માનવીની વિચારપ્રક્રિયા વાઈ-ફાઈ નેટવર્કની સરખામણીએ ઘણી ધીમી છે

હેલ્થ બુલેટિન

Sunday 02nd February 2025 05:54 EST
 
 

માનવીની વિચારપ્રક્રિયા વાઈ-ફાઈ નેટવર્કની સરખામણીએ ઘણી ધીમી છે
માનવીના મગજનો તાગ મેળવવો મુશ્કેલ છે. તે કોમ્પ્યુટરને પણ મહાત કરી શકે છે. જોકે, વિચારોના પ્રોસેસિંગમાં તે ધીમું પડે છે. કેલિફોર્નિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના સંશોધકોએ વાંચન, લેખન અને રુબિક્સ ક્યૂબનો કોયડો ઉકેલવા જેવી વિચારપ્રક્રિયા દરમિયાન માનવ વર્તણૂકના ડેટાને તપાસી સચેત મગજમાં વિચારની ઝડપનું મૂલ્યાંકન કર્યું હતું. તેમને જણાયું હતું કે ઈન્ટરનેટ પર માહિતીનું ટ્રાન્સમિશન થવાની સરખામણીએ માનવ મગજની પ્રક્રિયાની ઝડપ મિલિયન્સ ગણી ધીમી છે. માનવી પ્રતિ સેકન્ડ 10 બિટ્સના દરે વિચારે છે. કોમ્પ્યુટિંગમાં bit માહિતીનો બેઝિક યુનિટ છે અને ડેટાનો સૌથી નાનો સંભવિત ટુકડો દર્શાવે છે. સંશોધકો અનુસાર સામાન્ય વાઈ-ફાઈ કનેક્શન થકી 50 મિલિયન બિટ્સ પ્રતિ સેકન્ડના દરે પ્રોસેસિંગ થાય છે. ઘરમાં વાઈ-ફાઈ નેટવર્કની ઝડપ 100 મેગાબિટ્સ પ્રતિ સેકન્ડથી પણ નીચે જાય તો આપણે ચિંતામાં પડી જઈએ છીએ. જોકે, મોટી વિચિત્રતા એ જણાઈ છે કે મગજ આપણી આંખ, શ્રવણ અને અવાજ થકી મળતી સેન્સરી માહિતીનું પ્રોસેસિંગ વિચારપ્રક્રિયા દરની સરખામણીએ આશરે 100 મિલિયન ગણી ઝડપે કરે અને નિર્ણય લેવા માટે આવશ્યક માહિતીને ફિલ્ટર પણ કરે છે. જર્નલ ‘ન્યુરોન’માં પ્રકાશિત અભ્યાસમાં સંશોધકો જણાવે છે કે સચેત વિચારપ્રક્રિયાની ધીમી ઝડપ ઉત્ક્રાંતિનું મિકેનિઝમ દર્શાવે છે કારણકે માનવીને ખોરાક શોધવા સહિત અસ્તિત્વ જાળવવાના નિર્ણયો લેવા માટે આ મહત્તમ સ્તર ગણી શકાય એટલે કે કુદરતે આ ‘સ્પીડ લિમિટ’ બાંધેલી છે. સંશોધકો કહે છે કે આપણા મગજની સ્પીડ વધારવા એક દિવસ માનવોને કોમ્પ્યુટર સાથે જોડી લેવાશે તેવા વિચાર ઈલોન મસ્ક જેવા કેટલાક લોકોએ વહેતા મૂક્યા છે પરંતુ, તે કદી વાસ્તવિકતા બની શકશે નહિ.

•••

ખાંડ સાથેના પીણાં ડાયાબિટીસ અને હૃદય રોગના કેસીસ માટે વધુ જવાબદાર
ખાંડનું ગળપણ ધરાવતા પીણાંના લીધે ડાયાબિટીસ અને હૃદય રોગના લાખો કેસીસ પેદા થાય છે. કાર્ડિયોવાસ્કુલર ડિસીઝ અને ડાયબિટીસ થવામાં કયા પરિબળો ભાગ ભજવે છે અને તેને અટકાવવામાં શું મદદરૂપ બની શકે તે શોધવામાં નિષ્ણાતોને ભારે રસ છે. તાજેતરમાં ‘નેચર મેડિસીન’માં પ્રસિદ્ધ એક અભ્યાસના તારણો જણાવે છે કે ખાંડનું ગળપણ ધરાવતાં પીણાં ટાઈપ 2 ડાયાબિટીસના કેસીસ માં 10 ટકા અને કાર્ડિયોવાસ્કુલર ડિસીઝમાં 3 ટકાથી વધુ યોગદાન આપે છે. સંશોધકોએ આ માટે ગ્લોબલી ડાયેટરી ડેટાનો ઉપયોગ કર્યો હતો અને 118 દેશોના 2.9 મિલિયન લોકોના ડેટાને ધ્યાનમાં લીધા હતા. તેમણે ખાંડ ઉમેરેલાં તેમજ 50 કેલરીથી વધુ કેલરી આપતાં આઠ ઔંસ પીણાને ધ્યાનમાં રાખ્યા હતા. જોકે, 100 ફળોના અથવા વેજિટેબલ જ્યુસીસ, ગળ્યું દૂધ અને કૃત્રિમ સ્વીટનર્સનો ઉપયોગ કરતા કેલરી વિનાના બીવરેજીસને બાકાત રખાયા હતા. સંભવિત જોખમો હોવાં છતાં, સોડા જેવા ખાંડથી ગળ્યાં બનાવેલાં પીણાં લોકપ્રિય પસંદગી છે. તારણો એમ પણ જણાવે છે કે સ્ત્રીઓની સરખામણીએ પુરુષો તેમજ વૃદ્ધોની સરખામણીએ યુવાનો ખાંડના ગળપણ સાથેના બીવરેજીસનો વધુ વપરાશ કરે છે. જોકે, આ અભ્યાસની કેટલીક મર્યાદા પણ છતી થઈ છે કારણકે તે ડેટા આધારિત છે જેમાં અચોકસાઈ પણ હોઈ શકે છે. આમ છતાં, આરોગ્યને સુધારવા માટે ખાંડનું ગળપણ ધરાવતાં પીણાનો ઉપયોગ ટાળવો હિતાવહ જ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter