સદીઓથી મેડિટેશનનું મહત્ત્વ રહ્યું છે. પૌરાણિક સમયમાં ગુરુગણ વર્ષોવરસ સુધી ધ્યાનમાં લીન રહેતા હતા. સદીઓથી ચાલી આવતી મેડિટેશનની રીત આજે પણ અકબંધ છે. ધ્યાન ધરવાથી માનસિક ફાયદા તો થાય જ છે, પણ સાથે સાથે તેના શારીરિક ફાયદા પણ અનેક થાય છે. રોજ ધ્યાન ધરવાથી મોટાભાગની બીમારીઓથી બચી શકાય છે અને શરીર સ્વસ્થ રહે છે. કોઈ પણ ઉંમરના વ્યક્તિ ધ્યાન કરી શકે છે. તેમાં પણ ઉંમરલાયક વડીલો માટે તો આ ઉત્તમ છે. જો તેઓ કોઈ કસરત કે યોગ કરવા સક્ષમ ન હોય તો માત્ર ધ્યાન કરવાથી પણ તેના અઢળક ફાયદા થાય છે.
મનને રાખે છે શાંત
માનસિક રીતે મેડિટેશનના અનેક ફાયદા છે. મેડિટેશન કરવાથી મન શાંત રહે છે. આ ઉપરાંત અલ્ઝાઈમર, ડિપ્રેશન અને એન્ગઝાઈટી જેવી બીમારીઓમાં પણ ઘણા અંશે રાહત મળે છે. ઉંમર વધવાની સાથે ધીરે ધીરે યાદશક્તિ પણ ઓછી થતી જાય છે, આવા સમયે રોજ ધ્યાન કરવાથી યાદશક્તિમાં પણ ફર્ક જોવા મળે છે. મેડિટેશનને તમારી રોજિંદી ક્રિયાનો ભાગ બનાવો. ધ્યાન કરવાથી નેગેટિવ એનર્જી દૂર રહેશે અને પોઝિટિવ એનર્જી અનુભવાશે. પરિણામે તમારો આખો દિવસ ફ્રેશ અને આનંદભર્યો પસાર થશે. તેમજ ઘડપણમાં વ્યક્તિ નિરાશાવાદી બની જાય છે અને ઘણી વખત તેમને કોઈ પણ બાબતમાં કોઈ ઉત્સાહ રહેતો નથી. તેઓ સતત પોતાને એકલા અનુભવે છે અને આ એકલતા તેમને કોરી ખાય છે. આ બધી સમસ્યાના નિવારણ માટે રોજ ધ્યાન કરવું જરૂરી છે. મેડિટેશન એ લાખ દુ:ખો કી એક દવા સમાન છે.
તનને રાખે છે સ્વસ્થ
મેડિટેશન કરવાના શારીરિક રીતે પણ અનેક ફાયદા છે. રોજ મેડિટેશન કરવાથી શ્વાસોચ્છવાસની ક્રિયામાં સુધારો થાય છે. મેડિટેશન દરમિયાન ઊંડા શ્વાસ લેવાથી શ્વાસોચ્છવાસની ક્રિયામાં ફેર તો પડે જ છે, આ સાથે લોહીનું પરિભ્રમણ પણ સારું રહે છે અને હૃદયસંબંધી બીમારીઓનું જોખમ પણ ઓછું રહે છે. આ ઉપરાંત તેનાથી મગજના સ્નાયુઓ મજબૂત બને છે અને ફેફસાં પણ સારા રહે છે. મેડિટેશનમાં પીઠ અને કમરના દુખાવામાં પણ રાહત મળે છે. આમ મેડિટેશન કરવાથી શરીર મસ્ત અને તંદુરસ્ત રહે છે.
કેવી રીતે અને ક્યારે કરશો મેડિટેશન?
મેડિટેશન કેવી રીતે કરવું એ તો સૌ કોઈ જાણે છે, પણ કેટલાક વડીલ વર્ગની જાણકારી ખાતર મેડિટેશન કેવી રીતે કરવું એ અંગેની બેઝિક ટિપ્સ અહીં જણાવી છે...
• સૌથી પહેલા એક સ્વચ્છ જગ્યા પર આસન પાથરવું. ત્યારબાદ પદ્માસન, સિદ્ધાસન અથવા વજ્રાસનમાં બેસવું. જો તેનાથી તમે અસહજ હોવ તો સાદી પલાઠી વાળીને પણ બેસી શકો છો અને જો પગની તકલીફને કારણે પલાઠી વાળીને બેસવામાં સક્ષમ ન હોવ તો, ખુરસી પર કરોડરજ્જુને ટટ્ટાર રાખી બેસવું.
• તમારી ગરદન અને ખભા આરામદાયક સ્થિતિમાં રાખવા.
• બંને હાથને પગના બંને ઘૂંટણ પર સીધા રાખો. ધ્યાનની ક્રિયા દરમિયાન આંખ બંધ રાખવી.
• ધીરે ધીરે ઊંડા શ્વાસ લેવા અને ધીરે ધીરે છોડવા.
• પાંચથી આઠ મિનિટ સુધી આ રીતે ધ્યાન કરવું.
• સવારે અને સાંજે શાંત વાતાવરણમાં મેડિટેશન કરવા માટેનો ઉત્તમ સમય છે.