નવી દિલ્હીઃ મીઠા લીમડાનો રસ કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડ્સનું સ્તર ઘટાડીને હૃદયરોગનો ખતરો ઘટાડો છે. તે સ્તન અને ફેફસાંના કેન્સરથી પણ બચાવ કરે છે. તબીબી સંશોધનમાં આ વાત સાચી સાબિત થઈ ચૂકી છે. ખાનપાનમાં ઉપયોગમાં લેવાતો લીલો લીમડો અનેક બીમારીઓથી બચાવે છે. એક નિષ્ણતોનું કહેવું છે કે મીઠા લીમડાના પત્તા ભોજનના સ્વાદ અને સુગંધને વધારે છે. પ્રાચીન કાળમાં કઢીનો વઘાર કરવા માટે તેનો ઉપયોગ થતો હતો. આથી જ તેને કઢીપત્તા જેવં નામ મળ્યું છે. વૈજ્ઞાનિક ભાષામાં તેને મુરાયા કોએનીજી તરીકે ઓળખવામાં આવે છે. મીઠો લીમડો મહદંશે ભારત અને શ્રીલંકામાં મળે છે. દક્ષિણ ભારતના રાજ્યો ઉપરાંત સિક્કિમ, આસામ અને પશ્ચિમ બંગાળમાં મીઠો લીમડો મળે છે. ભારતની વાત કરીએ તો, ઉત્તર ભારતમાં જેટલું મહત્ત્વ તુલસીનું છે તેટલું જ મહત્ત્વ દક્ષિણ ભારતમાં મીઠા લીમડાનું છે. તેના છોડની ઊંચાઈ ૨થી ૪ મીટરની હોય છે. તેને ઘરનાં બગીચામાં પણ સરળતાથી ઉછેરી શકાય છે. મીઠો લીમડો શરીર માટે જરૂરી પોષક તત્ત્વોની ઊણપ દૂર કરે છે. તેમાં આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ, પ્રોટીન, વિટામિન-બી૨, બી૬ અને બી૧૨ જેવા પોષક તત્તવોનો સમાવેશ થાય છે. જે લોકો હૃદયરોગનો સામનો કરી રહ્યા હોય તેમણે ખાનપાનમાં મીઠો લીમડાનો ઉપયોગ કરવો જોઈએ. મીઠો લીમડો કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડને ઘટાડીને હૃદયરોગના ખતરાને પણ ઘટાડે છે. પેટની તકલીફો જેવી કે પેચીસ, ઊલ્ટી જેવી બીમારીની સારવારમાં તે ઉપયોગી છે. તે એન્ટિ-માઇક્રોબાયલ અને એન્ટિ-ઇન્ફલેમેટ્રી હોય છે. અનેક પ્રકારના બેકટેરિયાથી તે આપણા શરીરનો બચાવ કરે છે. ટામેટાની ચટણી, બ્રેડપકોડા, મઠરી, બેસન સેવ, તુવેરની દાળ, સાંભાર, વગેરેમાં તેનો ઉપયોગ કરી શકાય છે.