ધ ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS)ના અહેવાલ અનુસાર મહામારી દરમિયાન લગભગ પાંચમાંથી એક વયસ્ક ડિપ્રેશન - હતાશાના કોઈ પણ પ્રકારનો અનુભવ કરે તેમજ લગભગ આઠમાંથી એક વયસ્ક હતાશાના મધ્યમથી તીવ્ર કક્ષાના લક્ષણોનો અનુભવ કરે તેવી શક્યતા રહે છે.
વર્તમાન સંશોધનોએ દર્શાવ્યું છે કે માનસિક સ્વાસ્થ્ય મુદ્દે મદદ પ્રાપ્ત કરવા સંદર્ભે હજુ ઘણા અવરોધો રહ્યા છે કારણકે સાઉથ એશિયન કોમ્યુનિટીઓમાં ઘણી વખત તેને શરમ અને સંકોચ કે ભયની લાગણીઓ સાથે કલંકિત - નિષિદ્ધ વિષય માનવામાં આવે છે. માનસિક સ્વાસ્થ્ય સંબંધિત ગેરસમજો પણ ઘણા લોકોને તેમની ચિંતા વિશે પ્રોફેશનલ્સ અથવા સ્નેહીજનો સાથે વાતચીત કરતા અટકાવે છે.
હીરા ફાઉન્ડેશનના CEO પવનદીપ જોહલ જણાવે છે કે,‘ કોવિડ-૧૯એ વિવિધ પ્રકારે આપણને અસર કરી છે તેમજ આપણા શારીરિક આરોગ્યની જેમ જ માનસિક સ્વાસ્થ્ય પણ મહત્ત્વપૂર્ણ છે. માનસિક સ્વાસ્થ્ય શું છે અને તે આપણને અને આપણા સ્નેહીજનોને કેવી રીતે અસર કરી શકે છે તેના વિશે આપણી જાતને શિક્ષિત કરવાનો પ્રયાસ કરવો તે અગાઉ કરતાં પણ વધુ મહત્ત્વનું છે.’
ચૂપચાપ સહન કરતા રહેવાની અસર હાનિકારક બની શકે છે અને તેનું પરિણામ સામાજિક એકલતા, સંબંધોમાં ભંગાણ, આરોગ્યનો બગાડ અથવા આત્મહત્યામાં પણ આવી શકે છે. હું તો તમને શક્ય તેટલી ઝડપે તેમાંથી બહાર આવવાની સલાહ આપીશ.’
એન્ગ્ઝાઈટી અથવા ચિંતાતુરતામાંથી બહાર આવવા દરએકને પ્રોફેશનલ મદદની જરુર પડતી નથી પરંતુ, જેમને આવી જરુર પડે તેમના માટે NHS સમગ્ર ઈંગ્લેન્ડમાં સેવા પૂરી પાડે છે, જે સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે. આ ઉપરાંત, તારાકી (Taraki), શીખ યોર માઈન્ડ (Sikh Your Mind) અને ધ હીરા ફાઉન્ડેશન જેવી ઘણી સ્વતંત્ર સાઉથ એશિયન ચેરિટી સંસ્થાઓ મારફત પણ આવી મદદ મેળવી શકાય છે.
સંપૂર્ણ તાલીમબદ્ધ નિષ્ણાતો દ્વારા સંચાલિત NHS Talking Therapies ખાનગી સેવા છે અને આ સેવા તમારી પસંદગીની ભાષામાં બહુભાષીય થેરાપિસ્ટ અથવા ગોપનીયતા સાથે અનુવાદકો-ટ્રાન્સલેટર્સ દ્વારા પ્રાપ્ત કરી શકાશે. લોકો આ સેવાની સુવિધા તેમના GPની મુલાકાત લઈને અથવા સ્વયં ઓનલાઈન રેફરલ થકી મેળવી શકે છે.
વેસ્ટ લંડન NHS ટ્રસ્ટ ખાતે જનરલ એડલ્ટ સાઈકિયાટ્રિસ્ટ ડો. રુપક ખારે જણાવ્યું હતું કે,‘ NHS માફત છેક ૨૦૦૮થી ટોકિંગ થેરાપીઝ મળતી રહી છે અને આ પ્રોગ્રામ તેની વ્યાપકતા, માપદંડો અને અસરકારકતા માટે વિશ્વભરમાં માન્ય છે.’
‘જો તમે એન્ગ્ઝાઈટી અથવા ડિપ્રેશનથી પીડાતા હો તો મહેરબાની કરીને આગળ આવો. તમે કેવી રીતે મદદ મેળવવી તે જાણતા હો ત્યારે મદદ મેળવવી સહેલી છે. કોઈએ ચૂપચાપ સહન કરવાની આવશ્યકતા નથી. તમે તમારા GPને NHS Talking Therapies ના રેફરલ માટે જણાવી શકો છો અથવા ઓનલાઈન સ્વયં રેફરલ મેળવી શકો છો.’
સમગ્ર કોરોના મહામારી દરમિયાન આ સેવાનું બરાબર સંચાલન થતું રહ્યું છે અને જુલાઈ ૨૦૨૦થી ડિજિટલ પ્લેટફોર્મ અથવા ફોન દ્વારા પણ લગભગ ૯૫ ટકા ટોકિંગ થેરાપીઝ દૂરસુદૂર પહોંચાડવામાં આવી છે જેના પરિણામે, લોકો સંપર્કમાં રહી શકતા હતા તેમજ વધુ લવચીકતા અને આરામ સાથે મદદ મેળવી શકતા હતા. આમનેસામને એપોઈન્ટમેન્ટ્સ હજુ પણ મેળવી શકાય છે અને સંક્રમણનું જોખમ મર્યાદિત રાખવા માટે સેવાઓના નવાં પગલાંનો અમલ કરવામાં આવ્યો છે.
NHS આપની મદદ માટે સજ્જ અને હાજર છે. ટોકિંગ થેરાપીઝ માટે વધુ માહિતી પ્રાપ્ત કરવા તમે NHSની વેબસાઈટ nhs.uk/talk ની મુલાકાત લઈ શકો છો.