સામાન્ય જનધારણા એવી છે કે સક્રિય જીવનમાંથી નિવૃત્તિ બાદ લોકો એકલતાથી પીડાય છે. જ્યારે તમે જીવનમાં કોઈ એક ઉંમરના પડાવ પર પહોંચો ત્યારે તમને એકલતા કોરી ખાય છે. પરંતુ જો તાજેતરના અભ્યાસ અને વર્તનની પેટર્નને સાચી માનવામાં આવે તો એકલતા તમામ વયના લોકોને લાગુ પડે છે. આજકાલ યુવા પેઢી વધારે એકલતા (લોનલીનેસ) અનુભવી રહી છે. બ્રિટિશ ઇન્ટરનેશનલ ઇન્ટરનેટ આધારિત માર્કેટ રિસર્ચ ફર્મ યુગોવના જણાવ્યા અનુસાર યુકેમાં ૨,૦૦૦ કરતા વધારે વયસ્કોના સર્વેમાં લગભગ ૩૧ ટકા યુવાનોએ એકલતાનો સ્વીકાર કર્યો હતો.
સર્વેમાં એવું પણ જણાવાયું કે ૨૪ ટકા યુવાન લોકોએ જીવનના કેટલાક તબક્કે એકલતાનો સ્વીકાર કર્યો છે. સાત ટકા લોકોએ એવું જણાવ્યું કે તેઓ દરરોજ એકલતા અનુભવી રહ્યાં છે. મજાની વાત એ છે કે ફક્ત ૨ ટકા વૃદ્ધોએ એવું જણાવ્યું કે તેમને એકલતા કોરી ખાય છે. આ તારણો પર પ્રકાશ ફેંકતા યુગોવે જણાવ્યું કે આજના માહોલમાં યુવાન લોકો અનેક પ્રકારના પડકારોથી પીડાઈ રહ્યાં છે. શહેરોમાં નોકરી અને ઘર શોધવાનું કારણ પણ યુવાનોમાં હતાશા લાવી રહ્યા છે. તે ઉપરાંત સર્વે અનુસાર ૧૮થી ૨૪ વર્ષના ૪૬ ટકા લોકો નવા મિત્રોને શોધવામાં મુશ્કેલી અનુભવે છે. સુખી રહેવાનો તથા માનસિક રીતે તંદુરસ્ત રહેવાનો મૂળ મંત્ર એટલે મિત્રો બનાવવા અને નવા સંબંધો વિકસિત કરવાનો છે. તેથી જો લોકો આવું ન કરી શકતા હોય તો તે એક સંશોધનનો વિષય છે. સંશોધકોએ કહ્યું કે જીવનના દરેક તબક્કે કોઈને કોઈ વ્યક્તિએ એકલતા અનુભવી જ હોય છે.