને ઈથિલીન-વિનાઈલ-એસિટેટ/ આલ્કોહોલ પ્રકાર સહિતના માઈક્રોપ્લાસ્ટિક્સ શ્વેત અને સ્પષ્ટ રજકણો સ્વરૂપે હતાં. આવા રજકણોના પરિણામે, વાસ્કુલર સોજા-ઈન્ફ્લેમેશન અથવા બ્લડ ક્લોટિંગ કામગીરીમાં ફેરફાર જેવી ચોક્કસ સમસ્યાઓ ઉભી કરી શકે છે. સિન્થેટિક પ્લાસ્ટિક પાર્ટિકલ્સ તરીકે ઓળખાયેલા માઈક્રોપ્લાસ્ટિક્સ 1 માઈક્રોમીટર (µm) અને 5 મિલિમીટર્સ (mm)ની રેન્જમાં હતા. અગાઉના સંશોધનોમાં પણ લોહી અને ગંઠાયેલી ધમનીઓમાં માઈક્રોપ્લાસ્ટિક્સની હાજરી જણાઈ હતી.

•••
 પુરુષોને ડાયાબિટીસ અને કોમ્પ્લિકેશન્સનું વધુ જોખમ
સ્ત્રીઓની સરખામણીએ પુરુષોને ડાયાબિટીસ તેમજ ડાયાબિટિસના કારણે સર્જાતા કોમ્પ્લિકેશન્સનું જોખમ વધારે રહે છે. પુરુષ અને સ્ત્રીઓમાં ચરબીની વહેંચણી એકસરખી હોતી નથી. જેના પરિણામે, કાર્ડિયોવાસ્કુલર રોગો અને ટાઈપ ટુ ડાયાબિટીસ માટે પુરુષોને જોખમ વધારે રહે છે. સ્વીડનના સ્ટોકહોમની કારોલિન્સ્કા ઈન્સ્ટિટ્યૂટના સંશોધન અનુસાર ટાઈપ ટુ ડાયાબિટીસ સાથે ફાંદની વધુ ચરબી ધરાવતા સ્થૂળ પુરુષોમાં ચરબીની ચયાપચય ક્રિયા ધીમી રહેવાથી એડિપોઝ ટિસ્યુઝમાં ઈન્સ્યુલિન સામે પ્રતિકાર ઊંચો હોય છે અને સ્ત્રીઓ કરતાં જનીન એક્સપ્રેશન પણ અલગ હોય છે. આ અભ્યાસનાં તારણો માર્ચ 2024માં ઈન્ટરનેશનલ જર્નલ ઓફ ઓબેસિટીમાં પ્રકાશિત થયાં હતાં. સ્ટોકહોમમાં 1993થી 2020ના ગાળામાં ત્રણ મહિના સુધી વજન સ્થિર રહ્યું હોય તેવી 2344 સ્ત્રી અને 787 પુરુષને અભ્યાસમાં સામેલ કરાયાં હતાં. આ ઉપરાંત, આ પરીક્ષણ હેઠળના સ્ત્રી-પુરુષોમાંથી 259 સ્ત્રી અને 54 પુરુષના જૂથમાં પેટના વિસ્તારમાંથી સબક્યુટેનસ (ત્વચાની નીચેથી) ફેટ સેમ્પલ્સ પણ લેવાયાં હતાં.
અગાઉના સંશોધનોએ પણ દર્શાવ્યું હતું કે સ્ત્રીઓની સરખામણીએ ઓછો ધરાવતા પુરુષોને પણ ટાઈપ ટુ ડાયાબિટીસ થવાની શક્યતા વધુ રહે છે. આનું કારણ તેમના વચ્ચે ચરબીની વહેંચણી અલગ હોવાનું નિષ્ણાતો કહે છે. પુરુષો યુવાન વયે પણ ટાઈપ ટુ ડાયાબિટીસનો શિકાર બને તેનું જોખમ વધુ રહે છે. જર્નલ ઓફ એપિડીમીઓલોજિકલ કોમ્યુનિટી હેલ્થમાં પ્રકાશિત અન્ય અભ્યાસમાં સ્ત્રીઓની સરખામણીએ પુરુષો ટાઈપ વન અને ટાઈપ ટુ ડાયબિટીસથી સર્જાતી સમસ્યાઓનો ઝડપથી શિકાર બને છે. ઓસ્ટ્રેલિયામાં 45 વર્ષથી વધુ વયના 25,713 સ્ત્રી-પુરુષોના સમૂહના વિશ્લેષણમાં જણાયું હતું કે સ્ત્રીઓ માટે આ સમસ્યાઓનાં જોખમની સરખામણીએ 51 ટકા પુરુષોને કાર્ડિયોવાસ્કુલર રોગ, 47 ટકાને નીચલા અવયવોમાં, 55 ટકાને કિડની રોગોમાં અને 14 ટકાને ડાયાબિટીક રેટિનોપથીનું જોખમ વધુ હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter