ન્યૂ યોર્ક: અમેરિકાની સિનિયર નર્સ જૂલીએ મૃત્યુ પૂર્વેની અંતિમ ક્ષણોમાં દર્દીની સ્થિતિ અંગે સોશિયલ મીડિયામાં બહુ રસપ્રદ ખુલાસો કર્યો છે. તેનું કહેવું છે કે મોટા ભાગની વ્યક્તિઓ મૃત્યુની વેળાએ એક જ પ્રકારની વાત કરે છે.
જૂલીએ કેલિફોર્નિયા અને લોસ એન્જલસમાં નર્સ તરીકે પાંચ વર્ષ કામ કર્યું છે. આ પહેલાં તે નવ વર્ષ આઈસીયુમાં નર્સ હતી. તે ૧૪ વર્ષથી તબીબી ક્ષેત્રે કામ કરી રહી છે અને તેણે કેટલાયને પોતાની નજર સામે અંતિમ શ્વાસ લેતા જોયા છે. તેણે તાજેતરમાં જ પોતાના એક વીડિયોમાં જણાવ્યું છે કે અંતિમ સમયે મોટા ભાગના લોકો શું કહે છે. તેણે જણાવ્યું હતું કે મોટાભાગના લોકો મરતા પહેલાં તેના સ્વજનને આઈ લવ યુ કહે છે અથવા તો પોતાના મા-બાપને યાદ કરે છે, જે પહેલાં જ મરી ચૂક્યા હોય છે. જૂલીએ મૃત્યુની થોડીક ક્ષણો પૂર્વે દર્દીના શ્વાસની પદ્ધતિમાં બદલાવ નોંધ્યો છે. આ ઉપરાંત ત્વચાનો રંગ બદલાવો, તાવ આવવો, વારંવાર નજીકના સગાં-સંબંધીઓનું નામ લેવું વગેરે લક્ષણો પણ નોંધ્યા છે. તેનું કહેવું છે કે અંતિમ શ્વાસ લેતાં પહેલાં મોટાભાગના દર્દીઓને પડછાયા દેખાવવા માંડે છે. પડછાયાઓમાં તે પોતાના મૃત્યુ પામેલા સગાં-સંબંધીઓને નિહાળતા હોય છે.