લંડનઃ કોવિડ-૧૯ સંક્રમણ ધરાવતાં મોટા ભાગના બાળકો છ દિવસ બાદ તેના લક્ષણોમાંથી બહાર આવી જાય છે અને ચાર સપ્તાહ કરતાં વધારે સમય માટે જેમનામાં કોરોનાના લક્ષણો જળવાયા હતાં તેવા બાળકોની સંખ્યા ઘણી ઓછી હતી તેમ લાન્સેટ ચાઇલ્ડ એન્ડ એડોલસન્ટ હેલ્થ જર્નલમાં પબ્લિશ અભ્યાસમાં જણાવાયું છે. પેરન્ટ્સ અને કેર ટેકર્સ દ્વારા સ્માર્ટફોન એપ મારફત જણાવાયેલાં ડેટા ઉપર આધારિત આ અભ્યાસમાં પ્રથમવાર સિમ્પ્ટોમેટિક સ્કૂલ એજ ચિલ્ડ્રનમાં કોવિડ-૧૯ માંદગીનો વિગતવાર ચિતાર ઉપલબ્ધ કરાવે છે. કિંગ્સ કોલેજ લંડનના પ્રોફેસર અને અભ્યાસના વરિષ્ઠ લેખક એમા ડંકને જણાવ્યું હતું કે લાંબા ગાળા સુધી કોવિડ-૧૯ના ચિહનો ધરાવતાં બાળકોની સંખ્યા ઓછી છે. એટલું જ નહીં અમારો અભ્યાસ આવા બાળકો અને તેમના પરિવારના અનુભવની પુષ્ટિ કરે છે.
સંશોધનકારોએ નોંધ્યું છે કે કેટલાક પુખ્ત લોકો કોવિડ-૧૯ના સંક્રમણ બાદ લાંબા ગાળા સુધી માંદગીનો અનુભવ કરે છે, જેને લોંગ કોવિડ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં કોરોનાના લક્ષણો ચાર સપ્તાહ કરતાં પણ વધારે સમય માટે જોવા મળે છે. જોકે બાળકોમાં આ પ્રકારની સ્થિતિ ઊભી થાય છે કે નહીં અથવા તો તેમનામાં આ બાબત કેટલી કોમન છે તે હજું જાણવા મળ્યું નથી. વાઇરસ SARS-CoVથી સંક્રમિત ઘણા બાળકોમાં કોઇ લક્ષણો વિકસ્યા ન હતાં, પરંતુ તેમનામાં સામાન્ય માંદગી જોવા મળી હતી, તેમ સંશોધકોએ જણાવ્યું હતું.