વોશિંગ્ટન: કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોને એક તરફ સમગ્ર વિશ્વમાં ચિંતાનું મોજું ફેલાવ્યું છે ત્યારે બીજી તરફ ફાર્મા સેક્ટર તરફથી રાહતજનક સમાચાર આવ્યા છે. કોરોના વેક્સિનનું ઉત્પાદન કરતી કંપની ફાઇઝરનો દાવો છે કે તે માર્ચ સુધીમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટનો સામનો કરી શકે તેવી વેક્સિન તૈયાર કરી લેશે. ફાઇઝરના સીઇઓ આલ્બર્ટ બોર્લાએ જણાવ્યું હતું કે કંપની પહેલેથી જ કોવિડ-૧૯ વેક્સિન તૈયાર કરી રહી છે પણ હવે જ્યારે ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે ત્યારે કંપની નવા વેરિયન્ટ માટે પણ વેક્સિન તૈયાર કરી રહી છે. અપેક્ષા છે કે માર્ચ સુધીમાં તેની વેક્સિન ઉપલબ્ધ થઈ જશે. જોકે તેમણે ઉમેર્યું હતું કે કંપની એ નથી જાણતી કે તે સમયે વેક્સિનની જરૂરિયાત હશે કે નહીં હોય.
વેક્સિનના બે ડોઝ અને બૂસ્ટર ડોઝથી રક્ષણ
બહુરાષ્ટ્રીય ફાર્મા કંપનીના સીઈઓ બોર્લાએ જણાવ્યું હતું કે હાલના તબક્કે લોકોને વેક્સિનના બે ડોઝ ઉપરાંત એક બૂસ્ટર ડોઝ પણ આપવામાં આવી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે તેના વધારે સારા પરિણામો મળી રહ્યા છે. બૂસ્ટર ડોઝથી નવા ઓમિક્રોન વેરિયન્ટ સામે પણ સુરક્ષા મળી રહી છે. જોકે ખાસ ઓમિક્રોનલક્ષી વેક્સિન તેના સંક્રમણ પર સીધી અસર કરશે અને નવા સ્ટ્રેન સામે વધારે સારું રક્ષણ આપશે.
મોર્ડના બૂસ્ટર ડોઝ બનાવશે
બીજી તરફ દવા નિર્માણ કંપની મોર્ડનાના સીઇઓ સ્ટિફને જણાવ્યું હતું કે આપણો કોરોનાના વાઇરસની આગળ નીકળવાનો પ્રયાસ કરવો જોઈએ. તેમણે જણાવ્યું હતું કે કંપની એક બૂસ્ટર ડોઝ તૈયાર કરી રહી છે જે ૨૦૨૨ના અંત સુધીમાં તૈયાર થઈ જશે. તેમણે ઉમેર્યું હતું કે આ બૂસ્ટર ડોઝ માત્ર ઓમિક્રોન સામે જ નહીં, આગામી સમયમાં આવનારા કોરોનાના નવા વેરિયન્ટ્સ સામે પણ સુરક્ષા પ્રદાન કરશે.