મેનોપોઝ આવવાની તૈયારી છે? તો હૃદયની ખાસ સંભાળ લો

શ્રેષ્ઠ છે સદાબહાર સ્વાસ્થ્ય

Wednesday 10th January 2024 06:13 EST
 
 

એક સંશોધનના તારણ પ્રમાણે જે મહિલા મેનોપોઝના તબક્કાની નજીક હોય અથવા તો એમાંથી પસાર થઇ રહી હોય તેમણે પોતાના હૃદયની સવિશેષ કાળજી લેવી જોઇએ કારણ કે આ તબક્કા દરમિયાન મહિલાઓને હૃદયની સમસ્યા થવાની શક્યતા એકદમ વધી ગઇ છે. નોંધનીય છે કે ખરાબ લાઇફસ્ટાઇલ, આહારમાં પોષકતત્ત્વોની કમી તેમજ અસંતુલિત હોર્મોનની સમસ્યાને કારણે પુરુષોની સરખામણીએ મહિલાઓને હૃદયની લગતી સમસ્યા થવાની શક્યતા વધી જાય છે.
 ઇન્ડિયન હાર્ટ એસોસિએશન (આઇએચએ)ના તારણ પ્રમાણે સાઉથ એશિયન મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરની સરખામણીમાં હૃદયરોગને કારણે મરવાનું જોખમ આઠ ગણું વધારે હોય છે. આ સિવાય મહિલાઓનું હૃદય પુરુષોની તુલનામાં થોડુંક નાનું હોય છે. આ ઉપરાંત સ્ત્રીઓનાં હૃદયની દીવાલ પણ પુરુષો કરતાં થોડીક પાતળી હોય છે. આને કારણે સ્ત્રીઓનું હૃદય પુરુષોના હૃદયની તુલનામાં દસ ટકા ઓછું રક્ત પમ્પ કરે છે.
હોર્મોનની ભૂમિકા મહત્ત્વની
મેનોપોઝને કારણે મહિલાઓનું હૃદય નબળું પડે છે એ આખી પ્રક્રિયામાં હોર્મોનની ભૂમિકા મહત્ત્વની છે. હકીકતમાં આખા શરીરને સ્વસ્થ રાખવા એસ્ટ્રોજન હોર્મોન જરૂરી છે. મેનોપોઝ પછી શરીરમાં તેનો સ્ત્રાવ ઓછો થઇ જાય છે. એસ્ટ્રોજન ઓછું થવાથી રક્ત પ્રવાહની ગતિ ઘટી જાય છે, જેનાથી બ્લડ પંપ કરવામાં હૃદયને વધારે સ્ટ્રેસ પડે છે અને આના કારણે બ્લડ પ્રેશર વધવાની શક્યતા પણ વધી જાય છે. આ કારણોસર મેનોપોઝ પછી હૃદયની સમસ્યાઓના કેસોમાં પણ વધારો થાય છે. આ સિવાય ઉંમર વધવાની સાથે જ્યાં શરીરનો મેટાબોલિઝમનો દર પણ ઘટે છે, તેમજ સ્ત્રીઓ શારીરિક પ્રવૃત્તિમાં ઘટાડો કરે છે. આનાથી વજન વધે છે અને હૃદયરોગનું જોખમ અનેકગણું વધે છે.
પુરુષ કરતાં અલગ લક્ષણો
મેનોપોઝ પછી જો તમને શ્વાસ લેવામાં કોઈ તકલીફ થાય, હૃદયમાં અસામાન્ય ધબકારા અથવા કોઈ વિચિત્ર લાગણી અનુભવાય, છાતીમાં ભારેપણું, માથાનો દુખાવો કે ઊંઘમાં તકલીફ અનુભવાય છે કે પછી ચક્કર આવી રહ્યા હોય તો ડોક્ટરની સલાહ અવશ્ય લો. જો પરિવારમાં હૃદયરોગની કોઈ હિસ્ટ્રી હોય તો પણ તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ. જો ડાયાબિટીસ અને હાઈ કોલેસ્ટેરોલની સમસ્યા હોય તો વધારે સજાગ રહેવાની જરૂર છે. હકીકતમાં મહિલાઓ હૃદયરોગ દરમિયાન જે લક્ષણો અનુભવે છે એ પુરુષો દ્વારા અનુભવાતાં લક્ષણો કરતાં સાવ અલગ હોય છે.
મહિલાઓ જ્યારે હૃદયરોગની સમસ્યાનો ભોગ ત્યારે તે ચેસ્ટ પેઇનના બદલે અપચો કે થાકની ફરિયાદ કરે છે. આ સિવાય મહિલાઓ હાઇ કોલેસ્ટેરોલની સારવાર માટે ભાગ્યે જ દવાઓ લે છે એટલે એ સમસ્યાનો વધારે ભોગ બને છે. પુરુષોની જેમ મહિલાઓને છાતીમાં દુખતું નથી, પરંતુ તેમને હૃદય પર વજન અનુભવાય અને ક્યારેક એકદમ બેચેની એટલે કે રેસ્ટલેસનેસનો અનુભવ થઇ શકે. આ ઉપરાંત પીઠ દુખવી, હાથ, ગરદન અને જડબાંમાં પણ દુખાવો થઇ શકે. વળી એક અત્યંત અગત્યની વાત એ છે કે આ દુખાવો એટેક આવે ત્યારે જ થાય એવું બિલકુલ જરૂરી નથી. મહિલાઓને લગભગ પંદર દિવસ કે મહિના પહેલાં પણ દુખાવો થઇ શકે. જો સામાન્ય દવાઓથી આ દુખાવો બે-ત્રણ દિવસમાં ન મટે તો સત્વરે ચેકઅપ કરાવી લેવું સલાહભર્યું છે.
હંમેશા સતર્કતા જરૂરી
જો મહિલાઓને હૃદયરોગથી બચવું હોય છે આ મુદ્દે સતર્કતા રાખવી બહુ જરૂરી છે. દક્ષિણ એશિયાઇ મહિલાઓને પૂરતું પોષણ મળે અને તેઓ નિયમિત ફિઝિકલ એક્ટિવિટી કરે એ બહુ જરૂરી છે. તેમણે પ્રોસેસ્ડ કાર્બોહાઇડ્રેટ અને ટ્રાન્સ ફેટથી બચવું જોઇએ. આટલું ધ્યાન રાખવાથી પેટના હિસ્સામાં ચરબી જમા થતી નથી અને ઓબેસિટીનું જોખમ પણ ઘટે છે.
તબીબો ચેતવણી ઉચ્ચારતાં કહે છે કે હૃદયરોગથી બચવા સ્ત્રીઓએ તેમની લાઈફસ્ટાઈલ અને ખાણીપીણી પ્રત્યે સાવધ રહેવું જોઈએ. દિવસમાં ત્રણથી ચાર ફળ-શાકભાજી ખાવા જોઈએ. લિફટનો ઉપયોગ કરવાને બદલે પગથિયાં ચડવા જોઈએ. સ્થૂળતા ઘટાડીને હૃદયને મજબૂત રાખતું ભોજન લેવું જોઈએ. નિયમિત રીતે એરોબિક એકસસાઈઝ કરવી જોઈએ.
જીવનશૈલીમાં હકારાત્મક ફેરફાર
બ્લડ પ્રેશર અને હૃદયરોગને કાબૂમાં રાખવા માટે નિયમિત જીવનશૈલી જીવવી જરૂરી છે. આ માટે અઠવાડિયામાં ઓછામાં ઓછી 150 મિનિટ એટલે કે દરરોજ આશરે 20થી 25 મિનિટ કસરત કરવી જોઈએ.
નિયમિતપણે તમારા આહારમાં આખા અનાજ (સ્પ્રાઉટ્સ વગેરેના સ્વરૂપમાં), શાકભાજી અને ફળોનો સમાવેશ કરો. દૂધ, દહીં અને પનીર જેવા ડેરી ઉત્પાદનો પૂરતા પ્રમાણમાં લો, જેથી શરીરને કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન ડી અને વિટામિન કે મળી શકે. તૈયાર ખોરાક, ચિપ્સ વગેરે ન ખાઓ અને ખોરાકમાં મીઠું પણ ઓછું લો. કોઈ પણ પ્રકારના ધૂમ્રપાનથી સંપૂર્ણપણે દૂર રહો. તમારી ચા અને કોફીનું સેવન ઓછું કરો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter