લંડનઃ એંસીના દાયકામાં રહેલા શામજી મુરજી વાગજીઆની ડાયાબીટિસ, પોટાશિયમની વધઘટ સહિત વિવિધ બીમારીથી પીડાતા હતા. તેઓ સપ્ટેમ્બર ૨૦૧૮માં ત્રણ મહિનાના ભારત પ્રવાસે આવ્યા હતા. ખરાબ તબિયત અને મેડિકલ ટ્રાવેલ ઈન્સ્યુરન્સના અભાવે તેમણે ગણતરીના સપ્તાહોમાં પ્રવાસ ટુંકાવવાની ફરજ પડી હતી. શામજી લગભગ દર છ મહિને ભારતનો પ્રવાસ કરતા હતા અને તેમણે કદી મેડિકલ ટ્રાવેલ ઈન્સ્યુરન્સ લીધો ન હતો. આ વર્ષે તેઓ ગુજરાતના ભૂજમાં પોતાને ગામ ગયા હતા. જોકે, નાદુરસ્ત તબિયતના કારણે તેઓ NHS હેલ્થકેરમાં સારવાર લેવા યુકે જવા માગતા હતા. તેમના પુત્ર સુરેશ વાગજીઆનીએ કહ્યું હતું કે, ‘મારું ધારવું એમ હતું કે તેમની વર્તમાન બીમારીઓ અને વયને જોતાં કોઈ તેમનો વીમો ઉતારશે નહિ અથવા તેની કિંમત એટલી ઊંચી હશે કે વીમો ઉતરાવવાનો કોઈ અર્થ નહિ રહે. જોકે, એ ધારણા હવે ખોટી લાગે છે.’
નાણાવટી હોસ્પિટલે રોજનો £૧૦૦૦નો ચાર્જ કર્યો
સુરેશભાઈના જણાવ્યા મુજબ જેટ એરવેઝના ગેટ્સ પર જ તેમની હાલત જોઈ તેમને વિમાનમાં લઈ જવાનો ઈનકાર જ કર્યો હતો. ડોક્ટર આવે ત્યાં સુધી વિમાન રોકી રખાયું હતું. ડોક્ટરે આવી તેમને તપાસી સીધા જ મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરી દીધા અને તેઓ આશરે બે સપ્તાહ હોસ્પિટલમાં રહ્યાં હતાં. સુરેશભાઈ ભારતીય હોસ્પિટલોથી નારાજ હતા કારણકે સારવાર ખર્ચ ઉપરાંત, તેમના પિીતા ઈન્સ્યુલિન પર હોવાં છતાં તેમને સર્જરી બિસ્કિટ્સ અપાતા હતા. હોસ્પિટલ દ્વારા ૭થી આઠ કન્સલ્ટન્ટ રખાયા હતા અને રોજનું ૧૦૦૦ પાઉન્ડનું બિલ આપ્યું હતું. સુરેશના પિતાનો મેડિકલ ઈન્સ્યુરન્સ ન હોવાથી તેમને યુકે પરત લઈ જવાનો પણ મોટો પડકાર હતો. એર ઈન્ડિયાએ મેડિકલ રેકોર્ડ્સ જોઈ અને હવાઈ પ્રવાસ માટે ફીટનેસ સર્ટિફિકેટ ન હોવાથી ઈનકાર કરી દીધા પછી ટર્કીશ એરલાઈન્સમાં સાત સીટ્સ બુક કરાવી શક્યા હતા. પેશન્ટની સાથે બે ડોક્ટર પણ લઈ જવાયા હતા. સમગ્ર મેડિકલ પ્રોસેસનો ખર્ચ ૪૦,૦૦૦ પાઉન્ડ આવ્યો જેમાં, ૧૪,૦૦૦ પાઉન્ડનું હોસ્પિટલ બિલ અને યુકે વિમાનમાં લઈ જવાના ૨૫,૦૦૦ પાઉન્ડથી વધુનો સમાવેશ થયો હતો.
પ્રાઈવેટ જેટનો ખર્ચ £૧૨૦,૦૦૦
ટર્કીશ એરલાઈન્સે એક પ્રકારનું જોખમ જ ઉઠાવ્યું હતું કારણકે પ્રવાસમાં પેશન્ટને કશું થઈ જાય તો વિમાનને માર્ગ પણ બદલવો પડ્યો હતો. જો ટર્કીશ એરલાઈન્સે જોખમ લીધું ન હોત તો છેલ્લો વિકલ્પ પ્રાઈવેટ જેટમાં લઈ જવાનો હતો, જેનો કુલ ખર્ચ ૧૨૦,૦૦૦ પાઉન્ડ થવા જતો હતો. સુરેશભાઈએ કહ્યું હતું કે આવી કોઈ ઘટના ન બને ત્યાં સુધી આપણને યુકેની હેલ્થકેર સુવિધાઓ વિશે કોઈ જાણ જ હોતી નથી. સુરેશભાઈ કહે છે કે, ‘દરેક અને ૫૫થી વધુ વયના લોકોએ તો ઈન્સ્યુરન્સ લેવો જ જોઈએ. તે કદાચ ખર્ચાળ જણાય પરંતુ, તેની ગેરહાજરી નાણાકીય ખર્ચ ઉપરાંત, ભાવનાત્મક અને ચિંતાનું પ્રમાણ અનેકગણું વધારી દે છે.’
વાર્ષિક £૫૦૦ ચૂકવો અને ચિંતામુક્ત રહો
અહીં જ મેડિકલ ટ્રાવેલ ઈન્સ્યુરન્સની વાત આવે છે. એડવાટેક હેલ્થકેર ના સ્થાપક અને સીઈઓ સંબિત વિશ્વાસ કહે છે તેમ વૃદ્ધ વ્યક્તિ માટે વાર્ષિક ૫૦૦ -૬૦૦ પાઉન્ડની કિંમતે મેડિકલ ટ્રાવેલ ઈન્સ્યુરન્સ શરૂ થાય છે, જે વર્ષમાં મહત્તમ ૧૮૩ દિવસ અને એક સાથે ૪૫ દિવસને આવરી લે છે. જો શામજી મુરજી વાગજીઆની પાસે મેડિકલ ટ્રાવેલ ઈન્સ્યુરન્સ હોત તો પણ તેમણે નિયમાનુસાર બીમારીની જાણ કર્યાના ૩૦ દિવસમાં હવાઈ પ્રવાસથી યુકે પાછાં આવવાનું રહેત. વ્યક્તિના તબીબી ઈતિહાસને જોતા દૈનિક ૩,૫૦૦ પાઉન્ડ સુધીનો તબીબી ખર્ચ મેળવી શકાય છે. મેડિકલ ઈન્સ્યુરન્સ હોય તો પેશન્ટને તેના મેડિકલ સેન્ટરમાંથી એક દેશથી બીજા દેશમાં ટ્રાન્સપોર્ટ, ઈમિગ્રેશન અને સારવાર કેન્દ્રમાં એડમિશન સુધીના ખર્ચનો લાભ મળી શકે છે. આ કેસ સ્ટડી મેડિકલ ઈન્સ્યુરન્સ સાથે પ્રવાસ કરવાનું મહત્ત્વ સમજાવે છે. સંબિત વિશ્વાસ કહે છે કે, ‘જો વાગજીઆની પાસે ટ્રાવેલ ઈન્સ્યુરન્સ હોત તો નાણાવટી હોસ્પિટલનાં બિછાનાથી યુકેમાં પરત થવા સુધીનો તમામ ખર્ચ તેમાં આવરી લેવાયો હોત.’ જો તેમની પાસે ઈન્સ્યુરન્સ હોત તો પ્રથમ એર એમ્બ્યુલન્સમાં જ યુકે પહોંચી સારવાર મેળવી શક્યા હોત.