ઇંદોર: ટીમ ઇંડિયાના કેપ્ટન વિરાટ કોહલીનું કહેવું છે કે માનસિક સ્વાસ્થ્યને કારણે બ્રેક લેવાની બાબતને નકારાત્મક દૃષ્ટિકોણથી નિહાળવી જોઇએ નહીં. કોહલીએ તેને પોતાને ૨૦૧૪માં ઇંગ્લેન્ડ પ્રવાસે મળેલી સતત નિષ્ફળતાની યાદ તાજી કરતાં કહ્યું હતું કે ‘હું પણ મારી કરિયરમાં એવા જ એક તબક્કામાંથી પસાર થઈ ચૂક્યો છું, જ્યાં મને લાગ્યું હતું કે દુનિયા મારા માટે ખતમ થઈ ગઈ છે. મને કંઈ જ સમજાતું નહોતું કે આ તબક્કાનું શું કરવું? અને કોને શું કહું? કેવી રીતે બોલવું? કેવી રીતે વાત કરવી? તે સમયે હું એ કહી શકતો નહોતો કે માનસિક રીતે બહુ સારું અનુભવી રહ્યો નથી અને મારે થોડોક સમય રમતથી દૂર થવાની જરૂર છે. આ સમયે તમે એ નથી જાણતા હોતા કે આવી વાતને કંઈ રીતે લેવામાં આવશે.’ ઉલ્લેખનીય છે કે તે સમયે કોહલીએ ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ૫ ટેસ્ટ મેચની ૧૦ ઇનિંગ્સમાં ૧૩.૫૦ની સરેરાશથી માત્ર ૧૩૪ રન જ કર્યા હતા અને ચોમેરથી તેના ટીકાની ઝડી વરસી રહી હતી.
વિરાટ કોહલીએ ૧૩ નવેમ્બરે આ વાતોનો ઉલ્લેખ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ગ્લેન મેક્સવેલના સંદર્ભમાં કર્યો હતો. મેક્સવેલે તાજેતરમાં જ પોતાના માનસિક સ્વાસ્થ્યને ટાંકીને ક્રિકેટની રમતથી થોડોક સમય બ્રેક લેવાની જાહેરાત કરી છે. કોહલીએ કહ્યું હતું કે મેક્સવેલે વિશ્વભરના ક્રિકેટરો સામે યોગ્ય ઉદાહરણ રજૂ કર્યું છે. મેક્સવેલે જે કર્યું છે તે વખાણવાલાયક, સાહસિક અને આદર્શ બાબત છે. જો તમે યોગ્ય માનસિક સ્થિતિમાં ના હો તો તમે કોશિશ કરો છો. કોશિશ અને માત્ર કોશિશ કરો છો. માણસ હોવાના લીધે કોઈના કોઈ સ્થળે તમે એવી સ્થિતિમાં પહોંચી જાવ છો, જ્યાં કાં તો તમારો વ્યવહાર બદલાવા લાગે છે અથવા તો તમને સમયની જરૂર હોય છે. હું એવું નથી કહેવા માંગતો કે તમારે હાર માની લેવી જોઈએ, પરંતુ વધુ સ્થિતિ વધુ સ્પષ્ટ કરવા માટે તમારે થોડોક સમય લેવાની જરૂર હોય છે. મારી નજરમાં એ બિલકુલ યોગ્ય છે. મને લાગે છે કે આવી વાતોનું સન્માન કરવું જોઈએ અને તેને નકારાત્મક દૃષ્ટિકોણથી નિહાળવી જોઈએ નહીં. માનસિક સ્વાસ્થ્ય પર ચર્ચાને પૂરતું મહત્ત્વ આપવું જોઈએ કારણ કે વ્યક્તિગત સ્તરે જે કંઈ ચાલી રહ્યું હોય છે તેની સમજ માટે ચર્ચા જરૂરી છે.
‘કોઈની પણ સાથે થઈ શકે, તેને હકારાત્મકતાથી લો’
બાંગ્લાદેશ વિરુદ્ધ ઇંદોરમાં રમાયેલી ટેસ્ટ મેચના એક દિવસ પૂર્વે વિરાટ કોહલીએ કહ્યું હતું, ‘આવું કોઈની પણ સાથે થઈ શકે છે તેથી આ મુદ્દાને બહુ જ હકારાત્મક દૃષ્ટિકોણથી નિહાળવો જોઈએ. તમે જાણો છો કે જ્યારે તમે આંતરરાષ્ટ્રીય મંચ પર પહોંચો છો
તો ટીમમાં દરેક ખેલાડીને એવી વાતચીતની જરૂર હોય છે જે પોતાની વાત જણાવવા માટે પ્રેરિત કરે.’