લંડનઃ સ્વાસ્થ્ય સદાબહાર નિરામય રાખવા માટે લોકો જાતભાતના ઉપાયો અજમાવતા જોવા મળે છે, પરંતુ તાજેતરના એક સંશોધનનું તારણ એવું જણાવે છે કે જો તમને હાઇ બ્લ્ડપ્રેશરની તકલીફ હોય તો એક વાર મેરેથોન દોડમાં ભાગ લેશો તો પણ તેમાં રાહત જણાશે. એટલું જ નહીં, દોડવાથી ધમનીઓની કામગીરીમાં પણ સુધારો થાય છે. ખાસ કરીને ઉંમરલાયક માણસોના આરોગ્યમાં મેરેથોન સ્પર્ધામાં ભાગ લેવાથી સૌથી સકારાત્મક અસર જોવા મળી હતી. મેરેથોનમાં ભાગ લેનારાની બ્લડપ્રેશરની બીમારીમાં જોવા મળેલો ફાયદો ૬ મહિના સુધી વ્યાયામ કરવાથી થતા ફાયદા જેટલો હતો.
મેરેથોનની તાલીમ દરમિયાન બ્લડપ્રેશર હોવાનું જણાવનારા દોડવીરોને આ દોડ સ્પર્ધામાં ભાગ લીધા પછી ફાયદો થયો હતો એમ આ સ્ટડી સાથે સંકળાયેલા હાર્ટ સેન્ટર એન્ડ યુનિવર્સિટી કોલેજ - લંડનના શાર્લોટ મનિસ્ટીએ દાવો કર્યો હતો. જોકે ઉંમરલાયકોને બ્લડપ્રેશરમાં ફાયદો કેવી રીતે થાય છે તે તથ્ય જાણવા મળ્યું ન હતું.
સંશોધકોએ અભ્યાસના ભાગરૂપે લંડન મેરેથોન ૨૦૧૬ અને ૨૦૧૭માં પ્રથમ વાર ભાગ લેનારા સરેરાશ ૩૭ વર્ષના ૧૩૮ ખેલાડીઓ પર સ્ટડી કર્યો હતો. આ મેરેથોનમાં મહિલાઓનો રનિંગ ટાઇમ ૫.૪ કલાક અને પુરુષોનો ૪.૫ કલાક હતો. ૪૨ કિમીની દોડ પછી તપાસ કરવામાં આવતા ધમનીઓ પર રનિંગની સકારાત્મક અસર જોવા મળી હતી. ઉંમર વધવાની સાથે ધમનીઓ કડક થવી એ સામાન્ય બાબત છે. જે હૃદયરોગ, સ્ટ્રોક, હાર્ટ એટેક અને કિડનીને લગતી બીમારી લાવવામાં નીમિત્ત બને છે. જોકે પહેલી વાર મેરેથોનમાં ભાગ લેનારાઓની ધમનીમાં સંકોચન જોવા મળતું ન હતું. મેરેથોનમાં ભાગ લેનારા અગાઉ એકસરસાઇઝ કે વજન ઉતારવા ખાસ પ્રયાસ કરતા હોય તેવું પણ જણાયું ન હતું.
મેરેથોનમાં ભાગ લેનારાના બ્લડપ્રેશરમાં જે ફાયદો જોવા મળ્યો તે ૬ મહિના સુધી વ્યાયામ કરે તેટલો હતો. કસરત અને દોડને લઇને અનેક સંશોધનો થતા રહે છે પરંતુ મેરેથોન દોડમાં ભાગ લેવાથી હાઇ બ્લડ પ્રેશર દૂર થતી હોવાનું સંશોધન મહત્વનું છે. જોકે સચોટ નિષ્કર્ષ માટે હજુ અભ્યાસ જરૂરી હોવાનું નિષ્ણાતોનું કહેવું છે.