પથરી (સ્ટોન)નો દુખાવો અસહ્ય હોય છે, અને એ તો જેને થયો હોય તે જ જાણે. શરીરને આટલું દર્દ આપતી પથરી ખરેખર છે શું? અને તે શામાંથી બને છે તે વિશે આજે આપણે જાણીએ.
• પથરીઓ શેની બને છે?
આપણને સૌને સવાલ થતો હોય છે કે પેશાબનું વહન કરતાં મૂત્રમાર્ગની અંદર આવી સખત પથરીઓ આવે છે કઇ રીતે? તે શેની બનેલી હોય છે? આ પથરી ચાર પ્રકારની હોય છે.
ઓક્ઝેલેટની પથરીઓઃ પેશાબમાં રહેલા ઓક્ઝેલેટ પ્રકારના ક્ષાર જામવાથી થતી આ પથરી ખાડાખબડાવાળી અને બહારથી કાંટાદાર સપાટી ધરાવતી હોય છે. તેથી આ પથરી મૂત્રમાર્ગને અંદરથી છોલી નાખે છે અને પેશાબમાં લોહી આવે છે. આ પથરી સખત અને બરડ હોય છે અને તેમાંથી એક્સ-રે પસાર થતાં ન હોવાથી સફેદ ડાઘ બતાવે છે. તે નાની હોય ત્યારથી જ તેનું નિદાન સરળતાથી થઈ શકે છે.
ફોસ્ફેટની પથરીઓઃ વ્યક્તિના મૂત્રમાં ફોસ્ફેટના ક્ષાર જામવાથી મેલા સફેદ રંગની લીસી પથરી બને છે. તેનો આકાર કિડનીની અંદર જ્યાં હોય તે પ્રમાણે થતો જણાય છે. પેશાબમાં લોહી આવતું નથી. આથી તેનું કદ વધે ત્યારે જ તપાસમાં ખબર પડે છે. તેમાંથી એક્સ-રે પસાર થતાં ન હોવાથી જોઈ શકાય છે.
યુરિક એસિડ અને યુરેટની પથરીઓઃ સોડિયમ અને એમોનિયમ યુરેટની પથરીઓ ખાસ કરીને બાળકોમાં જોવા મળે છે. આ પથરીઓ એક કરતાં વધારે, કઠણ અને લીસી હોય છે. આ પથરીઓમાંથી એક્સ-રે પસાર થઈ જતાં હોવાથી તે એક્સ-રેમાં ઝડપાતી નથી, પરંતુ જો તેમાં કેલ્શ્યમ ઓક્ઝોલેટ ભળે તો તેને એક્સ-રેમાં આસાનીથી જોઈ શકાય છે.
સિસ્ટીનની પથરીઃ કિડનીની એક પ્રકારની જન્મજાત ખામીમાં પેશાબમાં ‘સિસ્ટીન’ નીકળતું જણાય છે. જેને લીધે પથરીઓ બને છે. નાની છોકરીઓમાં આ પથરી વિશેષ જોવા મળે છે. આ પથરીઓ એક કરતાં વધારે ષટ્કોણ આકારની અને સફેદ હોય છે. જે એસિડિક પેશાબથી બને છે. તેમાં સલ્ફર ભળેલ હોય તો એક્સ-રેમાં જોઈ શકાય છે, નહીંતર દેખાતી નથી.
પથરીના નિદાન માટેની જુદી જુદી તપાસ
પેશાબની તપાસઃ સ્વચ્છ બાટલીમાં શરૂઆતનો થોડો જવા દઈને ભરેલો પેશાબ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવો પડે છે. પેશાબમાં લોહી અને રક્તકણોની હાજરીથી પથરીનું નિદાન સરળ બને છે. આ ઉપરાંત પેશાબની માઈક્રોસ્કોપિક તપાસમાં જુદા જુદા ક્ષારોના ક્રિસ્ટલ, પરુના અંશ વગેરે પણ જોઈ શકાય છે.
પેશાબના PHની તપાસથી એસિડિક છે કે આલ્કલાઈન, તેના નાઈટ્રોપ્રુસાઈડ ટેસ્ટથી તેમાં સિસ્ટીનની હાજરીની અને તેના ૨૪ કલાકના કુલ જથ્થામાં Ca++ અને ઓક્ઝેલેટની તપાસથી, અંદર રહેલી પથરી શેની બનેલી છે તેનો ખ્યાલ મેળવી શકાય છે.
જો મૂત્રમાર્ગમાં વારંવાર ચેપના કારણે પથરી બનતી હોય તો તેના ‘કલ્ચર’ અને ‘સેન્સિટિવિટી’ ટેસ્ટથી વધારે જાણકારી મેળવી શકાય છે. પેશાબની તપાસ બાદ લોહીની તપાસ પણ કરવામાં આવે છે.
આ તપાસમાં શું શું જોવાનું હોય અને તે સિવાય બીજી કઇ કઇ તપાસ કરવાની હોય તે વિશે આપણે આગામી અંકમાં જાણીશું. (ક્રમશઃ)