• મીઠાનાં પાણીનાં ટીપાં નાકમાં નાખવાથી શરદી વહેલી ભાગે
આપણા દાદીમા બાળપણમાં શરદી, ઉધરસ કે નાની બીમારી થઈ હોય ત્યારે મીઠાંના પાણીનાં કોગળા કરાવતા હતા અને થોડા દિવસમાં તકલીફ દૂર થઈ જતી હતી. હવે વિજ્ઞાનીઓેએ સદીઓ પુરાણા આ ઉપાયને સ્વીકારી જણાવ્યું છે કે નાકમાં મીઠાંના પાણીના બે ટીપાં નાખવાથી બાળપણની શરદી બે દિવસ વહેલી મટે છે. વિયેનામાં યુરોપિયન રેસ્પિરેટરી સોસાયટી કોંગ્રેસ સમક્ષ રજૂ કરાયેલા અભ્યાસ મુજબ ઘરમાં બનાવેલા મીઠાંના પાણીનો નાકમાં ટીપાં નાખવાનો ઉપાય કરવાથી બાળપણની શરદી વહેલી મટે છે અને ઘરના અન્ય સભ્યોને ચેપ લાગવાની શક્યતા ઘટે છે. પેઈનકીલર્સ અને દવાઓથી લક્ષણોમાં સુધારો થાય છે પરંતુ, શરદીમાં ઝડપી રીકવરી આવે તેવી કોઈ સારવાર હાલ પણ નથી. સંશોધકોએ 6 વર્ષની વય સુધીના 407 બાળકો પર પ્રયોગ કર્યો હતો જેમને શરદી સમયે અપાતા મીઠાંના પાણીના નાકના ટીપાંનો ઉપયોગ કરાયો હતો. ટ્રાયલ દરમિયાન આશરે 300 બાળકોને શરદી થઈ હતી. જે બાળકો પર મીઠાંનાં પાણીના ટીપાંનો ઉપયોગ કરાયો હતો તેમને સરેરાશ 6 દિવસ સુધી શરદીના લક્ષણો રહ્યાં હતાં જ્યારે બાકીનાં બાળકોને આ લક્ષણો 8 દિવસ સુધી રહ્યાં હતાં. મીઠાંનાં પાણીના ટીપાંનો ઉપયોગ કરાયો હતો તે બાળકોને દવાઓ પણ ઓછી લેવી પડી હતી.
•••
• હેમ સેન્ડવિચ વધારે ડાયાબિટીસનું જોખમ
તમે દરરોજ એક હેમ સેન્ડવિચ ખાતા હશો તો ટાઈપ 2 ડાયાબિટીસનું જોખમ 15 ટકા વધી જશે તેમ લાન્સેટ ડાયાબિટીસ એન્ડ એન્ડોક્રિનોલોજીમાં પ્રકાશિત એક અભ્યાસના તારણો જણાવે છે. યુનિવર્સિટી ઓફ કેમ્બ્રીજના સંશોધકોએ જણાવ્યું હતું કે પ્રોસેસ્ડ માંસ (મીટ) અને અનપ્રોસેસ્ડ રેડ મીટના કારણે આગામી દાયકામાં ટાઈપ 2 ડાયાબિટીસના જોખમમાં નોંધપાત્ર વધારો થશે. દિવસમાં માત્ર 50 ગ્રામ પ્રોસેસ્ડ માંસ એટલે કે હેમની બે સ્લાઈસની બરાબર ખાવાથી ટાઈપ 2 ડાયાબિટીસનું જોખમ 15 ટકા વધે છે. આ જ રીતે જેઓ દિવસમાં 100 ગ્રામ એટલે કે નાની સ્ટીકની બરાબર રેડ મીટ ખાય છે તેમના માટે આગામી દાયકામાં ડાયાબિટીસ થવાનું આ જોખમ 10 ટકા વધી જાય છે. સંશોધકોએ પોલ્ટ્રીને ખાવાથી આવી જ અસર થાય છે કે કેમ તેના વિશે પણ અભ્યાસ કર્યો હતો પરંતુ, જણાયું હતું કે જાતિ, વય અને ધૂમ્રપાન અને શરાબપાન સહિત આરોગ્ય સંબંધિત વર્તણૂક જેવાં પરિબળોને ધ્યાનમાં લેતાં આવી અસર ઓછી રહે છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે બ્રિટનમાં 4.3 મિલિયન લોકો ટાઈપ 2 ડાયાબિટીસ સાથે જીવતા હતા.
•••