લંડન: વિખ્યાત મેડિકલ જર્નલ લાન્સેટ દ્વારા સ્વીડનમાં હાથ ધરાયેલા અભ્યાસના તારણમાં જાણવા મળ્યું છે કે એક જ પ્રકારની વેક્સિનના બે ડોઝ લેવાને બદલે બે અલગ અલગ વેક્સિનના ૧-૧ ડોઝ લેવામાં આવે તો સંક્રમણથી બચવામાં ઘણો ફાયદો થાય છે. સ્વીડનમાં હાથ ધરાયેલા એક સર્વેક્ષણના તારણ મુજબ જે લોકો માત્ર એસ્ટ્રાઝેનેકાના બંને ડોઝ લઇ ચૂક્યા હોય તેમના મુકાબલે જે લોકોએ એસ્ટ્રાઝેનેકા વેક્સિનનો એક ડોઝ લીધા પછી એમઆરએનએ વેક્સિનનો બીજો ડોઝ લીધો હોય તેમના કિસ્સામાં સંક્રમણનો ખતરો ઓછો માલૂમ પડયો છે.
સ્વીડનમાં સુરક્ષાના કારણસર ૬૫ વર્ષથી ઓછી વયના લોકોને કોવિડ-૧૯ માટેની વેક્ટર આધારિત એસ્ટ્રાઝેનેકા વેક્સિનના ડોઝ આપવાનું સ્થગિત રાખવાનો નિર્ણય લેવાયો હતો. જોકે સ્વીડનમાં જે લોકો એસ્ટ્રાઝેનેકા વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ ચૂક્યા છે તેમને બીજા ડોઝના રૂપમાં એમઆરએનએ વેક્સિનનો ડોઝ લેવા ભલામણ કરવામાં આવી છે. સ્વીડનની ઓમિયા યુનિવર્સિટીના અધ્યાપક પીટર નોર્ડસ્ટોર્મના જણાવ્યા મુજબ વેક્સિન જ ના લેવાના બદલે માન્યતા પ્રાપ્ત વેક્સિનના બે ડોઝ લેવા વધુ સારું ગણાય. વેક્સિનના સિંગલ ડોઝને બદલે બે ડોઝ લેવામાં આવે તે પણ લાભકારી છે.