લંડનઃ એક કહેવત છે કે ‘સોળે સાન અને વીસે વાન’, જેને અનુસરી વિશ્વભરમાં વ્યક્તિના પુખ્ત થવાનો સમય ૧૮ વર્ષનો ગણવામાં આવે છે. આ તો કાનૂની વાત થઈ પરંતુ, હવે વૈજ્ઞાનિકો કહે છે કે ખરી પુખ્તાવસ્થા તો ૩૦ વર્ષથી ગણાવી જોઈએ કારણકે વીસીમાં હોઈએ ત્યારે મગજ સંપૂર્ણપણે વિકસિત હોતું નથી. આ સમયગાળામાં લોકો માનસિક આરોગ્યની સમસ્યાઓથી ઘેરાય તેનું સૌથી વધુ જોખમ રહે છે. લગભગ ૩૦ વર્ષની વયે મગજ પૂર્ણ પરિપક્વ બને છે. જોકે, બાળક ક્યારે પુખ્ત બને તેની મજબૂત ન્યૂરોલોજિકલ વ્યાખ્યા હોતી નથી. આથી જ કદાચ ગુજરાતમાં ૨૫ વર્ષની વય સુધીનો ગાળો ‘ગધાપચીસી’ કહેવાય છે.
મગજના નિષ્ણાતો કહે છે કે આપણે ૧૮ વર્ષે કાનૂની રીતે પુખ્ત થયેલા ગણાઈએ છીએ. આમ છતાં, આટલી વયે પણ તમારામાં બાળપણના અંશો દેખાતા હોય તો ચિંતા કરવા જેવું નથી. વ્યક્તિ ખરેખર તો ત્રીસીની વયમાં પુખ્ત બને છે. મગજમાં ચેતાતંતુઓના તાણાવાણાં એવી રીતે ગોઠવાયાં હોય છે કે તેમાં સતત પરિવર્ત થતું રહે છે અને કેટલાક લોકો વહેલી વયે પુખ્તાવસ્થામાં પહોંચી જાય છે. ૧૮ વર્ષની વયે તો મોટા ફેરફાર જોવાં મળે છે.
ઓક્સફર્ડમાં એકેડેમી ઓફ મેડિકલ સાયન્સીઝ દ્વારા આયોજિત ઈન્ટરનેશનલ ન્યૂરોસાયન્સ મીટિંગમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રોફેસર પીટર જોન્સ કહે છે કે બાળપણમાંથી પુખ્તાવસ્થામાં પહોંચવાની વ્યાખ્યા જ વાહિયાત છે. આ તો સતત પ્રક્રિયા છે.