સંસ્કૃત સુભાષિતમાં સૈકાઓ પૂર્વે કહેવાયું છે ક્ષમા વિરસ્યં ભૂષણમ્. અર્થાત્ કોઇને ક્ષમા આપવી એ વીરનું આભૂષણ છે. તો હવે એક અભ્યાસમાં પુરવાર થયું છે કે માફી માંગવી હિંમતનું કામ છે. પોતાની કોઇ ભૂલચૂક બદલ સામેવાળી વ્યક્તિની અંતઃકરણપૂર્વક માંગેલી માફી એક નહીં અનેક કામ કરી શકે છે. જેમ કે, માફી એ સંબંધોમાં પડેલી તિરાડને દૂર કરી શકે છે. તો માફીમાં હૃદયના જખમોને ભરવાની તાકાત પણ છે. જોકે માફી માંગવી એ હિંમતનું કામ છે, કારણ કે જ્યારે આપણે એવું કરીએ છીએ ત્યારે પોતાની આત્મસુરક્ષા પર કાબૂ મેળવીએ છીએ. વિખ્યાત પિટ્સબર્ગ યુનિવર્સિટીના મનોવિજ્ઞાન શાખાના પ્રોફેસર કરીના શુમાન કહે છે કે અનેક વાર મન આપણને માફી માંગતા રોકે છે, પરંતુ માફી એ સંબંધોને તાજા રાખે છે. માફી માગી લેનાર વ્યક્તિનો તણાવ ઘટે છે અને માનસિક આરોગ્ય પણ સુધરે છે. ત્યાં સુધી કે માફી માગી લેનારી વ્યક્તિ તેના બ્લડપ્રેશર અને હાર્ટ બિટમાં પણ સુધારાનો અનુભવ કરે છે.
• ઉતાવળ ન કરો
મનોવિજ્ઞાની સિન્ડી ફ્રાન્ટ્સ કહે છે કે મને રિસર્ચમાં જાણવા મળ્યું છે કે કઇ રીતે માફી માંગવા દરમિયાન સમય કામ કરે છે. માફી માંગવામાં ઉતાવળ ન કરવી જોઇએ. જલદી માફી માંગવા પાછળ કોઇ લાલચ હોય શકે છે.
• સંબંધોને સમય આપો
માફી એક શરૂઆતનું બિંદુ છે. વિશેષ રીતે ગંભીર અપરાધોની સાથે પીડિત વ્યક્તિને રિકવર થવામાં સમય લાગે છે. એટલે જ મહત્ત્વપૂર્ણ છે કે માફીના નામ ૫૨ દબાણ ન બનાવો. હૃદયથી માફી માંગ્યા બાદ સંબંધોને સમય આપો.
• જવાબદારી સ્વીકારો - આગળ વધો
ભૂલ બન્નેની છે તો મારે જ શા માટે માફી માંગવી? આ સવાલ અનેક લોકોના મનમાં હોય છે. જોકે હંમેશા આપણે ભૂલની જવાબદારી સ્વીકારીને શરૂઆત કરવી જોઇએ. પાછળથી જણાવો કે તમને પણ દુઃખ થયું છે.
• અમુક સંજોગોમાં હાથથી લખો
જો તમે કોઇ મામૂલી ભૂલ કે અપરાધ કર્યો છે, તો લેખિત સંદેશ કે વ્યક્તિગતરૂપે માફી માંગવાનો વિચાર કરો. વધુ ગંભીર સ્થિતિઓ માટે ઇ-મેલ સારું કામ કરે છે. જો સ્થિતિ ખરાબ હોય તો તમારા લખાયેલા શબ્દોમાં ખૂબ જ તાકાત હોય છે.
• ચોક્કસ શબ્દો સાથે માફી માંગો
‘તમે મને માફ કરો’ અથવા તો ‘હું માફી માંગું છું’ જેવા શબ્દોથી જ હંમેશા શરૂઆત કરો. મનોવૈજ્ઞાનિક ઇંગલ કહે છે કે ‘મને ખેદ છે...’ અથવા તો ‘જે પણ થયું, તે ખોટું થયું...’ જેવા શબ્દોથી તમારે બચવું જોઇએ. તેનાથી સંવાદ અસ્પષ્ટ રહે છે.
અને હા, સોશિયલ મીડિયા મારફતે માફી ન માંગો. આમ કરવું તેમાં સામેલ દરેક લોકો માટે અપમાનજનક સાબિત થઇ શકે છે. શક્ય હોય ત્યાં સુધી પીડિત પક્ષને પહેલા સાંભળવો અને તેમની અનુકૂળતા વિશે તેમને સવાલ પૂછવાનું પણ ઉપયોગી સાબિત થઇ શકે છે.