જે ચીજનો સ્વાદ થોડોક કડવો હોય અને જીભને જે પસંદ ન પડે, તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. મેથીની પણ આવી જ ચીજમાં ગણતરી કરવી પડે. ઘરની રસોઈસામગ્રીમાં સહેલાઈથી મળતી મેથી ઔષધીય ગુણ અને ઘણા બધા પોષકદ્રવ્યોથી ભરપૂર છે.
ડાયાબિટીસ નિયંત્રણમાં ન હોય, પાચન અંગેની સમસ્યાઓ હોય, કોલેસ્ટ્રોલની પરેશાનીને ઠીક કરવી હોય કે પછી વજન ઓછું કરવું હોય તો મેથી એક અસરકારક દવા બનીને સહાયભૂત થાય છે. વારંવાર ભૂખ લાગવાની સમસ્યા દૂર થાય છે.
એન્ટિઓક્સિડન્ટ અને એન્ટિઈન્ફલેમેટ્રી ગુણથી ભરપૂર મેથી શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. મેથીમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોવાથી ટાઈપ-૧ અને ટાઈપ-૨ બંને પ્રકારના ડાયાબિટીસમાં ફાયદો થાય છે. મેથી શરીરમાં ચરબીને જમા થતી રોકે છે. બે-ત્રણ મહિના સુધી પીવાથી ગુડ કોલેસ્ટ્રોલ વધે છે અને કુલ કોલેસ્ટ્રોલ સ્તરમાં પણ ઘણો ઘટાડો થાય છે.
મેથીની ચા બનાવીને પી શકાય, તેના પીલાં કાઢીને ખાઈ શકાય અને પાવડર બનાવીને મધ સાથે પણ ખાઈ શકાય. જોકે મેથીના દાણાનો ભરપૂર ફાયદો મેળવવો હોય તો મેથીનું પાણી પીવું જોઈએ. મેથીનું પાણી બનાવવા માટે એક મોટા બાઉલમાં પાણી લો અને તેમાં બે ચમચી મેથી નાખીને અને પાણીને આખી રાત રહેવા દો અને સવારે પાણીને ગાળી નાંખી ખાલી પેટે પીઓ. અથવા તો એક ચમચી મેથીના દાણાને તવીમાં નાંખીને તેલ વિના જ શેકી નાંખો. આ પછી તેને વાટી નાંખીને પાવડર બનાવી લો.
દરરોજ સવારે ભૂખ્યા પેટે એક ચમચી પાવડરને એક ગ્લાસ ગરમ પાણીમાં મેળવીને પીવાથી ફાયદો થાય છે.