નવી દિલ્હીઃ કોરોના અંગે ફેલાયેલી અફવાઓએ દુનિયામાં વાતાવરણ ડહોળ્યું છે. અખબાર, મિલ્ક પેકેટ કે ડોરબેલને સ્પર્શ કોરોના ફેલાવતા હોવાની અફવા પાયાવિહીન છે. ઓલ ઇંડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ (‘એઈમ્સ’)ના ડોક્ટરોના જણાવ્યા મુજબ કોરોના અખબાર વાંચવાથી ફેલાતો નથી.
આ ચેપ માણસમાંથી માણસમાં ફેલાય છે. લોકોએ હાથ સતત ધોઈ સ્વચ્છતા જાળવવાની જરૂર છે.
‘એઈમ્સ’ ડોક્ટરોના જણાવ્યા મુજબ, આ વાઇરસ દૂધનાં પેકેટ, ડોરબેલ અને અખબાર જેવી વસ્તુથી નહિ માત્ર માણસથી જ ફેલાય છે. આ વાઇરસ ચેપગ્રસ્ત વ્યક્તિની છીંક અને ખાંસી ખાવાથી ફેલાય છે, માટે ઇન્ફેક્શનગ્રસ્ત વ્યક્તિથી અંતર જાળવવાની જરૂર છે. આવી વ્યક્તિની છીંક અને ખાંસીથી ફેલાતા ડ્રોપલેટ્સનાં સંપર્કમાં આવવાથી બચવું જોઇએ. તેમજ તમારા હાથ વારંવાર સાબુના પાણી કે સેનિટાઇઝરથી ધોવા જોઇએ.
કોરોનાથી બચાવ પર ધ્યાન આપવાનો અર્થ એ છે કે, અફવાઓ પર ધ્યાન ન આપો. વાઇરસ પર અત્યાર સુધી થયેલા સ્ટડી મુજબ, સોફ્ટ સરફેસ પર ચારથી નવ દિવસ સુધી જ રહી શકે છે. જે તે વાત પર નિર્ભર કરે છે કે ત્યાંનું તાપમાન અને ભેજનું પ્રમાણ કેટલું છે. આ વાઇરસ ચારથી ૧૦ કલાક સુધી જ જીવતો રહી શકે છે. આથી વારંવાર હાથ ધોવાની જરૂર છે. ડોક્ટરે જણાવ્યું કે, સામાન્ય માણસ એક કલાકમાં ઓછામાં ઓછો ૨૩ થી ૨૫ વાર ચહેરાને અડકે છે. આ કારણથી જ વાઇરસને રોકવા માટે હાથની સફાઇ સૌથી વધુ મહત્ત્વની છે.