મિડલ એજમાં પેટ પર ચરબી જામી જાય છે?

સદાબહાર સ્વાસ્થ્ય

Friday 02nd March 2018 04:06 EST
 
 

પાંત્રીસથી ચાળીસ વર્ષની વય થાય એટલે સ્ત્રી અને પુરુષ બંનેમાં આ બદલાવ જોવા મળેઃ પાતળો બાંધો ધરાવનાર વ્યક્તિનું શરીર પણ ભરાવા લાગે. ખાસ કરીને પેટની આજુબાજુમાં ચરબીના થર જમા થવા લાગે. જો પહેલેથી જ ‘ખાતાપીતા ઘરના’ હો તો વધુ ચરબી જમા થાય છે. આને કારણે શરૂઆતમાં થોડીક ચિંતા થાય, પણ પછી મન મનાવી લેવાય કે હવે તો ઉંમર થઈ એટલે હોર્મોન્સના પરિવર્તનને કારણે બદલાવ આવે છે, પણ ખરેખર એવું નથી. આમાં આપણી લાઈફ સ્ટાઈલનો બહુ મોટો હાથ છે.

ખાવા-પીવાની અયોગ્ય આદતો અને શરીરને જરાય કષ્ટ ન પડે તેવી આરામદાયક જીવનશૈલીને પરિણામે ચરબીના થર વધે છે. આ સમસ્યા શહેરી વિસ્તારોમાં વસતી મોર્ડન પ્રજાની વધુ છે.

મિડલ એજ અગત્યની કેમ?

૩૫થી ૪૫ વર્ષની ઉંમર દરમિયાન જો ડાયટ અને એક્સરસાઈઝમાં પૂરતી કાળજી ન રાખી હોય તો બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટેરોલ, ઓસ્ટિયોપોરોસિસ જેવી લાંબા ગાળાની સમસ્યાઓ ઘર કરી જઈ શકે છે. પેટ પરની વધારાની ચરબીને કારણે ઈમ્યુન સિસ્ટમ નબળી પડતાં વિવિધ રોગો અને ચેપો સામે લડવાની શક્તિ ઘટે છે. સ્ત્રીઓમાં ૩૫થી ૪૫ સુધીમાં મેનોપોઝ અને પુરુષોમાં ૫૦-૫૫ વર્ષની આસપાસ એન્ડ્રોપોઝના લક્ષણોની શરૂઆત થવા લાગે છે. આ સમયગાળો મેન્ટલ અને ઈમોશનલ ઉથલપાથલોથી ભરેલો હોય છે. આ સમયગાળામાં ઝાઝી મુશ્કેલીઓ વિના હેલ્ધી અને હેપ્પી રહી શકાય એ માટે મિડલ એજમાં ડાયેટ અને એક્સરસાઈઝની કાળજી રાખવી જરૂરી છે.

મેટબોલિઝમ રેટ ઘટે

જેમ નવજાત શિશુના શરીરની ખોરાકની જરૂરિયાતો અલગ છે એમ કિશોરો અને યુવકોની જરૂરિયાત અલગ હોય. જોકે આપણે મોટા ભાગે પુખ્ત વયના બધાને એક જ લાકડીએ હાંકીએ છીએ. મિડલ એજના લોકોએ ખાસ ડાયટમાં શા માટે કાળજી રાખવી જોઈએ. એનું કારણ જણાવતાં તબીબી નિષ્ણાતો કહે છે કે યંગ એજમાં વ્યક્તિ હંમેશા કોઈને કોઈક પ્રવૃત્તિમાં સંકળાયેલી હોય છે. ભણવાનું, પરીક્ષાઓ, મિત્રો સાથે ફરવાનું, નોકરીની શરૂઆતમાં દોડધામ કરવાની એમ યંગ એજમાં શરીર થોડુંક એક્ટિવ રહે જ. આજકાલ મોટા ભાગની ગૃહિણીઓ ઘરનાં કામ જાતે નથી કરતી, ઓફિસ જાય તો મોટા ભાગે બેઠાડું કામ કરતી હોય છે. પુરુષો પણ મિડલ એજ સુધીમાં કામકાજમાં સેટલ થયા હોવાથી ફિઝિકલ એક્ટિવિટી પ્રમાણમાં ઘટે છે.

બીજી તરફ શરીરનો મેટાબોલિઝમ રેટ ધીમો પડે છે. યંગ એજમાં વ્યક્તિની બેઠાં બેઠાં પણ પાંચથી સાત કેલરી બાળતી હોય છે, પણ ઉંમર વધતી જાય એમ કેલરી બર્ન થવાની ગતિ ધીમી પડે. ૩૫ વર્ષ પછી મેટાબોલિઝમ પાંચેક ટકા જેટલું ધીમું પડે. ખોરાકને એનર્જીમાં રૂપાંતર કરવાની મેટાબોલિઝમ રેટ ઘટતો હોવાથી વધારાની કેલરી ચરબીરૂપે શરીરમાં જમા થઈ રહે. એક તરફ ચયાપચયની ગતિ ધીમી પડે અને સાથે શારીરિક પ્રવૃત્તિ પણ ઘટે એટલે પેટ પર ચરબીના ટાયર વધે છે, ખાધા છતાં સુસ્તી વર્તાયા કરે છે.

વળી, આ સમયગાળામાં વયના અન્ય તબક્કા કરતાં માનસિક સ્ટ્રેસ વધારે હોય છે. પુરુષોને પ્રોફેશનલ લાઈફનું ટેન્શન અને મહિલાઓને ઘર, પરિવાર, ઓફિસ બધા વચ્ચે સંતુલન જાળવવાનું ટેન્શન, સ્ટ્રેસ વધે એટલે શરીરમાં કોર્ટિસોલ નામના સ્ટ્રેસ-હોર્મોનનો સ્ત્રાવ આપમેળે થાય. વધુ સ્ટ્રેસને કારણે સ્ટ્રેસ-હોર્મોનના સ્ત્રાવની પેટર્નમાં ઉથલપાથલ થતી હોવાથી વેઈટગેઈન થવાની શક્યતાઓ વધી જાય છે.

તો પછી કરવું શું?

શરીરની જરૂરિયાતને પારખીને ખાવાપીવાની હેલ્ધી આદત અને ફિઝિકલ એક્ટિવિટી ઉમેરવામાં આવે તો એનાથી મિડલ એજની સમસ્યાને નિવારી શકાય. જેમ કે, મિડલ એજમાં કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટને વધુ મહત્ત્વ આપવું જોઈએ. કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ માટે ધાન્ય ખાવાં જોઈએ. ઘઉં ઉપરાંત જુવાર, બાજરી, નાચણી જેવા મિક્સ ધાન્યોનો પ્રયોગ વધારવો જોઈએ. સાદા ઘઉંના લોટને બદલે મિક્સ લોટ અને રેસાવાળાં વેજિટેબલ્સનું મિશ્રણ કરીને બનાવેલી વાનગીઓ લેવી જોઈએ. મિડલ એજનો આ એવો સમય છે કે જેમાં તમારે ઓવરઓલ વધુ ન્યુટ્રિશન મળે એવો ડાયેટ લેવો જોઈએ.

કેલેરીવાઈઝ ઓછું પણ વિટામિન્સ, મિનરલ્સ, એન્ટિ-ઓક્સિડન્ટ્સ, રોગપ્રતિકારતા વધારતાં ફાઈટોકેમિકલ વગેરે વધુ હોય એવાં કલરફૂલ ફળો અને શાકભાજીનો સમાવેશ જરૂરી છે. ચોખા ઓછા ખાવા, જેટલા ખાઓ તેમાં બાસમતી નહીં, બ્રાઉન રાઇસનો સમાવેશ કરવો. આ ઉંમરમાં માત્ર રોટલી-શાક પૂરતું ભોજન નથી. દાળ અઠવાડિયામાં ઓછામાં ઓછી ત્રણથી ચાર વખત ખાવી. મિડલ એજથી જ સ્નાયુઓનો જથ્થો ઘટવાનું શરૂ થઈ જાય છે. એને નિવારવા માટે ખોરાકમાં પ્રોટીનનો ઉપયોગ બહુ જ જરૂરી છે. દાળ, ફણગાવેલાં કઠોળ, સિંગ-ચણા, ડ્રાયફ્રુટ્સમાંથી કોઈ પણ એક ચીજ રોજ લેવી જોઈએ. ત્વચા, વાળ, હાડકાં, જોઈન્ટ્સને સ્વસ્થ રાખવા માટે પ્રોટીન ખૂબ જ જરૂરી છે. એમ ન થતું હોવાથી ત્વચામાં વહેલી કરચલીઓ પડે છે અને શરીરની સ્ટ્રેન્ગ્થ ઘટે છે. લો-ફેટ મિલ્સ અને એમાંથી બનેલા દહીં અને પનીર જેવી પ્રોડક્ટ્સ લઈ શકાય. ચીઝ અને બટર ખૂબ જ લિમિટેડ માત્રામાં લેવાં.

મેનોપોઝ અને એન્ડ્રોપોઝ માટે

સ્ત્રીઓમાં ૩૫થી ૪૫ વર્ષ સુધીમાં મેનોપોઝ અને પુરુષોમાં ૫૦-૫૫ વર્ષની આસપાસ એન્ડ્રોપોઝનાં લક્ષણો વર્તાય છે. આમ તો આ સમયગાળો દરેકના જીવનમાં આવે છે. પણ એ દરમિયાન બેચેની, ડિપ્રેશન, હોટ ફ્લેશિઝ અને બીજાં ઘણાં લક્ષણો જોવા મળે છે. એને નાથવા શું કરવું જોઇએ? આ સમયગાળા દરમિયાન સ્ત્રી-પુરુષ બંને આલ્ફાલ્ફા સીડ્સ લઈ શકે છે. મેનોપોઝમાં ફ્લેક્સ-સીડ્સનો ઉપયોગ ઉત્તમ છે. વરિયાળીની સાથે મેળવીને શેકેલી અળસી ખાવામાં આવે તો હોર્મોન્સના પરિવર્તન વખતે તકલીફ નથી પડતી. આ સમયગાળા દરમિયાન સોયાબીનને બદલે સોયાની પ્રોસેસ્ડ પ્રોડક્ટ્સ લેવી જોઈએ. જેમ કે ટોફૂ, સોયમિલ્ક અને પ્રોસેસ્ડ સોયા આટામાંથી બનાવેલી ચીજો. અનપ્રોસેસ્ડ સોયાબીનથી નુકસાન થાય છે. મેનોપોઝ કે એન્ડ્રોપોઝના સમયગાળા દરમિયાન રોજ મિનિમમ એક કપ ગ્રીન ટી પીવાનું રાખવું એનાથી બોડીના ટોક્સિન્સ નીકળી જાય છે. મૂડ સુધરે છે, મેટાબોલિઝમ સુધરતું હોવાથી એનર્જી લેવલ પણ સારું રહે છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter